Home Gujarat Major Cyber Fraud Under The Guise Of Packers And Movers In Surat

સુરતમાં ‘પેકર્સ એન્ડ મૂવર્સ’ની આડમાં મોટું સાયબર ફ્રોડ : 200 કરોડનો હવાલા કારોબારનો પર્દાફાશ, દુબઈ કનેક્શન!

સુરતમાં ‘પેકર્સ એન્ડ મૂવર્સ’ની આડમાં મોટું સાયબર ફ્રોડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 03:51 PM IST

Surat Crime News : સુરત શહેરમાં ‘પેકર્સ એન્ડ મૂવર્સ’ના ધંધાની આડમાં ચાલી રહેલા અંદાજે રૂ.200 કરોડના હવાલા અને સાયબર ફ્રોડ રેકેટનો ખુલાસો થયો છે. ડીંડોલી વિસ્તારમાંથી એસ.ઓ.જી. (SOG) પોલીસે ચાર સાયબર ઠગોની ધરપકડ કરી છે, જે છેલ્લા પાંચ વર્ષથી ડીંડોલીમાં બેઠા બેઠા દેશભરના લોકોને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઈન્ડ પ્રતીક દુબઈમાં બેઠેલા ‘બિગ બ્રો’ તરીકે ઓળખાતા વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં હતો. આરોપીઓ કરોડો રૂપિયાની રોકડ રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલતા હતા. દુબઈથી સંચાલિત ગેંગના હાથા બની આ આરોપીઓ દેશભરમાં સાયબર ફ્રોડની કેર વર્તાવી રહ્યા હતા.

‘ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ’ની ઓફિસમાંથી આખો રેકેટ ચાલતો

એસ.ઓ.જી.એ ડીંડોલીના મંગલપાર્ક વિસ્તારમાં આવેલા ગ્રીન વેલી શોપિંગ કોમ્પલેક્ષમાં છાપો મારી ‘ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ’ની ઓફિસમાંથી આ રેકેટ ઝડપી પાડ્યું હતું. ઓફિસની આડમાં સાયબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો. આરોપીઓ ઇન્ટરનેટ મારફતે લોકોનો સંપર્ક કરતા અને બાદમાં બેન્ક ખાતાઓમાંથી મોટી રકમ ઉપાડી લેતા હતા. પોલીસે પ્રતીક પ્રફુલ વસાવા, દીપક ઉમાદત પાંડે, રૂપેશ હાંડગે અને ભૂષણ પાટીલની અટકાયત કરી છે. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ જુદા જુદા વ્યક્તિઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ માટે ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો અને નકલી જામીન ઉભા કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

આરોપીઓ દુબઈ સાથે ઘરોબો ધરાવતા લોકો સાથે મળીને સમગ્ર દેશભરમાંથી લોકોને ઠગતા હતા. પોલીસને તપાસ દરમિયાન ગેંગ પાસેથી 7 મોબાઈલ ફોન, 2 કોમ્પ્યુટર, 9 ચેકબુક, 4 પાસબુક, 7 એટીએમ તથા ડેબિટ કાર્ડ, 5 સીમકાર્ડ, 8 વિવિધ બેંકોના સ્ટેમ્પ, ફર્મના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત કાગળો જપ્ત કર્યા છે. ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે. પોલીસનું કહેવું છે કે રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછમાં હવાલા કારોબાર, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર અંગે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now