Home Gujarat Interstate Gang Robbing Passengers Exposed At Ahmedabad Railway Station Rpf Nabs Two Thug

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ : RPFએ બે ઠગબાજોને ઝડપી પાડ્યા, જાણો ઠગાઈની અનોખી મોડસ ઓપરેન્ડી

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 01:58 PM IST

Ahmedabad News: રેલવે સ્ટેશન પર આવતા-જતા નિર્દોષ મુસાફરોને પોતાની વાતોમાં ફસાવી તેમની મતા ચોરી કરતી એક રીઢા ગુનેગારોની ટોળકીને પકડવામાં અમદાવાદ RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ને મોટી સફળતા મળી છે. આ આંતરરાજ્ય ગેંગના બે સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઠગાઈની અનોખી મોડસ ઓપરેન્ડી

આ ગેંગ મુસાફરોને નિશાન બનાવવા માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવતી હતી. પકડાયેલા આરોપીઓ મુસાફરો પાસે જઈને એવી ખોટી વાત ફેલાવતા હતા કે, "રેલવેમાં રોકડ રકમ (કેશ) લઈ જવા પર પ્રતિબંધ છે." મુસાફરો ગભરાઈ જાય એટલે તેઓ તેમને "રેલવે કાર્ડ" બનાવવાની લાલચ આપતા. આ કાર્ડ બનાવવાના બહાને તેઓ મુસાફરો પાસેથી રોકડ અને મોબાઈલ ફોન પડાવી લેતા અને તક મળતા જ ત્યાંથી રફુચક્કર થઈ જતા હતા.

CCTVની મદદથી પકડાયા આરોપીઓ

અમદાવાદ રેલવે સ્ટેશન પર સતત વધી રહેલી ફરિયાદોને પગલે RPFની ટીમે CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ હિલચાલના આધારે ટીમે સ્ટેશન પરિસરમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમના નામ પરેશકુમાર પટેલ (રહે. સુરત) અનેકાઉડા (રહે. ઉદયપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે ગત 1 અને 2 માર્ચના રોજ મુસાફરો સાથે ઠગાઈ કરી હતી.

જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં 1,00,000 ની કિંમતની મતા,3 એન્ડ્રોઇડ મોબાઈલ અને 1 કીપેડ ફોન,3,150 રોકડ રકમ, 84 નંગ નકલી નોટો (₹500ના દરની), જેનો ઉપયોગ તેઓ મુસાફરોને છેતરવા માટે કરતા હતા.

આગળની કાર્યવાહી

RPF દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ, વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેમને GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) અમદાવાદને સોંપવામાં આવ્યા છે. આ ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ અજાણી વ્યક્તિઓની વાતોમાં આવવું નહીં અને રેલવેના કોઈ પણ નિયમ અંગે અધિકૃત પૂછપરછ બારી પર જ સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now