Home Gujarat Kankaria Carnival Inaugurated 2025 By Chief Minister Drone Show Lighting And Kirtidan Gadhvi Create Excitement

કાંકરિયા કાર્નિવાલનો ભવ્ય પ્રારંભ : ડ્રોન શો-લાઈટિંગ અને કીર્તિદાન ગઢવીએ બોલાવી રમઝટ, લાલો અને ડાકોરના ઠાકોર પર મન મૂકીને ઝૂમ્યા લોકો

કાંકરિયા કાર્નિવાલનો ભવ્ય પ્રારંભ
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 04:11 AM IST

Kankaria Carnival 2025: અમદાવાદીઓના પ્રિય તહેવાર કાંકરિયા કાર્નિવલ-2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદીઓ જેની આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે તેવો લોકપ્રિય 'કાંકરિયા કાર્નિવલ-2025' રંગારંગ આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શરૂ થયો છે. આ માત્ર મનોરંજનનો મહોત્સવ જ નહીં, પરંતુ વિકાસનો ઉત્સવ પણ બની રહ્યો, કારણ કે મુખ્યમંત્રીએ આ પ્રસંગે રૂ. 526 કરોડથી વધુના 109 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

કાર્નિવલના પ્રથમ દિવસે જ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જનમેદની ઉમટી પડી હતી. કાર્યક્રમના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 'લોકલ ટુ ગ્લોબલ' થીમ પર આધારિત કાર્નિવલ પરેડ રહી હતી. આધુનિક ટેકનોલોજીના પ્રદર્શન સમાન ડ્રોન શોમાં 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વદેશી અભિયાન' જેવી આકૃતિઓ હવામાં કંડારાઈ ત્યારે નગરજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

પ્રથમ દિવસે ડ્રોન શો, લાઇટિંગ અને કીર્તિદાન ગઢવીનો જાદુ

કાર્નિવલના પ્રથમ દિવસે જ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જનમેદની ઉમટી પડી હતી. આધુનિક ટેકનોલોજીના પ્રદર્શન સમાન ડ્રોન શોમાં 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વદેશી અભિયાન' જેવી આકૃતિઓ હવામાં કંડારાઈ ત્યારે નગરજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કાર્નિવલના પહેલા દિવસે અદ્ભુત ડ્રોન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીના સાંસ્કૃતિક કાર્યક્રમથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઊઠ્યું. ડ્રોન શોમાં આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાન, ઓલિમ્પિકની પ્રતિકૃતિ તથા મિશન ફોર મિલિયન ટ્રી જેવી રચનાઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

'લોકલ ટુ ગ્લોબલ' થીમ સાથે ભવ્ય કાર્નિવલ પરેડ

કાર્નિવલની શરૂઆતમાં યોજાયેલી પરેડ 'લોકલ ટુ ગ્લોબલ' થીમ પર આધારિત હતી, જેણે નગરજનોને આકર્ષિત કર્યા. દેશભક્તિના ગીતો સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ખૂબ પ્રશંસનીય રહ્યો હતો.

કીર્તિદાન ગઢવીના સૂરોથી લોકો મન મૂકીને ઝૂમ્યા

સાંસ્કૃતિક સંધ્યામાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી, જેણે શ્રોતાઓને ડોલાવી દીધા હતા. 'લાલો' ફિલ્મના ગીત, ડાકોરના ઠાકોરના ભજનો, 'જય રણછોડ માખણચોર', 'રસિયો રૂપાળો' અને 'જય જય શ્રી રામ' જેવા ગીતો પર લોકો ઝૂમી ઊઠ્યા. દર્શકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને સાથ આપ્યો. મેયર પ્રતિભા જૈન સહિત મહિલાઓએ ગરબે ઘૂમીને વાતાવરણને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું. આ સાથે દેશભક્તિના ગીતો પર આધારિત લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શોએ કાંકરિયાના આકાશને રોશનીથી ભરી દીધું હતું.

વડાપ્રધાન મોદીના વિઝનથી કાંકરિયાની કાયાપલટ

મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી, જે આજે 16મા વર્ષમાં પ્રવેશ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "અગાઉ કાંકરિયાની ઓળખ માત્ર એક સામાન્ય તળાવ પૂરતી મર્યાદિત હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિસરની કાયાપલટ કરી અને કાર્નિવલની પરંપરા શરૂ કરાવી. આજે કાંકરિયા 'વિરાસત ભી, વિકાસ ભી' ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના વિઝનને કારણે જ અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ફ્લાવર શો અને શોપિંગ ફેસ્ટિવલ જેવી ભેટ મળી છે, જેનાથી શહેરનો 'હેપ્પીનેસ ઇન્ડેક્સ' ઊંચો આવ્યો છે. મુખ્યમંત્રીએ વર્ષ 2024માં 42 લાખથી વધુ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હોવાનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરી નાગરિકોને શહેરને સ્વચ્છ અને સસ્ટેનેબલ રાખવા સહયોગની અપીલ કરી હતી.

સામાજિક જવાબદારીનું વહન

ઉત્સવની ઉજવણીની સાથે સામાજિક સેવાનો સંગમ પણ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે 'ટીબીમુક્ત ભારત અભિયાન' અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયરે સૌ નગરજનોને નાતાલના પર્વની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉપસ્થિત મહાનુભાવો

આ ભવ્ય સમારોહમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદો હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા ઔડા સીઈઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને લાખોની સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. ત્યારે મહત્વનું છે કે,આગામી એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્નિવલમાં વિવિધ કલાકારો, યોગાભ્યાસ, બાળકો માટેના કાર્યક્રમો અને ખાણીપીણીની લિજ્જત અમદાવાદીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now