Home International Jodhpur Accident Bharatmala Expressway Falodi Death 15

એક સાથે 15 ચિતાઓ પર આકાશમાંથી વરસ્યા આંસુ : 17માંથી માત્ર 2 લોકો બચ્યા, જાણો જોધપુર દુર્ઘટનાની દર્દનાક દાસ્તાન

એક સાથે 15 ચિતાઓ પર આકાશમાંથી વરસ્યા આંસુ
Published by: OBS Bureau
Last Updated: Nov 03, 2025, 06:31 PM IST

રાજસ્થાનના જોધપુર જિલ્લાના ફલોદી ઉપવિભાગમાં રવિવારે સાંજે થયેલા ભયાનક માર્ગ અકસ્માતે 15 જીવ લઈ લીધા હતા. ભારતમાલા એક્સપ્રેસ વે પર માટોડા રોડ પાસે એક ટેમ્પો ટ્રાવેલર અને ટ્રેલર ટ્રક વચ્ચે અથડામણ થતાં આ દુર્ઘટના બની હતી. સૂરસાગર વિસ્તારના માલી સમુદાયના 17 શ્રદ્ધાળુઓ બિકાનેર જિલ્લાના કોલાયત મંદિરમાં કાર્તિક સ્નાન મેળામાં ભાગ લેવા માટે નીકળ્યા હતા.

જોધપુર પરત ફરતી વખતે સાંજે લગભગ 7થી 8 વાગ્યાની વચ્ચે ટેમ્પો અંધારા દરમિયાન રસ્તાની બાજુએ ગેરકાયદેસર ઉભેલા ટ્રેલર સાથે અથડાઈ ગયો. અથડામણ એટલી જોરદાર હતી કે વાહનના ટુકડા થઈ ગયા અને મોટાભાગના મુસાફરો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા. 14 લોકોનો ઘટનાસ્થળે જ મૃત્યુ થયો, જ્યારે ડ્રાઈવર સહિત વધુ બે લોકો બાદમાં મૃત્યુ પામ્યા.

અકસ્માતમાં કુલ 17 લોકોમાં 10 મહિલાઓ, 4 બાળકો (3 છોકરાઓ અને 1 છોકરી) અને 3 પુરુષો હતા. એક જ પરિવારના 8 સભ્યોનાં મોત થતા આખો વિસ્તાર શોકમગ્ન બની ગયો. બચાવ કાર્ય દરમિયાન SDRF અને સ્થાનિક પોલીસને ટેમ્પોમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

જિલ્લા વહીવટીતંત્રે તરત જ ગ્રીન કોરિડોર બનાવીને ઘાયલોને પ્રથમ ઓસિયાન સરકારી હોસ્પિટલમાં અને બાદમાં મથુરાદાસ માથુર હોસ્પિટલ, જોધપુર ખાતે ખસેડ્યા. હાલ બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલુ છે. ફલોદીના એસપી કુંદન કંવરિયાએ જણાવ્યું કે ટેમ્પો 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી રહ્યો હતો, જ્યારે રસ્તાની બાજુના અનધિકૃત ઢાબા પાસે ઉભેલા ટ્રેલરને કારણે આ દુર્ઘટના બની હતી. વહીવટીતંત્રે આવા ગેરકાયદેસર ઢાબાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

સોમવારે સાંજે મૃતદેહોને જોધપુરના નૈંચી બાગ સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હજારો લોકો અને 36 સમુદાયોના પ્રતિનિધિઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. આખો વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, અને લોકોના આંસુઓ વચ્ચે આકાશ પણ જાણે આ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માત બાદ માલી સમુદાયના નેતાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરીને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર અને નોકરીની માંગણી કરી. તેમણે દરેક મૃતકના પરિવારને ₹25 લાખ વળતર અને એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગણી કરી.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને દરેક મૃતક માટે ₹10 લાખ, જ્યારે ઘાયલો માટે ₹2 લાખની સહાયની જાહેરાત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરીને, મૃતકોના પરિવાર માટે ₹2 લાખ અને ઘાયલો માટે ₹50,000ની સહાયની જાહેરાત કરી.

સરકારે માંગણીઓ સ્વીકાર્યા બાદ વિરોધ સમાપ્ત થયો અને મૃતદેહોના અંતિમ સંસ્કાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા. આ દુર્ઘટનાએ એકવાર ફરી માર્ગ સલામતી અને અનધિકૃત ઢાબાઓની સમસ્યાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર