Home National Maharashtra Heavy Rain Mumbai Lonavala Red Alert Trains Affected

મહારાષ્ટ્રમાં વરસાદનો મહાકહેર : મુંબઈમાં 10 ઈંચ વરસાદ, વર્ક ફ્રોમ હોમ, શાળા-કોલેજો બંધ, 13 લોકોનાં મોત

વરસાદી પાણી ભરાયા હોવાની છબી
Image Credit: x.com Abhijit Pathak
Published by: Niraj Chokshi
Last Updated: Jul 07, 2026, 04:03 AM IST

મહારાષ્ટ્રમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈ સહિત સમગ્ર કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન રેડ એલર્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. મુંબઈના અનેક વિસ્તારોમાં 24 કલાક દરમિયાન 8થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મુંબઈ-પુણે ઘાટ વિસ્તારમાં 20થી 25 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ લોનાવાલામાં 28 ઇંચ વરસાદ નોંધાતા અનેક વર્ષોના રેકોર્ડ તૂટ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અવિરત વરસાદ સાથે કલાકના 80 કિલોમીટર સુધીની ઝડપે ફૂંકાયેલા તોફાની પવને પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા, દિવાલો તૂટી પડવા અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસને લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત

ભારે વરસાદને કારણે મુંબઈ શહેરમાં રસ્તાઓ, રેલવે સ્ટેશન અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દક્ષિણ મુંબઈમાં 4થી 6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને બોરીવલી જેવા ઉત્તર ઉપનગરોમાં 8થી 10 ઇંચ વરસાદ પડ્યો હતો. વસઈ-વિરાર વિસ્તારમાં તો 12 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તમામ સરકારી કચેરીઓમાં બપોર બાદ રજા જાહેર કરી હતી. ખાનગી કંપનીઓને પણ કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવી હતી. મુંબઈ વિધાનસભાની કાર્યવાહી પણ સમય પહેલાં સમાપ્ત કરવામાં આવી હતી. રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈ, થાણે, રાયગઢ અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આજે 7 જુલાઈ : મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટના

લોનાવાલામાં 28 ઈંચ વરસાદ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને ઘાટ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે. લોનાવાલામાં 24 કલાકમાં 28 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ભારે વરસાદને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા મુંબઈ-પુણે મિસિંગ લિંક પ્રોજેક્ટના માર્ગ પર ભેખડ ધસી પડતાં તેને તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો. જૂનો મુંબઈ-પુણે હાઈવે પણ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. ઘાટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પથ્થરો અને માટી માર્ગ પર આવી જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. રેસ્ક્યૂ ટીમો દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સતત વરસાદને કારણે કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

રેલવે અને હવાઈ સેવા પર પણ ભારે અસર

ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રની પરિવહન વ્યવસ્થા પર વ્યાપક અસર જોવા મળી છે. કર્જત નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મુંબઈ-પુણે વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિરાર નજીક ટ્રેક પર પાણી ભરાઈ જતાં મુંબઈથી ગુજરાત તરફ જતી અનેક ટ્રેનોના સંચાલન પર પણ અસર થઈ હતી. રેલવે તંત્રને 20થી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી અથવા તો વલસાડ સહિતના સ્ટેશનો સુધી જ મર્યાદિત કરવી પડી હતી. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર પણ વરસાદની અસર જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે 17 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે પાંચ ફ્લાઇટને અન્ય શહેરોના એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

આ પણ વાંચો: રામ મંદિરમાં ₹500ની બે નોટોથી શરૂ થયો હતો આખો ખેલ! : કેવી રીતે કેસ પહોંચ્યો કરોડોમાં? ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે

વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં અનેકના મોત

અવિરત વરસાદ વચ્ચે અનેક દુર્ઘટનાઓ પણ બની છે. માનખુર્દ વિસ્તારમાં એક ચાલનું માળખું ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત વૃક્ષ પડવા, દિવાલ ધરાશાયી થવા અને અન્ય અકસ્માતોની જુદી જુદી ઘટનાઓમાં કુલ 13 લોકોના મોત થયાના અહેવાલ છે. રાજ્યભરમાં લગભગ 400 જેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા, મકાનોના ભાગ તૂટી પડવા અને વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ નોંધાઈ છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન દળો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.

રાયગઢ અને નાસિકમાં એલર્ટ

રાયગઢ, પુણે અને થાણે જિલ્લામાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાયગઢ જિલ્લામાં પૂરનાં પાણીમાં એસટી બસ સહિત અનેક વાહનો ફસાઈ જતાં એનડીઆરએફ અને અન્ય બચાવ દળોએ મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મુંબઈ-ગોવા હાઈવે પર પણ અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં લગભગ 12 કલાક સુધી વાહનવ્યવહાર બંધ રાખવો પડ્યો હતો. હવામાન વિભાગે નાસિક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને ક્લાઉડબર્સ્ટ જેવી પરિસ્થિતિની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર લોકોને નદી, ઝરણા અને પહાડી વિસ્તારોમાં ન જવાની સલાહ આપી રહ્યું છે.

આગામી દિવસોમાં પણ સંકટ યથાવત રહેવાની શક્યતા

મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે 8 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, રાયગઢ, પુણે અને નાસિક સહિતના વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

એક તરફ ચોમાસાનો વરસાદ રાજ્ય માટે જળસંચયની દૃષ્ટિએ લાભદાયક સાબિત થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ અતિભારે વરસાદે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now