Home International Iran Israel War Peace Conditions Masoud Pezeshkian March 2026 Iran Demands Reparations Guarantees To End War

Iran vs Israel : ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 આકરી શરતો, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને કહ્યું- 'આટલું કરશો તો જ અટકશે જંગ'

Iran vs Israel
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:40 PM IST

Iran Israel War: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અત્યંત નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચ્યું છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ લોહિયાળ જંગને કારણે વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચી ગયા છે ત્યારે ઈરાને પહેલીવાર શાંતિ માટેનો માર્ગ મોકળો કરવાની તૈયારી બતાવી છે. જોકે, આ શાંતિ મફત નથી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને દુનિયા સામે યુદ્ધ વિરામ માટે ત્રણ મોટી અને આકરી શરતો મૂકી છે, જેણે વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા છેડી દીધી છે.

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તેહરાન જંગ નથી ઈચ્છતું, પરંતુ જો તેના સ્વાભિમાન અને અર્થતંત્ર પર થયેલા પ્રહારોની ભરપાઈ કરવામાં આવશે તો જ તે પીછેહઠ કરશે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી છે કે જો આ શરતો મંજૂર કરવામાં આવશે, તો જ તેહરાન પોતાના ડ્રોન અને મિસાઈલ હુમલા અટકાવશે. આ સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ જોર્ડન અને ઈરાક સુધી ફેલાતા વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

શાંતિ માટે ઈરાનનો 'રોડમેપ': 3 મુખ્ય શરતો

ઈરાનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નીચેની ત્રણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી જંગ ચાલુ રહેશે:

  1. વૈધ અધિકારોની માન્યતા: ઈરાને માંગ કરી છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય તેના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સત્તાવાર માન્યતા આપે.

  2. યુદ્ધનું વળતર (હરજાણું): જંગ દરમિયાન ઈરાનને જે આર્થિક અને માળખાગત નુકસાન થયું છે, તેની સંપૂર્ણ ભરપાઈ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવે તેવી આકરી શરત મૂકવામાં આવી છે.

  3. આંતરરાષ્ટ્રીય ગેરંટી: ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના લશ્કરી હુમલા નહીં થાય તેની લેખિત અને નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી માંગવામાં આવી છે.

રશિયા અને પાકિસ્તાન સાથે મહત્વની બેઠક

રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને આ મુદ્દે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ પરામર્શ કર્યો છે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલને આ લડાઈ માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે, "ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ આ લડાઈ શરૂ કરી છે. અમે વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેના માટે જવાબદાર દેશોએ પોતાની ભૂલ સ્વીકારી જવાબદેહી નક્કી કરવી પડશે." રશિયાનો સહકાર ઈરાન માટે આ જંગમાં અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે.

વૈશ્વિક અર્થતંત્ર પર મોટું જોખમ: તેલના ભાવમાં ભડકો

આ યુદ્ધની સૌથી મોટી અસર 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પર જોવા મળી રહી છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો વહન કરે છે. તણાવને કારણે તેલ ટેન્કરોની અવરજવર ખોરવાતા ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તોતિંગ ઉછાળો આવ્યો છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મોંઘવારીનો આંકડો આસમાને પહોંચી શકે છે.

યુદ્ધની પૃષ્ઠભૂમિ: 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ

ઉલ્લેખનીય છે કે, આ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાથી થઈ હતી. તેના વળતા જવાબમાં ઈરાને મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. હાલમાં આ લડાઈ જોર્ડન અને ઈરાકના આકાશ સુધી પહોંચી ગઈ છે, જેનાથી સમગ્ર પશ્ચિમ એશિયા અસ્થિર બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now