Home Automobile Lucid Lunar Robotaxi Unveiled Autonomous Ev Future

ન સ્ટીયરિંગ, ન બ્રેક કે એક્સિલરેટર : આવી ગઈ 2 સીટર અનોખી રોબો કાર, ડ્રાઈવર વગર દોડશે જોરદાર

ન સ્ટીયરિંગ, ન બ્રેક કે એક્સિલરેટર
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 09:30 PM IST

ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીના કારણે દરરોજ નવા પરિવર્તનો આવી રહ્યા છે. હવે કાર કંપનીઓ ઓટોનોમસ વ્હીકલ એટલે કે પોતાની મેળે ચાલતી કારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે અમેરિકામાં ડ્રાઈવર વગરની 'વેયમો' (Waymo) ટેક્સી સેવાનો પ્રારંભ કરી દીધો છે, ત્યારે હવે ઇલેક્ટ્રિક કાર બનાવતી દિગ્ગજ કંપની લૂસિડ (Lucid) એ પોતાની અનોખી રોબો કાર રજૂ કરી છે. કંપનીએ આ કારને 'લૂનર' (Lunar) નામ આપ્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સ્ટીયરિંગ વ્હીલ, ક્લચ, બ્રેક કે એક્સિલરેટર જેવું કંઈ જ આપવામાં આવ્યું નથી.

લૂસિડ કંપનીએ અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત 'ઇન્વેસ્ટર ડે' (Investor Day) દરમિયાન ભવિષ્યની ટેક્સીનો આ અનોખો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. આ એક એવી રોબોટેક્સી (Robotaxi) છે જેને ચલાવવા માટે કોઈ ડ્રાઈવરની જરૂર પડશે નહીં.

ડ્રાઈવર વગરની લૂનર ટેક્સીની વિશેષતા

લૂનર એક ટુ-સીટર નાની ટેક્સી છે, જે સંપૂર્ણપણે સેલ્ફ-ડ્રાઈવિંગ મોડ પર ચાલે છે. આ કારમાં માત્ર બે મુસાફરોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં સ્ટીયરિંગ વ્હીલ કે પેડલની ગેરહાજરી હોવાથી આ કાર અત્યંત આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ અને સેન્સર્સની મદદથી રસ્તાઓ પર દોડશે. ખાસ કરીને શહેરોમાં રાઈડ-હેલિંગ સેવાઓ માટે આ કાર ડિઝાઈન કરવામાં આવી છે. ડ્રાઈવરની સીટ ન હોવાથી મુસાફરોને બેસવા માટે વધુ જગ્યા અને આરામદાયક અનુભવ પ્રાપ્ત થશે.

Uber સાથે મોટી ભાગીદારીની તૈયારી

લૂસિડ પોતાની આ ટુ-સીટર ઓટોનોમસ કારને વિશ્વના ખૂણેખૂણે પહોંચાડવા માંગે છે. આ માટે કંપનીએ દુનિયાની સૌથી મોટી ટેક્સી કંપની Uber સાથે હાથ મિલાવવાની યોજના બનાવી છે. બંને કંપનીઓ વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે જેથી લૂસિડની આ ગાડીઓને ઉબેરના નેટવર્ક પર વૈશ્વિક સ્તરે ચલાવી શકાય. Uberના CEO દારા ખોસરોશાહીના મતે, લૂસિડની ટેકનોલોજી અને ઉબેરનું વિશાળ નેટવર્ક મળીને પરિવહનની દુનિયા બદલી નાખશે.

નવું પ્લેટફોર્મ અને પોસાય તેવી કારો

આ લૂનર ટેક્સી લૂસિડના નવા 'મિડસાઈઝ EV પ્લેટફોર્મ' (Midsize EV Platform) પર તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યમાં આ જ પ્લેટફોર્મ પર કંપની નવી મિડ-સાઈઝ કારો પણ બનાવશે, જેની કિંમત $50,000 (અંદાજે ₹46 લાખ) થી ઓછી હશે. આ પ્લેટફોર્મ હેઠળ 'કોસ્મોસ' (Cosmos) અને 'અર્થ' (Earth) નામની બે નવી SUV પણ રજૂ કરવામાં આવશે. લૂસિડનું નવું એન્જિન (ડ્રાઈવ યુનિટ) પહેલા કરતા નાનું, હળવું અને સસ્તું છે, જે નાની બેટરી હોવા છતાં વધુ રેન્જ આપવાની ક્ષમતા ધરાવે છે.

સોફ્ટવેર દ્વારા કમાણીનો નવો સ્ત્રોત

લૂસિડ માત્ર કાર વેચીને જ નહીં, પરંતુ સોફ્ટવેર દ્વારા પણ આવક ઊભી કરશે. કારની અંદર એક નવું સ્માર્ટ AI આસિસ્ટન્ટ આપવામાં આવશે જે મુસાફરોને મદદરૂપ થશે. આ ઓટોમેટિક ડ્રાઈવિંગ ફીચર્સનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ દર મહિને અંદાજે $69 થી $199 (અંદાજે ₹6,000 થી ₹18,000) સુધીની ફી ચૂકવવી પડશે. લૂસિડ હવે માત્ર મોંઘી લક્ઝરી કારો સુધી સીમિત ન રહેતા, રોબોટેક્સી અને સસ્તી SUV દ્વારા વૈશ્વિક માર્કેટ પર કબજો કરવા માંગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now