આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આજે સાંજે દેશના અત્યાર સુધીના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 ને અવકાશમાં મોકલવા તૈયાર છે. આ લોન્ચ સાંજે 5:26 વાગ્યે નિર્ધારિત છે.
આ ઉપગ્રહનો વજન આશરે 4,410 કિલોગ્રામ છે અને તે જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં મુકવામાં આવનાર સૌથી ભારે સંચાર ઉપગ્રહ બનશે. તેને ઇસરોના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ LVM3-M5 દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે.
નૌકાદળ માટે વધારશે કનેક્ટિવિટી, વધશે ડિજિટલ ઍક્સેસ
CMS-03 ઉપગ્રહનો મુખ્ય હેતુ ભારતીય નૌકાદળને મજબૂત કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. તે જમીન ઉપરાંત વિશાળ દરિયાઈ વિસ્તારોમાં પણ સતત સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવશે. ઉચ્ચ ક્ષમતા ધરાવતી બેન્ડવિડ્થને કારણે દુરસ્ત વિસ્તારોમાં ડિજિટલ ઍક્સેસ સુધરશે.
ઉપગ્રહના ઉપયોગથી નાગરિક એજન્સીઓ અને વ્યૂહાત્મક વિભાગો બંનેને લાભ મળશે. સુરક્ષા દળો માટે પણ સંચાર વ્યવસ્થા વધુ મજબૂત બનવાની આશા છે.
LVM3-M5: ઇસરોનો ‘બાહુબલી’ રોકેટ તૈયાર
ઇસરોના જણાવ્યા અનુસાર, રોકેટને સંપૂર્ણ રીતે એસેમ્બલ કરી ઉપગ્રહ સાથે સંકલિત કરવામાં આવ્યો છે અને 26 ઓક્ટોબરના રોજ પ્રી-લોન્ચ કામગીરી માટે લોન્ચપેડ પર સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો.
43.5 મીટર ઊંચું આ ત્રણ તબક્કાવાળું રોકેટ 4,000 કિલોગ્રામ GTO પેલોડ અને 8,000 કિલોગ્રામ લો અર્થ ઓર્બિટ પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેના શક્તિશાળી ક્રાયોજેનિક સ્ટેજ અને S200 સોલિડ રોકેટ બૂસ્ટર્સ લિફ્ટ-ઓફ માટે જરૂરી થ્રસ્ટ પ્રદાન કરે છે. આ શક્તિને કારણે જ તેને “બાહુબલી” નામ આપવામાં આવ્યું છે.
આ LVM3-M5 ની પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ
ઇસરો અનુસાર, LVM3-M5 રોકેટની આ પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ રહેશે. અગાઉ આ જ રોકેટ દ્વારા ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, જેના કારણે ભારત 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળ ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો હતો.
આ મિશનથી ઇસરોના હેવી સેટેલાઇટ લોન્ચિંગ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના પ્રયાસોને વધુ ગતિ મળશે અને ભારત વૈશ્વિક સ્તરે અવકાશ સંચાર ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવશે.






