Ketan Agarwal and Siya Goyal : પુણેના પ્રખ્યાત રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલની સનસનાટીભરી હત્યાના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લોહાગઢ કિલ્લા પરથી 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારીને કરવામાં આવેલી આ ક્રૂર હત્યાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ કેસમાં મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા ,કે કેતનના માથા પર ટાલ હતી અને તે વિગ પહેરતો હતો, જે તેની થનારી પત્ની સિયા ગોયલને પસંદ નહોતું અને તેથી જ તેણે હત્યા કરી. જોકે, હવે આ મામલે કેતનના પિતા અને જાણીતા ઉદ્યોગપતિ વિશાલ અગ્રવાલે મૌન તોડ્યું છે અને મીડિયામાં ચાલી રહેલી અટકળો પર પોતાનું મોટું નિવેદન આપ્યું છે.
કેતનના પિતાનો મોટો ખુલાસો
કેતન અગ્રવાલના પિતાએ મીડિયા સમક્ષ આવીને ટાલ અને વિગના વિવાદ અંગે ચાલી રહેલા સમાચારોને સદંતર ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, લગ્ન નક્કી થયા તે પહેલા જ અમે સિયા ગોયલના પરિવારને ખૂબ જ ઈમાનદારીથી બતાવી દીધું હતું કે કેતનના માથામાં વાળ નથી અને તે વિગ પહેરે છે. અમે સિયાના પરિવારથી કોઈ પણ સત્ય છુપાવ્યું નહોતું અને બંને પરિવારો વચ્ચે આ બાબતની સહમતી પહેલાથી જ થઈ ચૂકી હતી. પિતાના મતે, મીડિયામાં જે વાતો ચાલી રહી છે તે માત્ર અફવાઓ છે, કારણ કે ટ્રેકિંગ પર જવાની મુખ્ય ઈચ્છા પણ સિયા ગોયલની જ હતી, કેતનની નહીં.
હત્યાનું ભયાનક કાવતરૂં
પુણે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રખ્યાત બિલ્ડર વિશાલ અગ્રવાલના દીકરા કેતન અગ્રવાલની સગાઈ સિયા ગોયલ સાથે થઈ હતી. પરંતુ સિયા આ લગ્નથી બિલકુલ ખુશ નહોતી કારણ કે તે તેના પ્રેમી ચેતન ચૌધરીને પ્રેમ કરતી હતી. સગાઈ થઈ ગઈ હોવા છતાં સિયા કેતન સાથે લગ્ન કરવા માગતી નહોતી અને તેને પોતાના રસ્તામાંથી કાયમ માટે હટાવવા માગતી હતી. આ જ કારણસર સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કેતનની હત્યાનું એક ભયાનક કાવતરું રચ્યું હતું. તેઓ કેતનને ફરવાના બહાને 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લા પર લઈ ગયા અને ત્યાં તક જોઈને તેને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો, જેના કારણે કેતનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ પણ ખાસ વાંચો : કેતન-સિયા, રાજા-સોનમ બાદ હવે ગીતા-શક્તિ કેસ! : મધરાતે પત્ની અને પતિ વચ્ચે થયો ઝઘડો, સવારે ખેતરમાં મળી લાશ
અગાઉ પણ થયો હતો જીવલેણ હુમલો
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 18 જૂનની આ ઘટના કેતનને મારવાનો પહેલો પ્રયાસ નહોતો. આ પહેલા પણ સિયાએ લોહાગઢ કિલ્લાની મુલાકાત દરમિયાન કેતનને ખીણમાં ધક્કો મારીને મારી નાખવાની કોશિશ કરી હતી. પરંતુ તે સમયે કેતનનો નસીબજોગે બચાવ થયો હતો, કારણ કે ધક્કો માર્યા બાદ કેતને સમયસૂચકતા વાપરીને નજીકમાં રહેલું એક ઝાડ મજબૂતીથી પકડી લીધું હતું. પહેલી કોશિશ નિષ્ફળ ગયા પછી પણ આરોપીઓના મનમાં કોઈ પસ્તાવો નહોતો. તેઓએ ફરીથી આ જ જગ્યાએ કેતનને લાવવાનું આયોજન કર્યું અને બીજી વાર પૂરી તૈયારી સાથે કાવતરું રચીને આખરે કેતનની હત્યા કરી નાખી.
વિગ વિવાદ અને પોલીસ તપાસ
બીજી તરફ, સોશિયલ મીડિયા અને સૂત્રોના હવાલાથી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સિયા ગોયલને કેતનની ટાલ અને તેની વિગ પહેરવાની આદત બિલકુલ ગમતી નહોતી. તે કોઈ ટકલા છોકરા સાથે પોતાની જિંદગી વિતાવવા નહોતી માગતી. આ જ વાતને લઈને બંને વચ્ચે અવારનવાર વિવાદ અને ઝઘડા થતા હોવાની ચર્ચા છે. જો કે, પોલીસ આ એંગલને પણ ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને તેની સત્તાવાર તપાસ કરી રહી છે કે શું ખરેખર ટાલનો વિવાદ જ હત્યાનું મુખ્ય કારણ હતો કે પછી સિયાનું પ્રેમ પ્રકરણ આ ગુના પાછળ જવાબદાર છે.
સીસીટીવી ફૂટેજ અને પુરાવા
પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ટેકનિકલ પુરાવા પણ સામે આવી રહ્યા છે. પોલીસને જાણવા મળ્યું છે કે સિયા ગોયલ અને ચેતન ચૌધરી વચ્ચે જૂનો પ્રેમ સંબંધ હતો. હત્યાની આ ઘટનાને અંજામ આપતા પહેલા, બંને આરોપીઓ એક સ્થાનિક કેફેમાં મળ્યા હતા અને ત્યાં બેસીને જ તેઓએ હત્યાની આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. આ કેફેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સિયા અને ચેતનને સાથે બેઠેલા જોઈ શકાય છે. તપાસ એજન્સીઓ આ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને અન્ય ઈલેક્ટ્રોનિક પૂરાવાઓના આધારે કેસની મજબૂત કડીઓ જોડી રહી છે જેથી કોર્ટમાં કડક સજા અપાવી શકાય.
આ પણ ખાસ વાંચો : અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં મળેલી ચાંદીની ઈંટો ક્યાં ગઈ? : SIT તપાસમાં થયો મોટો ખુલાસો





