Home Health-lifestyle Know All About Historic Tree Doum Palm Also Called Hokka Tree Of Diu And Its Interesting Past And History

દીવનું કલ્પવૃક્ષ : દીવનું એ વૃક્ષ જેનો ઇજિપ્તની મમીથી લઇ ગીરના ડાલામથ્થા સાથે છે સંબંધ, કરોડોનો વર્ષોની ભૌગોલિક ઉથલપાંથલ, યુદ્ધો અને વેપારનું સાક્ષી છે આ વૃક્ષ

દીવનું કલ્પવૃક્ષ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2024, 12:35 PM IST

કોઇ પણ ગુજરાતીને પુછો દીવ-દમણ વિશે શું જાણો છો? તો ફટાકથી કહેશે કે દીવ તો દારૂ પીવાની, મોજમજા કરવાની જગ્યા છે. ગુજરાતનું સ્વર્ગ છે. ગુજરાતના નિર્માણથી અત્યાર સુધી ઠંડી બિયર પીવા માટે  ગુજરાતીઓ માટે સૌથી મનપસંદ સ્થળ એટલે દીવ. દીવનો કિલ્લો જોવા ગયેલા અનેક લોકોને દીવનો ઇતિહાસ યાદ હશે..પણ દીવના ઇતિહાસ સાથે તેનો ભૂગોળ અને ઇકોલોજી તેના કરતાં પણ વધારે આશ્ચર્ય પમાડે તેવાં છે.


ઉનાથી દીવ વચ્ચેના 13 કિલોમીટરના અંતરમાં અનેક ભૌગૌલિક પરિવર્તન આંખે વળગે તેવા છે.સૌરાષ્ટ્રની ધરતી સાથે દીવ છીછરા દરિયાઇ પાણીની જમીન સાથે જોડાયેલું છે.એટલે આમ તો દીવ પુર્ણત: ટાપૂ ન કહેવાય. દીવના રસ્તે જતાં જ સૌથી પહેલી નજર વિચિત્ર લાગતાં વૃક્ષો પર પડ્યા વિના રહે નહીં. દીવમાં ઠેરઠેર ઉંચા અંગ્રેજીના V આકારના તાડ જેવા વૃક્ષો નજરે ન ચડે તો જ નવાઇ. આ વૃક્ષો અને દીવનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. દીવમાં જોવા મળતાં આ અજીબોગરીબ પ્રકારના પામ ટ્રીની એક જાતને હોક્કા ટ્રી કહેવાય છે. આ વૃક્ષોનું વૈજ્ઞાનિક નામ ડોઉમ પામ (DOUM PALM) અથવા તો જીંજરબ્રેડ ટ્રી છે. તાડની જેમ જમીનથી તેનું થડ સીધું હોય છે. પણ ઉપરથી 3થી વધારે વિવિધ  ડાળીઓ કોઇ પક્ષીના માળાની જેમ ફેલાયેલી જોવા મળે છે.

હોક્કા ટ્રીના વિશ્વમાં માત્ર 3 સરનામા: 

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પ્રકારના હોક્કા ટ્રી ભારતમાં એકમાત્ર દીવમાં જોવા મળે છે.આ વિશિષ્ટ હોક્કા ટ્રી આખી દૂનિયામાં પણ જૂજ જગ્યાએ જોવા મળે છે...દૂનિયામાં આ વૃક્ષોના ફક્ત ત્રણ સરનામાં છે.  દક્ષિણ આફ્રિકા, સુદાન અને ઉત્તર પુર્વીય કેન્યા અને દીવ આમ 3 જગ્યાએ જ આ વૃક્ષ જોવા મળે છે.


હોક્કા ટ્રીની કરોડો વર્ષોની મુસાફરી: 

દીવમાં આ વિચિત્ર પામ ટ્રી કેવી રીતે આવ્યું તેને લઇને પણ અનેક માન્યતાઓ છે. કહેવાય છે કે દીવનો કિલ્લો ચણનારા પોર્ટુગીઝ લોકો આ હોક્કા ટ્રીને પોતાની સાથે લાવ્યા હતા. પોર્ટુગીઝ લોકો વહાણ થકી દીવ આવ્યા ત્યારે હોક્કા ટ્રીના બીજ પણ લાવ્યા. બીજી એક માન્યતા એવી પણ છે કે સૌરાષ્ટ્રનો આખેઆખો ગીર પ્રદેશ પૃથ્વીની ટેક્નોનિક પ્લેટ્સ ખસવાને કારણે આફ્રિકાથી છુટો પડ્યો અને ગુજરાતમાં આવી ગયો. આ દાવાને બળ આપવા પૂરાવા જૂનાગઢથી લઇને દીવ સુધી જોવા મળે છે. ગીરનું જંગલ, ગુજરાતની શાન સમા ડાલામથ્થા અને હોક્કા ટ્રી પણ આફ્રિકામાં જોવા મળે છે. જો આ દલીલમાં દમ હોય તો દીવના પેટાળમાં દૂનિયાની સૌથી જુની ઉથલપાંથલના ભૌગૌલિક પુરાવાઓ ધરબાયેલા છે તેમાં કોઇ બે મત નથી.

(કરોડો વર્ષો પહેલા ભારત આફ્રિકા ખંડ સાથે જોડાયેલું હતું)

ઇજિપ્તની મમી સાથે હોક્કા ટ્રીનું કનેક્શન: 
દીવના આ હોક્કા ટ્રીનો ઇતિહાસ ફક્ત આટલેથી અટકતો નથી. પિરામીડ, મમ્મી અને અનેક રહસ્યોથી આજે પણ દૂનિયાને આકર્ષતી બેબિલોન સંસ્કૃતિમાં આ વૃક્ષને કલ્પવૃક્ષનો દરજ્જો મળ્યો હતો. ભારતમાં જેમ નારિયેળને પવિત્ર માનવામાં આવે છે તેમ આ વૃક્ષનું ફળ ઇજિપ્તમાં પવિત્ર માનવામાં આવતું હતું. ઇજિપ્તમાં મળી આવેલી અનેક મમીઓને ખોલતાં આ હોક્કા ટ્રીના ફળ મળી આવ્યા છે. ઇજિપ્તની અનેક મમી કોફિનમાં મધના ઘડા સાથે હોક્કા ટ્રીનું ફળ મુકેલું મળી આવ્યું છે. ઇજિપ્તમાં આ ફળ અનેક રીતે ઉપયોગમાં લેવાતું હતું. ઇજિપ્તના બુદ્ધિશાળી લોકો 3 હજાર વર્ષ પહેલા હોક્કા ટ્રીના ફળની છાલથી મૉલાસીસ એટલે કે પ્રવાહી ખાંડ બનાવતાં. એટલું જ નહીં, આ ફળની છાલમાંથી મીઠાઇઓ બનતી. ઇજિપ્તમાં તે સમયે રસ્તાઓ પર ફેરિયાઓ આ ફળ વેચતા હતા. આ ફળને ફણગાવીને તેના મૂળિયા પણ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતા હતાં.


કેવું છે હોક્કા ટ્રીનું ફળ?

ઇતિહાસ અને ભૂગોળમાં પોતાનું અદ્વિતીય સ્થાન મેળવનાર હોક્કા ટ્રીનું ફળ દીવમાં ઠેર ઠેર જોવા મળે છે. દીવમાં તમામ બીચની આસપાસ હોક્કા ટ્રીનું લાલ રંગનું ફળ વેચતા ફેરિયાઓ જોવા મળી જાય છે. દીવના કિલ્લામાં પણ આ હોક્કા ટ્રીના વૃક્ષો રોપેલા છે. સ્થાનિક લોકો આ ફળને એકત્ર કરી પ્રવાસીઓને વેચે છે. દીવમાં જો આ ફળ ચાખવું હોય તો આરામથી 5 રૂપિયામાં મળી જાય છે. અને હા, આમ તો દીવના તમામ રસ્તાઓ પર આ વૃક્ષના ફળ વેરાયેલા જોવા મળી જાય. 15થી 20 મીટર ઉંચા હોક્કા ટ્રી પર થતું આ ફળ પાકતાં જ જમીન પર ખરી પડે છે. આ ફળની ઉપરની છાલ ઘેરા મરૂન રંગની અને થોડી કડક હોય છે પણ ખાવા લાયક હોય છે...જો ફળને સુંઘવામાં આવે તો મઘમઘતી સુગંધ આવે છે. હોક્કા ટ્રીના ફળનો ગર્ભ કડક, અર્ધસુકો અને રેસાદાર હોય છે...જો આ ફળની ચીરીઓ કાપીને મોઢામાં મુકવામાં આવે તો પહેલા મીઠો અને પછી તૂરો સ્વાદ આવે છે. આ ફળની ચીરીને સારી રીતે ચાવવામાં આવે તો દેશી બનાવટના ગોળ જેવો સ્વાદ અનુભવાય છે. આ ફળનો અંદરનો રેસાદાર પણ અર્ધસુકો ગર્ભ આ ફળના બીજની રક્ષા કરે છે. જો કે સુકાઇ ગયા બાદ ફળ એકદમ કઠોર બની જાય છે. નાળિયેરની જેમ આ ફળનું બીજ પણ એકદમ કડક આવરણથી સજ્જ હોય છે. જો કે હોક્કા ટ્રીને જો પથ્થર અને હથોડી વડે પણ તોડવામાં આવે તો તેનું બહારનું પળ તોડવું ખુબ જ મુશ્કેલ બને છે.


પોર્ટુગિઝ વેપારીઓ બનાવતા હતા દારૂ: 

હોક્કા ટ્રીના આ બીજથી સ્થાનિક લોકો દેશી દારૂ બનાવતાં હતાં તેવી માન્યતા છે. ગોવામાં જેમ કાજુના ફળમાંથી ફેની બનાવામાં આવે છે તેમ સદીઓ પહેલાથી હોક્કા ટ્રીના આ મઘમઘતા ફળમાંથી આલ્કોહોલીક પીણું બનાવવામાં આવતું. જો કે તમે દીવ જાઓ તો હોક્કા ટ્રીમાંથી બનેલું ઐતિહાસિત પીણું ભાગ્યે જ ચાખવા મળે. ઠંડી બિયર પીવા દીવ આવતાં પ્રવાસીઓ આ 500 વર્ષ જૂના પીણા વિશે માહિતગાર પણ નહીં હોય. દારૂ ગાળવાના કડક કાયદાઓએ પણ દીવની જમીનના આ ઉત્તમ વૃક્ષમાંથી બનતા પીણાને વિલુપ્ત બનાવી દીધો છે.


જાતે ઊગી નીકળે તો જ આપે છે ફળ!

હોક્કા ટ્રી વિશે સ્થાનિકોમાં એક માન્યતા પણ પ્રવર્તે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે જો તમે તમારી ઇચ્છાથી હોક્કા ટ્રીનું વૃક્ષ વાવો તો આ વૃક્ષ ક્યારેય ફળ આપતું નથી. જો આ વૃક્ષને ઉછેર માટે રોપવામાં આવે તો હંમેશા નર વૃક્ષ પેદા થાય છે. અને જો આ વૃક્ષ પોતાની જાતે ઉગી નીકળે તો આ વૃક્ષ ફળ આપે છે. બોલો છે ને નવાઇ! સ્થાનિકો એમ પણ કહે છે કે આ વૃક્ષને પોતાના ઘરની બદલે પાડોશીના ઘરે અથવા આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવે તો આ વૃક્ષ ફળ આપે છે. આ વૃક્ષ વિશે આવી રસપ્રદ વાયકાઓ સાંભળીને અનેક લોકોએ આ વૃક્ષને રોપવાની પણ કોશીશ કરી છે. જો કે આ વૃક્ષ પર ભારતમાં ખુબ જ ઓછી માત્રામાં સંશોધન થયું છે.


વિલુપ્તિના આરે હોક્કા ટ્રી: 

હોક્કા ટ્રી દીવનું નજરાણું છે. દીવના ટુરિઝમ લોગોમાં પણ હોક્કા ટ્રી શોભે છે. હવે તમે જ્યારે દીવ જાઓ ત્યારે મોજમજા કરવા સાથે આ વૃક્ષને પણ મળજો. તેને હાય કહેજો, એના સાથે વાતો કરજો, એના ઇતિહાસને યાદ કરજો, આફ્રિકાની અફાટ જમીનમાંથી આવેલું આ વૃક્ષ પોર્ટુગીઝ શાસનનું પ્રત્યક્ષદર્શી રહ્યું છે. દીવની ધરતીની સદીઓ સુધી રક્ષા કરનાર આ વૃક્ષ હવે બેફામ ટુરિઝમ અને ઉછેરના અભાવ સામે ઝઝૂમી રહ્યું છે. હોક્કા ટ્રીના સંવર્ધન માટે  કોઇ અભિયાન ચલાવવામાં આવ્યું નથી. આફ્રિકાથી લઇ વાયા ઇજિપ્ત થઇને આપણે ત્યાં વસી ગયેલા આ હોક્કા ટ્રીને હવે હુંફની જરૂર છે. એકલતાથી પીડાતા વૃદ્ધ સાથે બે ઘડી સુખ-દુ:ખની કોઇ વાત કરે અને તેમના મનમાં જે આનંદ મળે તેવો અનુભવ આ વૃક્ષને કરાવજો. હવે જ્યારે દીવ જાઓ, ત્યારે રસ્તામાં કાર ઉભી રાખી આ વૃક્ષને એક સ્મિત આપજો. તેણે આપેલા ફળને તમારી સાથે લઇ જજો. શું ખબર તમારા ઘરના પ્રાંગણમાં પણ એક ઘૂઘવતું દીવ ફુટી નીકળે!




Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now