Home International Magh Mela Entry Of Saints In Shankaracharya Vs Up Tantra Controversy Avimukteshwaranand Aniruddhacharya And Baba Ramdev

શંકરાચાર્ય VS યુપી તંત્ર વિવાદમાં હવે સંતોની એન્ટ્રી : અનિરુદ્ધાચાર્ય અને બાબા રામદેવ પણ મેદાનમાં આવ્યા, જુઓ કોણે શું કહ્યું

શંકરાચાર્ય VS યુપી તંત્ર વિવાદમાં હવે સંતોની એન્ટ્રી
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 06:34 AM IST

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર માઘ મેળામાં મૌની અમાસના પાવન પર્વે ભક્તિના બદલે વિવાદનો માહોલ જોવા મળ્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે થયેલી જીભાજોડી અને ઘર્ષણ બાદ હવે આ મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શંકરાચાર્યને પાલખીમાં બેસી સંગમ કિનારે જતા અટકાવવા અને ત્યારબાદ ઉભી થયેલી અફરાતફરીમાં અનુયાયીઓ સાથે થયેલા વ્યવહારને લઈને સંત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાના પડઘા રાજકીય ગલિયારાઓમાં પણ પડ્યા છે, જ્યાં શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.

શું હતો સમગ્ર વિવાદ?

રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે જ્યારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈને સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે કિનારાથી માત્ર 50 મીટર દૂર પોલીસે તેમને અટકાવ્યા હતા. પ્રશાસને સુરક્ષા અને ભીડનું કારણ આપી તેમને પગપાળા જવા વિનંતી કરી હતી. જોકે, શંકરાચાર્યના અનુયાયીઓ અને પોલીસ વચ્ચે આ મુદ્દે ધક્કા-મુક્કી થઈ હતી. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પોલીસે કેટલાક અનુયાયીઓને બળપૂર્વક ખસેડ્યા. આના વિરોધમાં શંકરાચાર્યએ ધરણા કર્યા હતા, જેના વળતા જવાબમાં મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા

આ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મર્મભર્યું નિવેદન આપતા કહ્યું કે, "એક યોગી અને સંત માટે ધર્મ અને રાષ્ટ્રથી મોટું કંઈ હોતું નથી. તેમની કોઈ વ્યક્તિગત સંપત્તિ હોતી નથી, ધર્મ જ તેમની સંપત્તિ છે." તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે કેટલાક કપટી લોકો સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, જેની સામે લોકોએ સતર્ક રહેવું જોઈએ.

સંત સમાજમાં આક્રોશ: 'ચોટલી પકડીને અપમાન કર્યું'

દેશભરના જાણીતા સંતોએ આ ઘટનાની નિંદા કરી છે:

  • કથાવાચક અનિરુદ્ધાચાર્ય: કથાવાચક અનિરુદ્ધાચાર્યએ તંત્ર પર ગંભીર સવાલ ઉઠાવીને કહ્યું છે કે, તંત્રએ ભુલ કરી છે, ચોટલી પકડીને અપમાન કર્યું છે. બ્રાહ્મણો અને સાધુઓની માફી માંગી લેવાથી તંત્રને શું વાંધો છે. માફી માગવી કોઈ ખોટી બાબત નથી. શું બંધારણ એવો અધિકાર આપે છે કે, કોઈના વાળ પકડીને અપમાન કરવામાં આવે.

  • દેવકી નંદન ઠાકુર: કથાવાચક દેવકી નંદન ઠાકુરે બંને પક્ષોને સમાન ગણીને કહ્યું છે કે, ઘટના મામલે સંયમ રાખવાની જરૂર હતી. ભગવા ધારણ સંત સાથે મારપીટ કરવી યોગ્ય વાત નથી. વિવાદ વધારવાના બદલે પરસ્પર તાલમેલથી ઉકેલવો જોઈએ.

  • સંત ફલાહારી બાબા: વૃંદાવનના સંત ફલાહારી બાબાએ આક્ષેપ કર્યો છે કે, કેટલાક અધિકારીઓ યોગી સરકારને બદનામ કરવા માગે છે અને તેઓએ શંકરાચાર્યનું અપમાન કર્યું છે.

  • સ્વામી અતુલ કૃષ્ણ દાસ મહારાજ: સ્વામી અતુલ કૃષ્ણ દાસ મહારાજે અવિમુક્તેશ્વરાનંદના વિવાદ મામલે કહ્યું છે કે, દોષીત અધિકારીઓની તપાસ થવી જોઈએ અને તે અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

  • મહામંડલેશ્વર રામદાસ: મહામંડલેશ્વર રામદાસ મહારાજે કહ્યું કે, શંકરાચાર્યની પીઠ ભગવાન શિવની ગાદી માનવામાં આવે છે અને તેનું અપમાન કરવું પાપ સમાન છે. તેમણે મુખ્યમંત્રી યોગી સમક્ષ માંગ કરી છે કે, દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

  • બાબા રામદેવ: યોગગુરુ સ્વામી બાબા રામદેવે કહ્યું છે કે, ‘ધાર્મિક સ્થળો પર એજન્ડો અથવા અહંકાર લઈને ન જવું જોઈએ. કોઈપણ શંકરાચાર્ય કે સાધુઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અથવા ખરાબ વ્યવહાર અસ્વિકાર્ય છે. તેમણે એવું પણ કહ્યું કે, સાધુનો અર્થ જ અહંકાર ત્યાગ કરવાનો છે. પરસ્પર લડવાથી સનાતન નબળો પડે છે.

  • દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય: પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે નાગપુરમાં એક ધર્મસભામાં સંબોધન કરતી વખતે પ્રયાગરાજની ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી છે.

અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં સંત સમાજ

આ ઉપરાંત મથુરાના વૃંદાવનમાં વ્રજભૂમિના સંત સમાજે માંગ કરી છે કે, ‘શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું સન્માનપૂર્વક ફરી ગંગા સ્નાન કરાવવામાં આવે. સંતોનું કહેવું છે કે, જે ઘટના બની, તે માટે અધિકારી જવાબદાર છે. ભારત સાધુ સમાજ અને અખંડ પરશુરામ અખાડેએ હરિદ્વારની હર કી પૌડી પર એક કલાક સુધી ધરણા કર્યા છે. અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષે ચેતવણી આપી છે કે, તંત્ર માંફી નહીં માંગે તો તેઓ પોતાની ચોટલી કાપવા સુધીના પગલા ભરશે.

રાજકીય ગરમાવો: અખિલેશ યાદવના ભાજપ પર પ્રહાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટનાને સનાતનીઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ અને તેના સાથી પક્ષો સનાતન પરંપરાને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. બીજી તરફ, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ શંકરાચાર્યને સ્નાન કરીને વિવાદ શાંત કરવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now