Home Gujarat Locals Protest Against Transfer Of Railway Employees At Jetalsar Junction

જેતલસર જંકશન પર રેલવે કર્મીઓની બદલી થતાં સ્થાનિકોના ધરણા : 'લોકો લોબી પરત આપો' ના સુત્રોચાર, એક ઝાટકે 70 કર્મીઓની થઈ છે બદલી

જેતલસર જંકશન પર રેલવે કર્મીઓની બદલી થતાં સ્થાનિકોના ધરણા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 05:56 AM IST

ભાવનગર રેલ્વે ડિવિઝન હેઠળ આવતું અને ગુજરાતનું એકમાત્ર ફોરવે સુવિધા ધરાવતું જેતલસર જંકશન હાલ ભારે વિવાદમાં આવ્યું છે. લોકો પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે 70 જેટલા રેલ્વે કર્મચારીઓની રાતોરાત બદલી કરવામાં આવતા રેલ્વે પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ બદલીઓના વિરોધમાં આજે જેતલસર જંકશનના સરપંચ, વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ રેલ્વે સ્ટેશન બહાર ધરણા પર બેઠા હતા. ગ્રામજનોએ રેલ્વે પ્રશાસન પર જેતલસર જંકશનના વિકાસને બદલે તેને વિનાશ તરફ ધકેલવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને માંગો ન સ્વીકારાય તો રેલ રોકો આંદોલન અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

રેલ્વે કર્મચારીઓની રાતોરાત બદલી થતાં સ્થાનિકોનો વિરોધ

જેતપુર નજીક આવેલા જેતલસર ગામનું રેલ્વે સ્ટેશન વેસ્ટર્ન રેલ્વેનું એક મહત્વપૂર્ણ જંકશન ગણાય છે. સમગ્ર દેશમાં માત્ર આઠ ફોરવે જંકશન છે, જ્યાંથી ચારેય દિશામાં રેલ્વે લાઈનો જાય છે, જેમાંથી એક જેતલસર જંકશન છે અને તે ગુજરાતનું એકમાત્ર ફોરવે જંકશન છે. મીટર ગેજના સમયમાં જેતલસર જંકશનમાં 2 હજારથી વધુ સ્ટાફ, 18 રેલ્વે લાઈનો અને 970 જેટલા રેલ્વે ક્વાર્ટર ઉપલબ્ધ હતા. આજેય અહીં એટલી વિશાળ જગ્યા ઉપલબ્ધ છે કે ભાવનગર સ્થિત ડીઆરએમ કચેરી પણ જેતલસરમાં ખસેડી શકાય તેવી સ્થિતિ છે.

ગ્રામજનો પણ મૂંઝવણમાં મુકાયા!

હાલમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત લગભગ 70 કર્મચારીઓની રાજકોટ બદલી થતા કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ મૂંઝવણમાં મુકાયા છે. આ બદલીઓના કારણે આશરે 70 પરિવારોને ગામ છોડવું પડશે, જેના કારણે સ્થાનિક વેપાર-ધંધા અને રોજગારી પર ગંભીર અસર પડશે. હાલમાં 5000થી વધુ વસ્તી ધરાવતા જેતલસર જંકશનમાં જો 800થી 900 લોકો હિજરત કરશે, તો ગામ ઉજ્જડ બની જશે તેવી ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે જેતલસર ખાતે રેલ્વે કર્મચારીઓને માત્ર 9 ટકા ભાડું ચૂકવવું પડે છે, જ્યારે રાજકોટ બદલી બાદ 16 ટકા ભાડું ચૂકવવું પડે છે અને ત્યાં રેલ્વે ક્વાર્ટરની સુવિધા પણ ઉપલબ્ધ નથી. પરિણામે રેલ્વે વિભાગ પર દર મહિને અંદાજે રૂ. 7 લાખ 26 હજારનું વધારાનું ભારણ પડે છે. બીજી તરફ, જેતલસર જંકશનમાં રૂ. 7.26 કરોડના ખર્ચે રેલ્વે ક્વાર્ટરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જે કર્મચારીઓ ન રહે તો બેકાર સાબિત થશે. ગ્રામજનોએ આ સમગ્ર સ્થિતિને રેલ્વે પ્રશાસનની ખોટી અને વિકાસ વિરોધી નીતિ ગણાવી છે.

“હમારી માંગે પૂરી કરો”

આજના ધરણા દરમિયાન ગ્રામજનોએ “હમારી માંગે પૂરી કરો” અને “લોકો લોબી પરત આપો” જેવા સુત્રોચાર સાથે બેનરો લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલ્વે વિભાગ દ્વારા અન્ય સ્થળે ખસેડાયેલા લોબી અને વિભાગોને પરત લાવવાની જોરદાર માંગ કરવામાં આવી હતી. માંગો ન માનવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને રેલ રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ રેલ્વે વિભાગ અને મામલતદાર સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે “જેતલસર જંકશન બચાવો સમિતિ”ની રચના કરીને આ ધરણા યોજવામાં આવ્યાં છે. અગાઉ જેતલસર જંકશનમાં 20 જેટલા અલગ-અલગ રેલ્વે વિભાગો કાર્યરત હતા, જે ધીમે ધીમે બંધ કરી દેવાયા છે. આ તમામ વિભાગો ફરી શરૂ કરવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે. ગામ આખું રેલ્વે પર આધારિત હોવાથી જો જંકશનનું મહત્વ ઘટશે તો ગામમાંથી હિજરત કરવાની ફરજ પડશે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now