Home International Lashkar Commander Confession Operation Sindhur Pakistan 2026

લશ્કરના કમાન્ડર હાફિઝ રઉફની કબૂલાત : 'ભારતીય હુમલામાં તેમનું મુખ્યાલય તબાહ થયું'

લશ્કરના કમાન્ડર હાફિઝ રઉફની કબૂલાત
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2026, 05:06 PM IST

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'નો ફફડાટ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોમાં હજુ પણ વર્તાઈ રહ્યો છે. આતંકી સંગઠન Lashkar-e-Taiba (LeT) ના કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફે એક જાહેર સભામાં સ્વીકાર્યું છે કે ભારતની આ કાર્યવાહી અત્યંત વિનાશક હતી. તેણે કબૂલાત કરી છે કે ભારતીય સેનાના હુમલામાં તેમનું આખું કોમ્પ્લેક્સ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું અને તે સમયે માત્ર નસીબના જોરે જ તેઓ બચ્યા હતા.

મરકજ-એ-તૈયબામાં આતંકીઓની સભામાં ખુલાસો

ગુરુવારે 15 જાન્યુઆરીના રોજ મરકજ-એ-તૈયબા કોમ્પ્લેક્સમાં નવા આતંકવાદીઓની ટ્રેનિંગ પૂર્ણ થવા બદલ એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાફિઝ સઈદનો પુત્ર હાફિઝ તલહા સઈદ અને લશ્કરનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લા કસૂરી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રઉફે ભાષણ આપતા કહ્યું હતું કે ભારતીય હુમલાથી તેમને અલ્લાહે બચાવ્યા છે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે 6-7 મેના રોજ થયેલી કાર્યવાહીમાં લશ્કરનું મુખ્ય મથક ગણાતું મરકજ-એ-તૈયબા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે.

ભારતીય ઓપરેશનની ચોકસાઈ પર મહોર

પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પહેલગામ હુમલામાં The Resistance Front (TRF) ના નામે 26 નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ હુમલાખોરોએ ચીની શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. હવે લશ્કરના કમાન્ડરની આ કબૂલાત સાબિત કરે છે કે ભારતીય સેનાએ ચોક્કસ ટાર્ગેટ પર જ હુમલો કરીને આતંકીઓના નેટવર્કને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રઉફે સ્વીકાર્યું કે જે જગ્યાએ તેમનું મુખ્યાલય હતું તે હવે રહેવા લાયક પણ રહ્યું નથી.

ચીની શસ્ત્રો અને પાકિસ્તાની સરકારનો સાથ

પોતાના ભાષણ દરમિયાન રઉફે ગર્વ સાથે જણાવ્યું કે તેઓ ચીની હથિયારો અને ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેણે આઘાતજનક રીતે સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં જિહાદ માટે ખુલ્લી આઝાદી છે અને ત્યાં આતંકવાદીઓની ભરતી તેમજ તાલીમ દુનિયાના અન્ય દેશો કરતા ઘણી સરળ છે. તેણે દાવો કર્યો કે પાકિસ્તાની સરકાર દ્વારા આપવામાં આવેલા વિશેષાધિકારોને કારણે જ તેઓ આ સંસ્થા ચલાવી શકે છે.

ચીન સાથેની મિલીભગતનો પર્દાફાશ

રઉફે તેના નિવેદનમાં ચીનના પણ ભરપૂર વખાણ કર્યા છે. તેણે દાવો કર્યો કે પહેલગામ હુમલા બાદ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો, ત્યારે ચીને પાકિસ્તાનને Real-time intelligence એટલે કે ભારતની હિલચાલની જાસૂસી માહિતી પૂરી પાડી હતી. તેણે ચીની હથિયારોને વિશ્વસ્તરીય ગણાવ્યા હતા અને ભારત વિરોધી ઝેર ઓકતા ભારતીય વિમાનોની ટીકા કરી હતી. આ કબૂલાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર સાબિત થયું છે કે પાકિસ્તાન અને ચીન મળીને ભારત વિરોધી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now