Home International Massive Fire Breaks Out In Guest House Near Dal Lake In Kashmir Tourists Flee To Save Their Lives

કાશ્મીરમાં આગની આફત : ડલ લેક પાસે ગેસ્ટ હાઉસમાં ભભૂકી આગ, પ્રવાસીઓએ ભાગીને જીવ બચાવ્યા

કાશ્મીરમાં આગની આફત
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 05:33 AM IST

શ્રીનગર: કુદરતના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં અત્યારે બરફની સફેદ ચાદર પથરાયેલી છે, જેને નિહારવા માટે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જોકે, આ ખુશનુમા માહોલ વચ્ચે શ્રીનગરના પ્રસિદ્ધ ડલ લેક (ડલ સરોવર) વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં કિનારા પર આવેલા એક પ્રખ્યાત ગેસ્ટ હાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની લપેટો એટલી ભયાનક હતી કે તેને દૂર-દૂરથી જોઈ શકાતી હતી. લાકડાના બનેલા આ ગેસ્ટ હાઉસમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે સ્થાનિકો અને પ્રશાસનની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.

શોર્ટ સર્કિટ કે ઈલેક્ટ્રિક ધાબળો? આગનું કારણ તપાસ હેઠળ

શ્રીનગરના ડલ સરોવર વિસ્તારમાં લાગેલી આ આગ પાછળનું પ્રાથમિક કારણ ઈલેક્ટ્રિક ધાબળો (Electric Blanket) હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં અત્યારે કકડતી ઠંડી પડી રહી હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિકો ગરમી મેળવવા માટે ઈલેક્ટ્રિક બ્લેન્કેટનો ઉપયોગ કરતા હોય છે. આશંકા છે કે ધાબળામાં થયેલા શોર્ટ સર્કિટને કારણે તણખો ઝર્યો અને જોતજોતામાં લાકડાના બનેલા ગેસ્ટ હાઉસમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ. જોકે, અધિકારીઓ અત્યારે આગ લાગવાના સચોટ કારણની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

પાણીની બોટ સાથે ફાયર ફાયટરોનું રેસ્ક્યુ ઓપરેશન

ડલ સરોવરમાં લાગેલી આગને ઠારવા માટે ફાયર બ્રિગેડની ટીમે અનોખી રીતે કામગીરી કરવી પડી હતી. ફાયર ફાઈટરો પાણીની સ્પેશિયલ બોટ (નાવ) લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો, પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોએ ખભેખભા મિલાવીને આગ બુઝાવવામાં મદદ કરી હતી. જવાનો અને સ્થાનિકોની ત્વરિત કાર્યવાહીને કારણે આગ બાજુમાં આવેલા અન્ય હોટલ અને રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકી હતી, અન્યથા મોટી હોનારત સર્જાઈ શકી હોત.

કોઈ જાનહાનિ નહીં: પ્રવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા

સૌથી રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે, જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ ગેસ્ટ હાઉસના માલિક અને પાડોશીઓએ અંદર રોકાયેલા તમામ મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. તમામ પ્રવાસીઓને તાત્કાલિક નજીકના અન્ય ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસને પ્રવાસીઓને તમામ શક્ય મદદ પૂરી પાડી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now