Home Gujarat Magnificent District Level Celebration Of The 77th Republic Day In Waghodia

વાઘોડિયામાં 77 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી : મંત્રી કમલેશ પટેલે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી સલામી આપી

વાઘોડિયામાં 77 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 06:48 AM IST

વાઘોડિયા તાલુકાના ટીમ્બી તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ છે. આ જ દિવસે ઇ.સ.1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સ્વતંત્ર દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યું હતું. આજના દિવસે આપણા દેશને સંવિધાન દ્વારા લોકશાહી, ન્યાય, સમતા અને બંધુત્વની મજબૂત પાયાની રચના મળી હતી.

રાજ્ય મંત્રીએ દેશની એકતા, અખંડતા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે નાગરિકોની જવાબદારી અંગે સૌને જાગૃત થવા અનુરોધ કરી દેશને 'સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' મંત્રને આત્મસાત કરવા અને ગુજરાતને વિકસિત ભારત 2047માં દેશનુ ગ્રોથ એન્જીન તરીકે વિકાસની રહે આગળ વધારવા આહવાને કર્યું હતું. રાજ્ય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબારી હેઠળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની સહાય, વિધવા સહાય, કિશન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના થકી ઘરે ઘરે ગેસ કનેક્શન આપી મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત આપવાની સાથે સ્વચ્છ ભારત મિશન થકી મહિલાઓને સંમ્માન સમાન ઘરે ઘરે શૌચાલય થકી દેશને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની શીખ આપી છે.

એટલું જ નહીં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, સરદાર પટેલ, ભવન બિરસા મુંડા અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની 150મી જન્મજયંતિની ઉજવણીએ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે એમ જણાવી આ વારસો જાળવી રાખી આપણી ભાવી પેઢી તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરવા આહવા્ન કર્યું હતું. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતે કમોસમી વરસાદની કુદરતી આપદાનો સામનો કર્યો. જેમાં ખેડૂતોને આ આફતની પરિસ્થિતિમાંથી બહાર લાવવા 26 હજાર કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે. તેમણે અંતે પ્રાકૃતિક ખેતી અને પરંપરાગત ધાન્યોને જીવનશૈલીનો ભાગ બનાવી સ્થાનિક ઉત્પાદનોનની ખરીદીનો આગ્રહ રાખી દેશને આર્થિક રીતે પણ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કર્યા

આ પ્રસંગે રાજ્ય મંત્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા કુલ-25 જેટલા અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. જિલ્લાના 13 વિભાગો દ્વારા યોજનાકિય માહિતી દર્શાવતા ટેબ્લો પ્રદર્શન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હર્ષ ધ્વનીના નાદથી સમગ્ર પરિસર દેશભક્તિમય બન્યો હતો. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો-નૃત્યો, અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now