તેહરાન: ઈરાનના દક્ષિણ-પશ્ચિમ ખુઝેસ્તાન પ્રાંતમાં રવિવારે સવારે 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. ભૂકંપ બાદ રાહત અને બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ યથાવત રહેતા અમેરિકાએ સતત આઠમી રાત્રે પણ ઈરાનમાં હવાઈ હુમલાઓ કર્યા હોવાનું જણાવ્યું છે. તેહરાન યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અને ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, ભૂકંપ ખુઝેસ્તાન પ્રાંતના સરંદ વિસ્તાર નજીક આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી અંદાજે 12 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. હાલ સુધી કોઈ મોટી જાનહાનિ કે વ્યાપક નુકસાનની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, જોકે સાવચેતીના ભાગરૂપે બચાવ દળોને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા છે.
ગવર્નરે પરિસ્થિતિ પર સતત નજર રાખવાનો નિર્દેશ આપ્યો
ખુઝેસ્તાનના ગવર્નર સૈયદ મોહમ્મદ રઝા મૌલાઈઝાદેહે જણાવ્યું કે તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો મોકલવામાં આવી છે અને સ્થાનિક વહીવટી તંત્રને નુકસાનનું મૂલ્યાંકન કરવા સૂચના આપવામાં આવી છે. જો જરૂરી બનશે તો વધારાની સહાય પણ મોકલવામાં આવશે. ઈરાન દુનિયાના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ દેશોમાં સામેલ છે. દેશનો મોટો ભાગ સક્રિય ફોલ્ટ લાઇન પર આવેલો હોવાથી મધ્યમ તીવ્રતાના ભૂકંપ પણ નોંધપાત્ર અસર સર્જી શકે છે. વર્ષ 2003માં બામ શહેરમાં આવેલા 6.6ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 26 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા, જેના કારણે ભૂકંપ પ્રત્યે સાવચેતી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમેરિકા-ઈરાન તણાવ વધુ ઘેરાયો
ભૂકંપની ઘટના વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ પણ યથાવત છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર ઈરાન વિરુદ્ધ સતત આઠમી રાત્રે હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા. અમેરિકાના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જોર્ડનમાં બે અમેરિકી સૈનિકોના મોતના જવાબમાં કરવામાં આવી છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે હુમલામાં ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા સૈન્ય ઠેકાણા અને હથિયાર ભંડારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે ઈરાને આ હુમલાઓ અંગે જુદા દાવા કર્યા છે અને સંઘર્ષ સંબંધિત અનેક માહિતીની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
ઈરાનનો અમેરિકી કરારમાંથી પીછેહઠનો નિર્ણય
ઈરાને અમેરિકા સાથે એક મહિના પહેલાં થયેલા કરારમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો કે અમેરિકાએ કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે હવે તેહરાન પણ તે કરારનું પાલન કરશે નહીં. આ દરમિયાન ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે 27 જૂનથી 18 જુલાઈ દરમિયાન થયેલા અમેરિકી હવાઈ હુમલાઓમાં 50 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
હોર્મુઝમાં જહાજોની અવરજવર ઘટી
મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર વૈશ્વિક ઊર્જા પુરવઠા પર પણ જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યા છેલ્લા ત્રણ અઠવાડિયાના સૌથી નીચા સ્તરે પહોંચી હોવાનું શિપ ટ્રેકિંગ વેબસાઇટના આંકડા દર્શાવે છે. આ સ્થિતિ વચ્ચે ઇરાક પણ પોતાના તેલ નિકાસના માર્ગોમાં વિવિધતા લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. બસરાથી તુર્કીયે અને સીરિયા સુધી નવી ઓઈલ પાઇપલાઇન બિછાવવાની યોજના પર અભ્યાસ ચાલી રહ્યો છે, જેથી હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડી શકાય.
આ પણ વાંચો: અમેરિકામાંથી 18000 ભારતીયોના ડિપોર્ટેશનની તૈયારી : ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી; અપીલ-વકીલની તક મર્યાદિત
વૈશ્વિક ચિંતા વધી
અમેરિકી વિદેશ મંત્રાલયે વિશ્વભરમાં રહેતા અને પ્રવાસ કરતા પોતાના નાગરિકોને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપી છે. મિડલ ઈસ્ટમાં ઝડપથી બદલાતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એક તરફ ઈરાનમાં આવેલા ભૂકંપ બાદ રાહત કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સતત સૈન્ય સંઘર્ષ સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધારી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધશે તો તેની અસર વૈશ્વિક સુરક્ષા, તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી શકે છે.





