અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે (J.D. Vance) તાજેતરમાં પોતાની પત્ની ઉષા વાન્સ (Usha Vance) ના ધર્મ અંગે આપેલા નિવેદન પછી સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે હવે સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું છે કે તેમની પત્ની ઉષાનો ઈસાઈ ધર્મ અપનાવવાનો કોઈ વિચાર નથી અને તેમના ધર્મ પરિવર્તન કરાવવાનો પોતાનો પણ કોઈ ઈરાદો નથી.
મિસિસિપીમાં યોજાયેલા ‘ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ કાર્યક્રમ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વાન્સે જણાવ્યું હતું કે તેમની પત્ની હિંદુ છે અને તે ઘણી વાર તેમની સાથે ચર્ચમાં હાજરી આપે છે. વાન્સે ત્યારે કહ્યું હતું કે, “હા, હું ઈચ્છું છું કે એક દિવસ મારી પત્ની ખ્રિસ્તી ધર્મ અપનાવે, પરંતુ જો તે ન કરે તો પણ મને કોઈ વાંધો નથી, કારણ કે ભગવાને દરેકને પોતાનું જીવન પોતાના વિશ્વાસ મુજબ જીવવાનો અધિકાર આપ્યો છે.”
આ નિવેદન જાહેર થતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. અનેક લોકોએ વાન્સના નિવેદનને વ્યક્તિગત આસ્થામાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો. આ વિવાદને ધ્યાનમાં રાખીને વાન્સે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે લખ્યું, “ઉષા ખ્રિસ્તી નથી, અને હું તેનો ધર્મ પરિવર્તન કરાવવાની ઈચ્છા પણ રાખતો નથી. પરંતુ જેમ અનેક દંપતિઓ આંતરધાર્મિક સંબંધોમાં હોય છે, તેવી રીતે હું આશા રાખું છું કે એક દિવસ તે પણ ધર્મને મારી દૃષ્ટિએ જોશે.”
વાન્સે આગળ ઉમેર્યું કે તેમનો અને ઉષાનો સંબંધ પ્રેમ, માન અને પરસ્પર સમજણ પર આધારિત છે. “હું તેને હંમેશા પ્રેમ કરતો રહીશ, તેનો સહયોગ આપતો રહીશ અને વિશ્વાસ, જીવન તથા અન્ય વિષયો પર ચર્ચા કરતો રહીશ, કારણ કે તે મારી જીવનસાથી છે,” એમ વાન્સે સ્પષ્ટ કર્યું.
તે ઉપરાંત, તેમણે જણાવ્યું કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિ તરીકે લોકો તેમના ખાનગી જીવન અને ધાર્મિક માન્યતાઓ અંગે રસ દાખવે છે, તેથી તેમણે પ્રશ્ન ટાળવા કરતા ખરા અર્થમાં પોતાની વાત રાખવાનું પસંદ કર્યું.
સોશિયલ મીડિયા પર હવે વાન્સની આ નવી સ્પષ્ટતાને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક લોકોએ તેમના સ્પષ્ટ અને સંયમિત વલણની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ માનતા રહ્યા છે કે જાહેર મંચ પર આ પ્રકારના ધાર્મિક નિવેદનો આપવું યોગ્ય નથી.






