Home Automobile Kia Renault First Hybrid Suv Launch India 2026 Features

ભારતીય માર્કેટમાં હાઈબ્રિડ SUVનો વધશે ક્રેઝ : Kia અને Renault 2026માં લોન્ચ કરશે અદ્યતન મોડલ્સ

ભારતીય માર્કેટમાં હાઈબ્રિડ SUVનો વધશે ક્રેઝ
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 03:00 PM IST

ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં છેલ્લા કેટલાક સમયથી હાઈબ્રિડ વાહનોની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવ અને ઈલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમતો વચ્ચે ગ્રાહકો હવે હાઈબ્રિડ કાર તરફ વળી રહ્યા છે. આ ટ્રેન્ડને પારખીને જાણીતી કાર ઉત્પાદક કંપનીઓ Kia અને Renault વર્ષ 2026માં ભારતીય રસ્તાઓ પર પોતાની પ્રથમ હાઈબ્રિડ એસયુવી ઉતારવા માટે સજ્જ થઈ છે. અત્યાર સુધી આ બંને કંપનીઓ ભારતમાં પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં મજબૂત પકડ ધરાવતી હતી, પરંતુ હવે તેઓ હાઈબ્રિડ ટેકનોલોજીના માધ્યમથી નવી શરૂઆત કરવા જઈ રહી છે.

Kia Sorento Hybrid: પ્રીમિયમ અનુભવ અને શાનદાર માઈલેજ

દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની Kia વર્ષ 2026ના ઉત્તરાર્ધમાં પોતાની નવી 7-સીટર એસયુવી Kia Sorento Hybrid લોન્ચ કરી શકે છે. આ એક લક્ઝરી એસયુવી હશે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલેથી જ સફળ રહી છે. ભારતીય રસ્તાઓ અને જરૂરિયાતો મુજબ કંપની તેમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિનની સાથે હાઈબ્રિડ સિસ્ટમ આપી શકે છે. આ ટેકનોલોજીના કારણે ગ્રાહકોને વધુ સારી ફ્યુઅલ એફિશિયન્સી અને સ્મૂધ ડ્રાઈવિંગ મળશે.

ફિચર્સની વાત કરીએ તો આ કારમાં ડ્યુઅલ ડિજિટલ સ્ક્રીન, વેટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને Bose સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ જોવા મળશે. આ ઉપરાંત 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ Apple CarPlay અને Android Auto સાથે સુરક્ષા માટે લેવલ-2 ADAS જેવા આધુનિક ફિચર્સ પણ તેમાં સામેલ કરવામાં આવશે.

Renault Duster Hybrid: નવા અવતારમાં વાપસી

ભારતીય ગ્રાહકોની મનપસંદ એસયુવી Renault Duster વર્ષ 2026માં સંપૂર્ણપણે નવા લુકમાં પરત ફરી રહી છે. કંપનીની યોજના મુજબ 26 જાન્યુઆરી 2026ના રોજ સૌ પ્રથમ તેનું પેટ્રોલ વેરિઅન્ટ રજૂ કરવામાં આવશે અને તેના આશરે 6 મહિના બાદ હાઈબ્રિડ વર્ઝન માર્કેટમાં લોન્ચ થશે. વૈશ્વિક સ્તરે આ કાર Dacia Duster Hybrid તરીકે ઓળખાય છે.

આ એસયુવીમાં 1.6 લિટર પેટ્રોલ એન્જિન સાથે નાની બેટરી અને ડ્યુઅલ મોટર સેટઅપ મળી શકે છે, જે ઉત્તમ પાવર અને માઈલેજ આપવા માટે સક્ષમ છે. તેની ડિઝાઈન પેટ્રોલ મોડલ જેવી જ આકર્ષક હશે, પરંતુ ઈન્ટિરિયરમાં મોટી ટચસ્ક્રીન, પેનોરેમિક સનરૂફ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે અને લેવલ-2 ADAS જેવી પ્રીમિયમ સુવિધાઓ ઉમેરવામાં આવશે.

હાઈબ્રિડ સેગમેન્ટમાં આ બંને કારોની એન્ટ્રીથી ભારતમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને ઈંધણ બચાવવા માટે વધુ સારા વિકલ્પો મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now