Home International Jakarta World Most Populated City Un Report 2025

જકાર્તા બન્યુ દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર : જાણો દિલ્હી, કોલકાતા કયા નંબર પર?

જકાર્તા બન્યુ દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 05:00 PM IST

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા હવે વિશ્વના સર્વાધિક વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રકાશિત વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025 અનુસાર જકાર્તાએ જાપાનની રાજધાની ટોક્યોને પાછળ મૂકી અગ્રસ્થાન મેળવ્યું છે. આ તાજા આકલનમાં શહેરી વસ્તી માપવા માટે સુધારેલા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી અને કોલકાતા જેવા ભારતીય મહાનગરો પણ સમાવાયા હતા.

જકાર્તાની વસ્તી 4 કરોડ 20 લાખને પાર

યુએનના પોપ્યુલેશન ડિવિઝનના અનુમાન મુજબ હાલ જકાર્તામાં અંદાજે 4 કરોડ 20 લાખ લોકો વસે છે. 1970ના સમયગાળામાં અહીં માત્ર થોડાં લાખો લોકો રહેતા હતા, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોમાં અત્યંત ઝડપથી વધી રહેલી વસ્તીએ તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજીથી વિસ્તરતું શહેર બનાવી દીધું છે.

ઢાકા અને ટોક્યો બીજા અને ત્રીજા સ્થાને

વસ્તીની દૃષ્ટિએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા 3 કરોડ 70 લાખ સાથે બીજા સ્થાને છે. ટોક્યોની વસ્તી હાલમાં આશરે 3 કરોડ 30 લાખ છે. 2018ના અહેવાલમાં ટોક્યો સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર માનવામાં આવ્યું હતું, પરંતુ બદલાયેલા પરિમાણો અને નવા આંકડાઓના આધારે રેન્કિંગ બદલાઈ ગયું છે.

ટોચના શહેરોમાં અન્ય નામોમાં દિલ્હી 3 કરોડથી વધુ, શાંઘાઈ 2 કરોડ 96 લાખ, ગુઆંગઝુ 2 કરોડ 76 લાખ અને મનિલા 2 કરોડ 47 લાખનો સમાવેશ થાય છે. ત્યારબાદ 2 કરોડ 25 લાખ વસ્તી ધરાવતા કોલકાતા અને એટલી જ વસ્તી ધરાવતા દક્ષિણ કોરિયાના સિઓલનું સ્થાન આવે છે.

એશિયાઈ શહેરોનું વૈશ્વિક પ્રભુત્વ

સૌથી વધુ વસ્તી ધરાવતા વિશ્વના મોટા શહેરોની યાદીમાં એશિયાની સ્પષ્ટ આગવી હાજરી જોવા મળે છે. વિશ્વના 33 મેગાસિટીમાંથી 19 એશિયામાં સ્થિત છે. ટોચના દસ શહેરોમાં કૈરો સિવાય બાકીના તમામ શહેરો એશિયામાં છે. આ કેન્દ્રોમાં જકાર્તા, ઢાકા, ટોક્યો, દિલ્હી, શાંઘાઈ, ગુઆંગઝુ, મનિલા, કોલકાતા અને સિઓલનો સમાવેશ થાય છે.

શહેરોમાં રહેતા લોકોનો હિસ્સો સતત વધી રહ્યો છે

યુએનના વિશ્લેષણ મુજબ 1950 બાદથી શહેરી વિસ્તારોમાં વસતા લોકોની સંખ્યા બમણી કરતાં વધુ વધી છે. 1950માં વિશ્વની લગભગ 2.5 અબજ વસ્તીમાંથી માત્ર 20 ટકા લોકો શહેરોમાં રહેતા હતા. હાલ વિશ્વની 8.2 અબજ વસ્તીમાંથી લગભગ અડધાથી વધુ લોકો શહેરી વિસ્તારોમાં વસે છે.

અંદાજ છે કે 2050 સુધીમાં વિશ્વની વસ્તી વૃદ્ધિમાંથી આશરે બે તૃતિયાંશ લોકો શહેરોમાં ઉમેરાશે, જ્યારે બાકીના એક તૃતિયાંશ ગ્રામ્ય વિસ્તારોમાં રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now