Texas Refinery Explosion: અમેરિકાના ટેક્સાસ રાજ્યના પોર્ટ આર્થર ખાતે આવેલી વાલેરો એનર્જીની વિશાળ રિફાઇનરીમાં સોમવારે સાંજે એક શક્તિશાળી વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનાથી આસપાસના રહેણાંક વિસ્તારોના ઘરોની બારીઓ ધ્રુજી ઉઠ્યા હતા અને માઇલો દૂર સુધી આકાશમાં કાળા ધુમાડાના ઘટ્ટ વાદળો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી 'શેલ્ટર-ઈન-પ્લેસ' (ઘરની અંદર જ રહેવા) નો આદેશ જારી કર્યો છે. વિસ્ફોટ બાદ રિફાઇનરીના એક યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર્સ અને ઈમરજન્સી ટીમો સતત કાર્યરત છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર મળ્યા નથી. વાલેરો એનર્જીએ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે તમામ કર્મચારીઓની ગણતરી કરી લેવામાં આવી છે અને તેઓ સુરક્ષિત છે. જોકે, વિસ્ફોટના કારણે વિસ્તારમાં ઉભી થયેલી સ્થિતિને જોતા સ્થાનિક શાળાઓ અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સબાઈન પાસ વિસ્તારના કેટલાક વિદ્યાર્થીઓ પણ અટવાયા હોવાના અહેવાલ છે.
વિસ્ફોટનું કારણ: હીટર યુનિટમાં ખામીની આશંકા
પોર્ટ આર્થર ફાયર ડિપાર્ટમેન્ટ અને જેફરસન કાઉન્ટીના શેરિફ ઝેના સ્ટીફન્સના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં વિસ્ફોટનું કારણ 'ઇન્ડસ્ટ્રિયલ હીટર યુનિટ'માં આવેલી કોઈ ખામી હોવાનું માનવામાં આવે છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ ટીમો હાલમાં આગના ઉદભવ સ્થાન અને વિસ્ફોટની તીવ્રતાનું આકલન કરી રહી છે.
હવાની ગુણવત્તા પર બાજ નજર અને રસ્તાઓ બંધ
વિસ્ફોટ બાદ હવામાં કોઈ ઝેરી વાયુઓ ભળ્યા છે કે નહીં તે તપાસવા માટે ટેક્સાસ કમિશન ઓન એન્વાયરમેન્ટલ ક્વોલિટી (TCEQ) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે રિફાઇનરી નજીકના સ્ટેટ હાઇવે 82 અને 87 ને બંધ કરી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્રે પશ્ચિમ પોર્ટ આર્થર, સબાઈન પાસ અને પ્લેઝર આઈલેન્ડના રહેવાસીઓને બારી-બારણાં બંધ રાખી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
ઈંધણ પુરવઠા પર અસરની શક્યતા
ઉલ્લેખનીય છે કે પોર્ટ આર્થર રિફાઇનરી અમેરિકાની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે, જે દરરોજ આશરે 3,95,000 થી 4,35,000 બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટ ગેસોલિન, ડીઝલ અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પહેલેથી જ વૈશ્વિક તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ મોટી રિફાઇનરીમાં થયેલી દુર્ઘટના અમેરિકાની સપ્લાય ચેઇન અને ઇંધણના ભાવ પર વધુ દબાણ લાવી શકે છે.





