Home Gujarat Mahisagar Nal Se Jal Scam 3 More Contractors Arrested Cid

મહીસાગરના ₹123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં વધુ 3 કોન્ટ્રાક્ટરો ઝડપાયા, : CID ક્રાઈમની કાર્યવાહીથી ધરપકડનો આંક 40 પર પહોંચ્યો

મુકેશભાઈ, હિતેન્દ્રસિંહ અને સુભાષચંદ્ર રેવાભાઈ પટેલની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 19, 2026, 07:07 AM IST

મહીસાગર: ગુજરાતના સૌથી મોટા જાહેર સુવિધા સંબંધિત કૌભાંડો પૈકીના એક ગણાતા ₹123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં CID ક્રાઈમે વધુ 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરીને તપાસને વધુ વેગ આપ્યો છે. તાજેતરની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે.

CID ક્રાઈમે કોન્ટ્રાક્ટર મુકેશ પુનાભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ અશ્વિનસિંહ સોલંકી અને સુભાષચંદ્ર રેવાભાઈ પટેલની ધરપકડ કરી છે. ત્રણેય પર ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓના કામોમાં ગેરરીતિ આચરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તપાસ એજન્સી દ્વારા તેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ આગળ વધારવામાં આવી રહી છે.

કરોડોની રિકવરી બાકી, ગેરરીતિના નવા ખુલાસા

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ કોન્ટ્રાક્ટર મુકેશ પુનાભાઈ પટેલ પાસેથી સરકારને હજુ ₹1.78 કરોડથી વધુની રકમ વસૂલ કરવાની બાકી છે. આરોપ છે કે તેણે મહીસાગર જિલ્લાના 14 ગામોમાં હાથ ધરાયેલી પાણી પુરવઠા યોજનાઓમાં ગેરરીતિ આચરી હતી.

મુકેશ પટેલનું નામ માત્ર કોન્ટ્રાક્ટર તરીકે જ નહીં પરંતુ સ્થાનિક રાજકીય અને સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તે લુણાવાડા APMCમાં ડિરેક્ટર તરીકે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અગાઉથી ફરિયાદો અને આક્ષેપો હોવા છતાં તેને સરકારી બાંધકામ સહિતના અન્ય કામો કેવી રીતે મળતા રહ્યા.

બીજી તરફ, કોન્ટ્રાક્ટર હિતેન્દ્રસિંહ અશ્વિનસિંહ સોલંકી સામે પણ ગંભીર આક્ષેપો છે. તપાસ મુજબ તેની પાસેથી સરકારને આશરે ₹60.53 લાખની વસૂલાત બાકી છે. તેણે જિલ્લાના 7 ગામોમાં યોજનાના કામોમાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે.

આ પણ વાંચો: ગાંધીનગર નજીક GSRTC બસ અને કારનો અકસ્માત : બંને વાહનો ડીવાઈડર સાથે અથડાતા સર્જાયો અફરાતફરીનો માહોલ

S.R. Constructionના સંચાલક પણ ઝડપાયા

CID ક્રાઇમે સુભાષચંદ્ર રેવાભાઈ પટેલની પણ ધરપકડ કરી છે, જે S.R. Construction નામની એજન્સી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ તેમની પાસેથી સરકારને ₹2.46 કરોડથી વધુની રિકવરી કરવાની બાકી છે. જોકે ગેરરીતિ એક ગામમાં થઈ હોવાનો પ્રાથમિક ઉલ્લેખ છે, પરંતુ તપાસ એજન્સી અન્ય કામોની પણ ચકાસણી કરી રહી છે. તપાસકર્તાઓ માને છે કે કૌભાંડની વ્યાપકતા હજુ વધુ બહાર આવી શકે છે. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ હવે CID ક્રાઇમ નાણાંકીય વ્યવહારો, કામોની મંજૂરી પ્રક્રિયા અને સરકારી નાણાંના ઉપયોગની વિગતવાર તપાસ કરી રહી છે.

40 ધરપકડો સાથે કૌભાંડની ગંભીરતા વધી

આ સમગ્ર મામલે 22 જૂને હાલના WASMO યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. CID ક્રાઇમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી મુજબ કુલ 40 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં WASMOના તત્કાલીન 12 કર્મચારીઓમાંથી 5 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત 111 કોન્ટ્રાક્ટ એજન્સીઓમાંથી અત્યાર સુધી 28 કોન્ટ્રાક્ટરો કાયદાના સકંજામાં આવી ચૂક્યા છે. ફરિયાદમાં સીધા નામ ન હોવા છતાં કેટલાક તત્કાલીન કર્મચારીઓના ખાતામાં શંકાસ્પદ રીતે રકમ જમા થઈ હોવાનું બહાર આવતાં આવા 4 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

પાણી સમિતિ સાથે સંકળાયેલા સરપંચોમાંથી અત્યાર સુધી 3 લોકો સામે પણ કાર્યવાહી થઈ છે. આ આંકડા દર્શાવે છે કે કૌભાંડ માત્ર કોન્ટ્રાક્ટરો પૂરતું મર્યાદિત ન રહી વિવિધ સ્તરો સુધી ફેલાયેલું હોવાની શંકા તપાસ એજન્સીઓ વ્યક્ત કરી રહી છે.

આ પણ વાંચો: AMC ની કામગીરી પર ફરી સવાલો : ખોખરામાં પાઈપલાઈન તૂટતા વેડફાયુ હજારો લિટર પાણી

620 ગામોમાં ગેરરીતિ, લોકોના મનમાં એક જ પ્રશ્ન

તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે જિલ્લાના કુલ 714 ગામોમાંથી 620 ગામોમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી રહી છે. જો આ આંકડો સંપૂર્ણપણે સાચો સાબિત થાય તો તે રાજ્યના પાણી પુરવઠા ક્ષેત્રના સૌથી મોટા કૌભાંડો પૈકીનો એક બની શકે છે.

આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન ગ્રામજનો માટે પાણીનો છે. કૌભાંડ કરનારાઓ સામે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ જે ગામોમાં પાણીની યોજના અધૂરી રહી ગઈ છે અથવા ગુણવત્તા વગરના કામ થયા છે ત્યાં લોકો હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક લોકોનો સવાલ છે કે કૌભાંડીઓની ધરપકડ બાદ સરકાર કરોડો રૂપિયાની વસૂલાત ક્યારે કરશે? અધૂરી અને ખામીયુક્ત યોજનાઓનું પુનઃનિર્માણ ક્યારે થશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, ગામડાંના લોકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે?

આ પણ વાંચો: લગ્નના 3 મહિના બાદ પતિએ કરી એવી માંગ કે પરિણીતાના પગ નીચેથી સરકી જમીન : સુરતની પરિણીતાએ કપલ સ્વેપિંગ રેકેટનો કર્યો પર્દાફાશ

તપાસ આગળ વધતા નવા ખુલાસાની શક્યતા

CID ક્રાઇમની તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ ધરપકડો અને નવા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણાંકીય વ્યવહારો, ટેન્ડર પ્રક્રિયા અને કામોની ગુણવત્તા સંબંધિત દસ્તાવેજોની તપાસ પણ તેજ કરવામાં આવી છે.

મહીસાગરના ₹123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં અત્યાર સુધીની કાર્યવાહી ભલે નોંધપાત્ર હોય, પરંતુ ગ્રામજનો માટે વાસ્તવિક ન્યાય ત્યારે જ ગણાશે જ્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે પાણીની સુવિધા પણ અસરકારક રીતે પુનઃસ્થાપિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now