Home International Iran Israel War Day 13 Civilian Casualties Strait Of Hormuz Oil Price Hike

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો 13મો દિવસ : 1348 નાગરિકોના મોતથી હાહાકાર, ઓઈલ માર્કેટમાં ઉછાળો અને હોર્મુઝમાં તણાવ વધ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો 13મો દિવસ
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 04:22 PM IST

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગના 13મા દિવસે પરિસ્થિતિ વધુ વણસી છે. અમેરિકા અને ઈઝરાયેલના સતત હુમલાઓ સામે ઈરાને પણ વળતો પ્રહાર તેજ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની પ્રતિનિધિ અમીર સઈદ ઈરાવાનીએ પુષ્ટિ કરી છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 1348 ઈરાની નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ સંઘર્ષની સીધી અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડી રહી છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ 100 ડોલરની સપાટીએ પહોંચી ગઈ છે.

ઈરાન રાષ્ટ્રપતિની શાંતિ માટેની શરતો

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો ઈરાનના સાર્વભૌમ અધિકારોને માન્યતા આપવામાં આવે, યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર મળે અને ભવિષ્યમાં હુમલા ન થવાની આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવામાં આવે તો જ તેહરાન યુદ્ધ વિરામ પર વિચાર કરી શકે છે. જોકે, બીજી તરફ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાઈલ કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લક્ષ્યો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.

યુદ્ધના મેદાનના મુખ્ય અપડેટ્સ:

  • માનવીય સંકટ: UNICEF ના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં 1100 થી વધુ બાળકો કાં તો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં કુલ 17,000 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • સાયબર એટેક: ઈરાની હેકર ગ્રુપ 'હાન્ડાલા' એ મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની Stryker ના નેટવર્ક પર હુમલો કરી 50 ટેરાબાઈટ ડેટાની ચોરી કરી હોવાનો દાવો કર્યો છે.

  • દરિયાઈ તણાવ: ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચેતવણીનું ઉલ્લંઘન કરનારા બે જહાજો પર ફાયરિંગ કર્યું છે. આ દરમિયાન ઓમાનની નેવીએ એક થાઈ જહાજમાંથી 20 નાવિકોનો બચાવ કર્યો હતો.

  • ખાડી દેશોમાં એલર્ટ: સાઉદી અરેબિયાએ શાયબહ ઓઈલ ફિલ્ડ તરફ આવતા બે ડ્રોનને તોડી પાડ્યા છે. કુવૈત અને UAE માં પણ મિસાઈલ હુમલાઓને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વૈશ્વિક અર્થતંત્ર પર પ્રહાર

યુદ્ધને કારણે પેદા થયેલા ઊર્જા સંકટને પહોંચી વળવા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ બજારમાં 40 કરોડ બેરલ કાચું તેલ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જેમાંથી 17.2 કરોડ બેરલ એકલું અમેરિકા પૂરું પાડશે. આ દરમિયાન, સુરક્ષાના કારણોસર Citibank એ મધ્ય પૂર્વના દેશોમાં તેની મોટાભાગની બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકી પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના હુમલાથી ઈરાન લગભગ હારી ગયું છે અને જંગના પ્રથમ કલાકમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. જોકે, તેમણે આશ્ચર્યજનક રીતે જણાવ્યું કે આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાં તેઓ ઈરાની ટીમનું સ્વાગત કરશે. બીજી તરફ, એક અમેરિકી મિસાઈલ હુમલો ભૂલથી ઈરાની સ્કૂલ પર થયો હોવાની વિગતો પણ બહાર આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now