Home International Iran Us Tensions Aircraft Carrier Attack Claims News

ઈરાને અમેરિકન વોરશિપ પર બેલેસ્ટિક મિસાઈલ છોડ્યાનો કર્યો દાવો : US સેનાએ અહેવાલોને નકારી કાઢ્યા

ઈરાને અમેરિકન વોરશિપ પર બેલેસ્ટિક મિસાઈલ છોડ્યાનો કર્યો દાવો
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 06:52 AM IST

પશ્ચિમ એશિયાના દેશો વચ્ચે વધતા જતા ગજગ્રાહની વચ્ચે ઈરાને અમેરિકાના અત્યંત શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincoln પર હુમલો કર્યો હોવાની વાત વહેતી કરી છે. ઈરાની સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ એટેકમાં અમેરિકન નૌસેનાના જહાજને વ્યાપક સ્તરે નુકસાન પહોંચ્યું છે. જોકે આ ગંભીર દાવાઓ સામે અમેરિકાએ કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ પણ ઘટના બની નથી અને તેમનું યુદ્ધ જહાજ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે દરિયામાં કાર્યરત છે.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC નૌસેનાના હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન પ્રમાણે ઓમાન સાગરના વિસ્તારમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઈરાની સરહદથી અંદાજે 340 કિલોમીટર દૂર રહેલા અમેરિકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ પર બેલેસ્ટિક મિસાઈલો અને આધુનિક ડ્રોન્સ દ્વારા ચોકસાઈપૂર્વક નિશાન સાધવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ હુમલાથી ડરીને અમેરિકન જહાજો તે વિસ્તાર છોડીને નીકળી ગયા છે અને USS Abraham Lincoln હવે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે સક્ષમ રહ્યું નથી.

બીજી તરફ અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOM દ્વારા આ અહેવાલોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા અમેરિકન સૈન્યએ જણાવ્યું કે તેમનું એરક્રાફ્ટ કેરિયર અત્યારે Operation Epic Fury હેઠળ દરિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. તેમણે પુરાવા તરીકે જહાજની લેટેસ્ટ તસવીરો પણ શેર કરી છે જેમાં તે એકદમ કાર્યરત અવસ્થામાં જોવા મળી રહ્યું છે.

અમેરિકન સંરક્ષણ અધિકારીઓના મતે ઈરાન દ્વારા ભૂતકાળમાં પણ આ પ્રકારના ખોટા દાવાઓ કરવામાં આવ્યા છે જે માત્ર પ્રોપેગન્ડાનો એક ભાગ હોય છે. ઉલ્લેખનીય છે કે ઓમાન સાગર અને તેની આસપાસના જળમાર્ગો વૈશ્વિક વેપાર માટે ખૂબ જ મહત્વના છે અને ત્યાં આ પ્રકારે બે દેશો વચ્ચે વધતો તણાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now