વૈશ્વિક રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર ઈરાન અને અમેરિકાના સંબંધોને લઈને સામે આવી રહ્યા છે. બંને દેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને ખતમ કરવા માટે હવે પાકિસ્તાને મધ્યસ્થતાની જવાબદારી સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના CDF આસિમ મુનીરે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચા બાદ એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન આ બંને કટ્ટર હરીફ દેશો વચ્ચે સુલેહ કરાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.
પાકિસ્તાનની ધરતી પર યોજાઈ શકે છે ઐતિહાસિક બેઠક
અમેરિકી ન્યૂઝ આઉટલેટ Axiosના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાનના ઉચ્ચ અધિકારીઓ આ અઠવાડિયે જ પાકિસ્તાનમાં એક મહત્વની બેઠક યોજી શકે છે. આ રાજદ્વારી પ્રયાસોના ભાગરૂપે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થતાની વિગતોથી માહિતગાર કર્યા છે. ઈઝરાયેલના ન્યૂઝ ચેનલ-12 ના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે તેવી પ્રબળ શક્યતા છે. નોંધનીય છે કે જેડી વેન્સે સોમવારે જ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ઈરાન અંગે ચર્ચા કરી હતી.
ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: 15 મુદ્દાઓ પર સધાઈ સહમતી
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદમાં એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનમાં તે તમામ બાબતોનો અંત લાવી દીધો છે જેને ખતમ કરી શકાય તેમ હતી. વધુમાં તેમણે મોટો દાવો કર્યો છે કે ઈરાન સાથે અત્યાર સુધીમાં 15 જેટલા જટિલ મુદ્દાઓ પર સહમતી બની ગઈ છે. જો આ દાવો સાચો સાબિત થાય છે, તો પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલી અસ્થિરતાનો અંત આવી શકે છે.
આ સંભવિત સમજૂતીથી માત્ર અમેરિકા અને ઈરાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ઉર્જા સુરક્ષા અને શાંતિ પર સકારાત્મક અસર પડશે. જોકે, ઈઝરાયેલ આ મધ્યસ્થતાને કઈ નજરથી જુએ છે તે જોવું પણ રસપ્રદ રહેશે.





