Home Gujarat Mahesana Marriage Registration Scam Spg Group Exposes Victim Case

SPG ગ્રુપે કર્યો "લગ્ન નોંધણી કૌભાંડ" નો પર્દાફાશ : યુવતીને ટેબ્લેટ આપવાના બહાને સહી કરાવી લગ્ન રજીસ્ટર!

SPG ગ્રુપે કર્યો "લગ્ન નોંધણી કૌભાંડ" નો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 09:24 AM IST

મહેસાણા જિલ્લામાં એક ગંભીર અને ચોંકાવનારો ‘લગ્ન નોંધણી કૌભાંડ’ સામે આવ્યો છે, જેમાં SPG ગ્રુપ દ્વારા વધુ એક કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ખેડા જિલ્લાના એક યુવતીને ટેબ્લેટ આપવાના બહાને સહી કરાવી, તેની જાણ બહાર ઠાસરા તાલુકાના ધુણાધરા ગામે લગ્ન નોંધણી કરાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીડિત યુવતીએ જણાવ્યું કે, “હું ક્યારેય મંદિરે ગઈ નથી, ફેરા પણ ફરી નથી અને લગ્ન માટે કોઈ સંમતિ આપી નથી.” છતાં પણ કાયદાકીય રીતે તેનું લગ્ન નોંધાયેલું હોવાનું દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. યુવતીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખોટા સાક્ષીઓ, વકીલો અને કેટલાક અન્ય તત્વોની સંડોવણી હોવાની શંકા છે.

આ મામલે SPG ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પીડિત દીકરીને ન્યાય અપાવવાની સ્પષ્ટ માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, આ માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમાજ અને કાયદા બંનેનો ગંભીર મુદ્દો છે. આવા કૌભાંડોમાં સંડોવાયેલા તમામ ખોટા સાક્ષીઓ, વકીલો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

યુવતીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, લગ્ન નોંધણી બાદ તેને બ્લેકમેલ કરવામાં આવી રહી છે અને બળજબરીથી સાસરે જવા માટે દબાણ કરવામાં આવે છે. પીડિત પરિવાર છેલ્લા ઘણા દિવસોથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે, છતાં હજુ સુધી યોગ્ય રીતે ફરિયાદ નોંધવામાં ન આવતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે લગ્ન નોંધણી જેવી ગંભીર કાયદાકીય પ્રક્રિયામાં કેવી રીતે આવી ગેરરીતિઓ શક્ય બની રહી છે? SPG ગ્રુપે માંગ કરી છે કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર તાત્કાલિક તપાસ કરી પીડિત યુવતીને ન્યાય અપાવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક વ્યવસ્થા અમલમાં મૂકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now