Home Gujarat Makarpura Depot Seized Due To Property Tax Arrears Of Rs 114 Crore

કરોડોનો મિલકત વેરો બાકી હોવાથી મકરપુરા એસ.ટી. ડેપો સીલ : પાલિકાએ મુખ્ય ઓફિસને મારી દીધા તાળા

કરોડોનો મિલકત વેરો બાકી હોવાથી મકરપુરા એસ.ટી. ડેપો સીલ
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 09:03 AM IST

વડોદરા મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા વસૂલાત માટે શરૂ કરેલી કડક ઝુંબેશ હેઠળ હવે સરકારી મિલકતો સામે પણ કાર્યવાહી તેજ બનાવી છે. આ જ કડકાઈના ભાગરૂપે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા મકરપુરા એસ.ટી. બસ ડેપો પર પાલિકાના ટેક્સ વિભાગે સોમવારે સીલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. અંદાજે રૂ. 1.14 કરોડ જેટલો મિલકત વેરો લાંબા સમયથી બાકી હોવાથી ડેપોની મિલકતના મુખ્ય ભાગોને સીલ મારવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મકરપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની મિલકત પર અંદાજે રૂ. 1,14,34,000 જેટલો મિલકત વેરો બાકી હતો. પાલિકા દ્વારા અગાઉ અનેક વખત મૌખિક તેમજ લેખિત નોટિસો પાઠવવામાં આવી હતી. છતાંય વેરાની ભરપાઈ કરવામાં આવી નહોતી. જેના કારણે અંતે પાલિકાએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

સોમવારે સવારે પાલિકાના વોર્ડ નં. 18 ના ટેક્સ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મકરપુરા એસ.ટી. ડેપો પર પહોંચી હતી. ટીમે ડેપો પરિસરમાં આવેલી વહીવટી ઓફિસ, ટિકિટ વિન્ડો તેમજ કેટલાક અન્ય વિભાગોને સીલ કરીને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પાલિકાના અધિકારીઓએ સ્થળ પર જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

પાલિકાના કમિશનરે અગાઉ જાહેર કર્યું હતું કે શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જો બાકીદારો તાત્કાલિક વેરો ભરી દે તો તેમને વ્યાજ માફી જેવી રાહતો આપવામાં આવશે. પરંતુ વારંવાર નોટિસ છતાં વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે સીલિંગ, જોડાણ કાપવા અને જપ્તી જેવી કાર્યવાહી કરવામાં આવશે.

નાણાકીય વર્ષના અંતિમ તબક્કામાં પાલિકા પોતાની આવક વધારવા માટે બાકીદારો પાસેથી વસૂલાત કરવા કટિબદ્ધ હોવાનું પણ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારી હોય કે ખાનગી, કોઈપણ મિલકતધારક વેરો ભરવામાં ઢીલ કરશે તો તેની સામે સમાન રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મકરપુરા એસ.ટી. ડેપો પર થયેલી સીલિંગ કાર્યવાહી બાદ શહેરના અન્ય મોટા બાકીદારોમાં પણ ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની કોમર્શિયલ મિલકતો સામે વસૂલાત માટેની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now