28 જાન્યુઆરીની સવાર મહારાષ્ટ્ર અને સમગ્ર દેશ માટે અત્યંત આઘાતજનક સમાચાર લઈને આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ જનતા અને રાજકીય ગલિયારાઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ બોલિવૂડમાં પણ આ સમાચારથી ભારે આઘાત જોવા મળી રહ્યો છે. અજિત પવાર એક એવા કદાવર નેતા હતા જેમનો પ્રભાવ મહારાષ્ટ્રના ખૂણેખૂણે હતો. પ્લેન ક્રેશમાં તેમના અકાળે અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક દિગ્ગજ હસ્તીઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
કેવી રીતે સર્જાયો આ કરુણ વિમાન અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બારામતીમાં થયો હતો. અજિત પવાર જે ચાર્ટર્ડ પ્લેનમાં સવાર હતા તે બારામતીમાં લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું હતું. DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા, જેમાં 3 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના એક PSO અને એક એટેન્ડન્ટ પણ હતા. દુર્ભાગ્યવશ, પ્લેનમાં સવાર તમામ 5 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.
કંગના રનૌત થઈ ભાવુક: ‘મારી પાસે શબ્દો નથી’
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત આ સમાચાર સાંભળીને હચમચી ગઈ હતી. સંસદમાં જ્યારે પ્રેસ દ્વારા તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે આઘાતમાં જોવા મળી હતી. કંગનાએ કહ્યું, "હે ભગવાન, આ અત્યંત ભયાનક છે. આ ખરેખર હૃદયદ્રાવક સમાચાર છે. મારી પાસે અત્યારે કંઈ બોલવા માટે શબ્દો નથી."

રિતેશ દેશમુખે વ્યક્ત કરી સંવેદના: ‘અજિત દાદાની ખોટ ક્યારેય નહીં પુરાય’
અભિનેતા રિતેશ દેશમુખે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખીને અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, "અજિત દાદાના પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને હું ભાંગી પડ્યો છું. તેઓ મહારાષ્ટ્રના રાજકારણના એક અદભૂત નેતા હતા. કામ પ્રત્યેનો તેમનો અભિગમ અને એક્સીલન્સ તરફ ઝુકાવ હંમેશા પ્રેરણાદાયી રહ્યો છે. તેમની બુદ્ધિ અને કાર્યશૈલીનો કોઈ જોટો નહોતો. પવાર પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ."

બોલિવૂડ હસ્તીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો દોર
માત્ર રિતેશ જ નહીં, પરંતુ અનુપમ ખેર અને સિંગર રાહુલ વૈદ્યએ પણ આ દુઃખદ સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. અનુપમ ખેરે ટ્વીટ કર્યું કે, "અજિત દાદાના નિધનથી હું સ્તબ્ધ છું. જ્યારે પણ તેમને મળતો ત્યારે તેમની સરળતા અને વિનમ્રતા મન મોહી લેતી હતી. ઓમ શાંતિ." ગાયક રાહુલ વૈદ્યએ પણ અજિત પવાર સાથેની તસવીર શેર કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.




















