Home Automobile Kia Seltos Gtx O X Line O Launched Price Features India

Kiaએ લોન્ચ કર્યા Seltos SUVના નવા ટોપ વેરિઅન્ટ : હવે ADAS સહિત મળશે 28 સ્માર્ટ ફીચર્સ; જાણો કિંમત અને ખાસિયત

Kia Seltos GTX O
Image Credit: kia.com
Published by: Nirali Gohil
Last Updated: Jul 01, 2026, 09:21 AM IST

Kia Seltos GTX O: ભારતીય બજારમાં મિડસાઇઝ SUV સેગમેન્ટમાં પોતાની મજબૂત હાજરી ધરાવતી કિયા સેલ્ટોસ (Kia Seltos) હવે વધુ પ્રીમિયમ બની ગઈ છે. કિયા ઇન્ડિયાએ તેની લોકપ્રિય SUVના લાઇનઅપમાં બે નવા ટોપ-સ્પેક વેરિઅન્ટ્સ GTX (O) અને X-Line (O) લોન્ચ કરીને ગ્રાહકોને વધુ આધુનિક ટેક્નોલોજી, અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને લક્ઝરી અનુભવ આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય ગ્રાહકોમાં સેલ્ટોસને શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તે હાલમાં દેશની સૌથી વધુ વેચાતી મિડસાઇઝ SUVમાં ત્રીજા ક્રમે સ્થાન ધરાવે છે. કંપનીને આશા છે કે નવા વેરિઅન્ટ્સના આગમનથી વેચાણમાં વધુ વધારો જોવા મળશે.

કેટલી છે કિંમત?

કિયા સેલ્ટોસના નવા GTX (O) અને X-Line (O) વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત રૂ. 21.57 લાખથી શરૂ થાય છે. બંને મોડલ્સ ટોપ-એન્ડ વેરિઅન્ટ્સ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં અગાઉની સરખામણીએ વધુ ફીચર્સ અને ટેક્નોલોજી આપવામાં આવી છે. આ વેરિઅન્ટ્સમાં ગ્રાહકોને ટર્બો પેટ્રોલ તેમજ ડીઝલ એન્જિનના વિકલ્પો મળશે. કંપનીએ આ મોડલ્સને ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કર્યા છે, જેઓ પ્રીમિયમ SUV સાથે આધુનિક સુવિધાઓની અપેક્ષા રાખે છે.

નવા વેરિઅન્ટ્સમાં શું છે ખાસ?

કિયા સેલ્ટોસના નવા મોડલ્સમાં અનેક અદ્યતન ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ હેડ્સ-અપ ડિસ્પ્લે (HUD) છે, જે ડ્રાઇવિંગ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી સીધી વિન્ડસ્ક્રીન પર દર્શાવે છે.

તે ઉપરાંત કારમાં સ્માર્ટ એર પ્યુરિફાયર આપવામાં આવ્યું છે, જે AQI ડિસ્પ્લે સાથે આવે છે અને કારની અંદર હવાની ગુણવત્તા અંગે માહિતી આપે છે. નવા વેરિઅન્ટ્સમાં ડ્યુઅલ ચેનલ સ્માર્ટ ડેશકેમ પણ આપવામાં આવ્યું છે, જે ફ્રન્ટ અને રિયર બંને દિશામાં વીડિયો રેકોર્ડિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફીચર સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

આ પણ વાંચો: નવી Toyota Hilux હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે ટૂંક સમયમાં થશે લોન્ચ : પ્રીમિયમ કેબિન અને નવા લુક સાથે મળશે અનેક મોટા અપડેટ્સ

મળશે 28 એડવાન્સ ડ્રાઇવિંગ ફીચર્સ

કિયા સેલ્ટોસ GTX (O) અને X-Line (O)માં કંપનીએ નવી પેઢીની ADAS (Advanced Driver Assistance System) F+ સુઇટનો સમાવેશ કર્યો છે. આ સિસ્ટમ હેઠળ કુલ 28 ઓટોનોમસ ડ્રાઇવિંગ ફીચર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાં કોલિઝન અવોઇડન્સ, લેન કીપિંગ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને અન્ય અનેક સુરક્ષા સુવિધાઓ સામેલ છે.

કારમાં રીજનલ લેંગ્વેજ સપોર્ટ સાથે વોઇસ કમાન્ડ સિસ્ટમ, બિલ્ટ-ઇન નેવિગેશન અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી પણ આપવામાં આવી છે.

એન્જિન અને પાવર

નવા GTX (O) અને X-Line (O) વેરિઅન્ટ્સ માત્ર ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ સાથે જ ઉપલબ્ધ છે. કારમાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 160 હોર્સપાવર જનરેટ કરે છે. તેની સાથે 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ (DCT) જોડાયેલો છે. બીજી તરફ 1.5 લિટર ડીઝલ એન્જિન 116 હોર્સપાવર પાવર આપે છે અને તેમાં 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ક્લાસિક લુક સાથે લાંબી રાઈડ માટે બેસ્ટ છે આ બાઇક્સ : પાવરફુલ એન્જિન અને પ્રીમિયમ રાઈડિંગનો મળશે અનુભવ

ડિઝાઇનમાં પણ મળશે પ્રીમિયમ ટચ

X-Line (O) વેરિઅન્ટમાં ગ્રાહકોને ખાસ મેટ ગ્રેફાઇટ એક્સટિરિયર ફિનિશ, બ્લેક અને ગ્રીન ઇન્ટિરિયર થીમ, બ્લેક-આઉટ એક્સટિરિયર ટ્રિમ અને 18 ઇંચના બ્લેક એલોય વ્હીલ્સ મળશે. આ ડિઝાઇન તત્વો કારને વધુ સ્પોર્ટી અને પ્રીમિયમ લુક આપે છે, જે યુવા ગ્રાહકોને ખાસ આકર્ષી શકે છે.

માઇલેજ કેટલું મળશે?

કંપનીના દાવા અનુસાર નવી Kia Seltosમાં એન્જિન વિકલ્પ અનુસાર 15.6 કિમી પ્રતિ લિટરથી લઈને 19.4 કિમી પ્રતિ લિટર સુધીનું માઇલેજ મળી શકે છે. આ કારણે કાર માત્ર પ્રીમિયમ ફીચર્સ માટે જ નહીં પરંતુ ઇંધણ કાર્યક્ષમતા માટે પણ ગ્રાહકો માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now