Ladakh Single use Plastic Ban: હિમાલયની ગોદમાં વસેલું લદ્દાખ તેના અદ્ભુત કુદરતી સૌંદર્ય, બર્ફીલા પહાડો, સ્વચ્છ સરોવરો અને અનોખા પર્યાવરણ માટે વિશ્વભરમાં જાણીતું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે, પરંતુ વધતા પ્રવાસન સાથે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા પણ ગંભીર બની રહી છે. આ જ કારણસર લદ્દાખ પ્રશાસને હવે પર્યાવરણ સંરક્ષણ માટે એક ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે. લદ્દાખમાં હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને જાહેર સ્થળોએ કચરો ફેંકવા સામે કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ ઉલ્લંઘન કરનાર વ્યક્તિ, વેપારી, હોટલ અથવા સંસ્થા સામે ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. લદ્દાખ પ્રશાસનનું માનવું છે કે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો પ્રદેશનું નાજુક હિમાલયન પર્યાવરણ ગંભીર જોખમમાં મુકાઈ શકે છે.
પ્લાસ્ટિક વાપરશો તો ભરવો પડશે ભારે દંડ
લદ્દાખના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ જાહેર કરેલા નવા નિયમો મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ₹10,000 સુધીનો પર્યાવરણીય દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જાહેર સ્થળો પર ગંદકી ફેલાવનાર અથવા કચરો ફેંકનાર વ્યક્તિ સામે ₹5,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

એરપોર્ટ અને એન્ટ્રી પોઈન્ટ પર થશે કડક ચેકિંગ
લદ્દાખમાં પ્રવેશતા પ્રવાસીઓ માટે હવે એરપોર્ટ અને તમામ મુખ્ય પ્રવેશ માર્ગો પર વિશેષ ચેકિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લેહ એરપોર્ટ સહિતના તમામ એન્ટ્રી પોઈન્ટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવશે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિક કટલરી, સ્ટ્રો અથવા પ્રતિબંધિત સામગ્રી સાથે લદ્દાખમાં પ્રવેશ કરવાનો પ્રયાસ ન કરે.
આ પણ વાંચો: જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શોર્ટ ટ્રિપ પ્લાન કરી રહ્યા છો? : તો ભારતના આ અદ્ભુત સ્થળોએ મુલાકાત લો
આ પ્લાસ્ટિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ
નવી માર્ગદર્શિકા મુજબ અનેક પ્રકારની સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરાયો છે. તેમાં પ્લાસ્ટિકના કપ, પ્લેટ, ચમચી, કાંટા, સ્ટ્રો, પ્લાસ્ટિક ટ્રે, પ્લાસ્ટિક ફિલ્મ, પેકેજિંગ રેપર્સ, થર્મોકોલની સજાવટી સામગ્રી, પ્લાસ્ટિકના ઝંડા, પ્લાસ્ટિક સ્ટિરર અને નિર્ધારિત મર્યાદાથી પાતળા પ્લાસ્ટિક બેનરોનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ હવે ગેરકાયદેસર ગણાશે.
CCTV અને ઇલેક્ટ્રોનિક પુરાવાથી થશે કાર્યવાહી
પ્રથમ વખત લદ્દાખ પ્રશાસને જિલ્લા અને ફિલ્ડ લેવલના અધિકારીઓને સીધી કાર્યવાહી કરવાની સત્તા આપી છે. અધિકારીઓ હવે અચાનક ચેકિંગ, ફોટોગ્રાફી, વિડિયો રેકોર્ડિંગ, CCTV ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે નિયમ તોડનારને ઓળખી શકશે. જરૂરી પુરાવા મળતા જ સ્થળ પર દંડ પણ ફટકારવામાં આવશે.

અનેક વિભાગોના અધિકારીઓને અપાઈ સત્તા
નિયમોના અમલ માટે વિવિધ વિભાગોના અધિકારીઓને વિશેષ સત્તા આપવામાં આવી છે. SDM, તહસીલદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધિકારીઓ, પ્રવાસન વિભાગ, જિલ્લા પંચાયત, BDO, નગર સમિતિઓના અધિકારીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ હવે દંડ વસૂલવા અને કાર્યવાહી કરવા સક્ષમ રહેશે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ દળના સભ્યો પણ દેખરેખ અને અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
જવાબદાર પ્રવાસનને મળશે પ્રોત્સાહન
ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ જણાવ્યું કે આ નિર્ણયનો મુખ્ય હેતુ લદ્દાખમાં જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે કહ્યું કે, લદ્દાખની પ્રાકૃતિક સુંદરતા અને પર્યાવરણીય વારસો જાળવવો દરેક નાગરિક અને પ્રવાસીની સામૂહિક જવાબદારી છે. વિકાસ અને પ્રવાસન જરૂરી છે, પરંતુ તેની સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ એટલું જ મહત્વનું છે.

કેમ જરૂરી બન્યો આ નિર્ણય?
લદ્દાખના ગ્લેશિયર, વેટલેન્ડ્સ, પહાડી વિસ્તારો અને દુર્લભ જૈવવિવિધતા પ્લાસ્ટિક પ્રદૂષણથી ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા છે. પ્લાસ્ટિક કચરો જમીન અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. ઉપરાંત પ્લાસ્ટિક સળગાવવાથી નીકળતા ઝેરી વાયુઓ માનવ આરોગ્ય, પશુઓ અને વન્યજીવો માટે ગંભીર જોખમ ઉભું કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો હમણાંથી જ કડક નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આગામી વર્ષોમાં લદ્દાખના પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે.
પ્રવાસીઓ માટે ખાસ સલાહ
જો તમે આગામી દિવસોમાં લદ્દાખ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે લઈ જવાનું ટાળો. તેના બદલે સ્ટીલ અથવા રિયુઝેબલ બોટલ, કપ અને અન્ય પર્યાવરણમૈત્રી વિકલ્પોનો ઉપયોગ કરો. આ નિયમોનું પાલન કરવાથી માત્ર દંડથી બચી શકશો એટલું જ નહીં, પરંતુ લદ્દાખની કુદરતી સુંદરતા અને પર્યાવરણને જાળવવામાં પણ તમારું યોગદાન રહેશે.





