ભારત સરકારનું 'Make In India' અભિયાન, જેનો ઉદ્દેશ્ય દેશને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે, તે હવે અમેરિકા અને ચીન જેવી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના વિરોધનો સામનો કરી રહ્યું છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી છે અને આગામી વર્ષોમાં ત્રીજા સ્થાને પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે, પરંતુ આ બંને દેશોનો દાવો છે કે ભારતની સબસિડી નીતિઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોનું ઉલ્લંઘન કરે છે.
આ વિવાદના કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા 2020 માં શરૂ કરવામાં આવેલી Production Linked Incentive (PLI) યોજના છે. ઘરેલું ઉત્પાદનને વેગ આપવા માટે આ યોજના ઈલેક્ટ્રોનિક્સ, ફાર્મા, સોલર ઉપકરણો અને મેડિકલ ડિવાઈસ સહિત 14 ક્ષેત્રોમાં અમલમાં છે, જેના માટે કુલ 1.91 લાખ કરોડ (અંદાજે 21 અબજ ડોલર)ની જોગવાઈ કરવામાં આવી છે. Bloomberg ના રિપોર્ટ મુજબ, અમેરિકા અને ચીન જેવા વ્યાપારિક ભાગીદારોનું કહેવું છે કે આ પ્રોત્સાહનોને કારણે ભારતીય કંપનીઓને વિદેશી કંપનીઓ સામે અયોગ્ય ફાયદો મળે છે. સોલર સેક્ટરમાં Waaree Energies Limited, Adani Enterprises Limited અને Reliance Industries Limited જેવી કંપનીઓને આ સરકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો છે.
WTOમાં ચીનની ફરિયાદ અને અમેરિકાના આકરા ટેરિફ
તાજેતરમાં અમેરિકાએ ભારતથી આયાત થતા સોલર ઉપકરણો પર 126% સુધીનો પ્રારંભિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાનું તારણ છે કે ભારતીય સોલર ઉદ્યોગને સરકાર તરફથી અયોગ્ય આર્થિક મદદ મળી રહી છે. આટલા ઊંચા ટેરિફ બાદ ભારતીય કંપનીઓ માટે અમેરિકન માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. બીજી તરફ, World Trade Organization (WTO)ના વિવાદ નિવારણ તંત્રએ ચીનની ફરિયાદ પર એક પેનલ બનાવવાનો નિર્ણય લીધો છે. ચીનનો આરોપ છે કે ભારતની ઓટોમોબાઈલ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરની પ્રોત્સાહક યોજનાઓ આયાતી માલને નુકસાન પહોંચાડી રહી છે.
ભારતની રણનીતિ
ભારત સરકાર આ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા દેશના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 17% થી વધારીને 25% કરવા માંગે છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર પોતાની યોજનાઓનો મજબૂતીથી બચાવ કરશે કારણ કે આ સ્કીમ્સ WTO ના નિયમોને સુસંગત છે. નિષ્ણાતોના મતે PLI જેવી યોજનાઓ વિના ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું કઠિન છે. નોંધપાત્ર છે કે અમેરિકા અને ચીન પોતે પણ પોતાની સબસિડી નીતિઓ માટે વિવાદોમાં રહ્યા છે, છતાં તેઓ અત્યારે ભારતની આર્થિક નીતિઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.




















