Iran Israel War: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં તણાવની સ્થિતિ છે. આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે PM મોદીના નિવાસસ્થાને 'કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી' (CCS) ની ત્રણ કલાક લાંબી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયામાં ફસાયેલા લાખો ભારતીયોની સુરક્ષા, તેલ પુરવઠો અને એરસ્પેસ બંધ થવાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે.
સુરક્ષા સમિતિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત NSA અજીત ડોભાલ અને CDS અનિલ ચૌહાણે ગ્રાઉન્ડ લેવલની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. બેઠકમાં મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં રહેતા 90 લાખ જેટલા ભારતીયોને જો યુદ્ધ વધે તો કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા (Evacuation Plan) તેના પર બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
UAE સાથે ટેલિફોનિક વાતચીત: ‘મુશ્કેલીમાં અમે તમારી સાથે’
યુદ્ધની આગ વચ્ચે PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ UAE પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત આ સંકટ સમયે UAE ની સાથે મક્કમતાથી ઊભું છે. તેમણે ત્યાં વસતા ભારતીય સમુદાયની કાળજી રાખવા બદલ પ્રમુખનો આભાર પણ માન્યો હતો.
ભારતના 15થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શન અને સુરક્ષા એલર્ટ
ઈરાની નેતા ખામેનેઈના મૃત્યુના પડઘા ભારતમાં પણ પડ્યા છે. શ્રીનગર, લખનૌ, પટના અને દિલ્હી જેવા 15 થી વધુ શહેરોમાં શિયા સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. હૈદરાબાદ અને દિલ્હીમાં ઈઝરાયેલ-અમેરિકા વિરુદ્ધ કેન્ડલ માર્ચ અને પૂતળા દહન કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે દિલ્હીમાં રાજદ્વારી મિશનો અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા લોખંડી કરી દેવામાં આવી છે.
એરસ્પેસ બંધ થતા વિમાન સેવા ખોરવાઈ: 350થી વધુ ફ્લાઈટ્સ રદ
પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધના તણાવને કારણે મિડલ ઈસ્ટનું એરસ્પેસ લગભગ બંધ કરી દેવામાં આવ્યું છે, જેની સીધી અને ગંભીર અસર ભારતના ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. રવિવારના એક જ દિવસમાં ભારતની ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મળીને અંદાજે 350થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે દિલ્હીના IGI, મુંબઈ અને કેરળના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજારો મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને કોચીન એરપોર્ટ પરથી ખાડી દેશો તરફ જતી 16 જેટલી ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસીઓ અટવાયા છે. જોકે, મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે UAE સરકારે એક ઉમદા નિર્ણય લેતા જાહેરાત કરી છે કે મુસાફરી પરના પ્રતિબંધોને કારણે જે પ્રવાસીઓ હોટલ છોડી શક્યા નથી અથવા ત્યાં ફસાયેલા છે, તેમનો હોટલ સહિતનો તમામ ખર્ચ હવે સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
ક્રૂડ ઓઈલના ભાવ પર સંકટ: OPEC દેશોનો મોટો નિર્ણય
વિશ્વનું 20% તેલ જ્યાંથી પસાર થાય છે તે 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માં તણાવ વધતા તેલના શિપમેન્ટમાં અવરોધ ઊભો થયો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સાઉદી અરેબિયા અને રશિયા સહિતના OPEC+ દેશોએ એપ્રિલથી દરરોજ 2.06 લાખ બેરલ તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે, જેથી વૈશ્વિક બજારમાં તેલની અછત ન સર્જાય.
ભારતીય દૂતાવાસો દ્વારા એડવાઈઝરી જાહેર
કુવૈત, ઓમાન, ઓસ્ટ્રિયા અને લેબનોનમાં સ્થિત ભારતીય દૂતાવાસોએ ભારતીયો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય રાજદૂત પરમિતા ત્રિપાઠીએ કુવૈતમાં ભારતીય સંગઠનો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરીને સુરક્ષાની ખાતરી આપી હતી. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.




















