Japan Earthquake: જાપાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા ક્યુશૂ દ્વીપ પર આવેલા શક્તિશાળી ભૂકંપે વ્યાપક તબાહી મચાવી છે. કુમામોટો વિસ્તારમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ, રસ્તાઓમાં મોટી તિરાડો પડી, પુલોને નુકસાન પહોંચ્યું અને આગની અનેક ઘટનાઓ નોંધાઈ છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમો સતત શોધખોળ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે. ભૂકંપની સૌથી ગંભીર અસર કુમામોટો પ્રિફેક્ચરમાં જોવા મળી છે, જ્યાં એક મોટા શોપિંગ મોલને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, ભૂકંપ બાદ થયેલા સંભવિત ગેસ વિસ્ફોટથી મોલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત એક પેપર ફેક્ટરી પર વિશાળ ચીમની ધરાશાયી થતાં અનેક કર્મચારીઓ લાપતા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જાપાન સરકારે બચાવ કામગીરી માટે સૈનિકો અને ઇમરજન્સી ટીમોને તાત્કાલિક તૈનાત કરી છે.
શોપિંગ મોલમાં સૌથી વધુ નુકસાન
ભૂકંપ બાદ કાશિમા શહેરમાં આવેલા એઇઓન (Aeon) શોપિંગ મોલમાં થયેલા ભારે નુકસાનના દૃશ્યો સામે આવ્યા છે. મોલનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો અને ત્યારબાદ થયેલા સંભવિત ગેસ વિસ્ફોટે સ્થિતિ વધુ ગંભીર બનાવી હતી. બચાવકર્મીઓ કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહ્યા છે. મોલ સંચાલક કંપનીએ જણાવ્યું છે કે મુખ્ય ભૂકંપ બાદ ગ્રાહકો અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, મૃતકોમાં ઓછામાં ઓછી બે મહિલાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓ હજુ પણ કાટમાળ નીચે કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે.
ફેક્ટરી પર ચીમની તૂટી પડી, અનેક લોકો લાપતા
યાત્સુશિરો વિસ્તારમાં આવેલી નિપ્પોન પેપર ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં ભૂકંપ દરમિયાન એક વિશાળ ચીમની તૂટી પડી હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો લાપતા થયા હોવાની માહિતી સામે આવી છે અને બચાવ ટીમો સતત શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દસીઓ હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને સંચાર સેવાઓ પણ કેટલાક વિસ્તારોમાં પ્રભાવિત થઈ છે.
રસ્તાઓમાં તિરાડો, ટ્રેન સેવા બંધ
ભૂકંપની અસરથી અનેક મુખ્ય માર્ગોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. એક માલગાડી પણ પાટા પરથી ઉતરી ગઈ હોવાનું જણાવાયું છે. ક્યુશૂ શિંકાનસેન (બુલેટ ટ્રેન)ની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. કુમામોટોના ઐતિહાસિક કિલ્લાની દિવાલનો એક ભાગ પણ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે, જેનાથી સાંસ્કૃતિક વારસાને પણ નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો: જાપાનમાં વિનાશક ભૂકંપનો કહેર! : મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, અનેક લોકો લાપતા; હજારો બચાવકર્મીઓ મેદાનમાં
સરકારે રાહત કામગીરી તેજ કરી
જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચીએ જણાવ્યું છે કે, બચાવ કામગીરીમાં દરેક ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હજારો bલોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સૈનિકો, પોલીસ, ફાયર સર્વિસ તેમજ રાહત દળો સતત કામગીરી કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે, જાન બચાવવી સૌથી મોટી પ્રાથમિકતા છે.





