Home Gujarat Interstate Child Trafficking Racket Busted

આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ : નવજાત શિશુને બચાવ્યું, ત્રણની ધરપકડ, DCB અને ATSનું સંયુક્ત ઓપરેશન

આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 08:35 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા એક આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે.

નવજાત શિશુ વેપારના નેટવર્કનો પર્દાફાશ

ગુજરાત ATS દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે 28 જાન્યુઆરી, 2026ના રોજ આ માહિતી DCB ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે.સી. દેસાઈના નેતૃત્વમાં એક ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમે કોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હિંમતનગર તરફથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ રંગની મારુતિ અર્ટિગા કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-01-MT-2600)ને અટકાવવામાં આવી હતી. કારની તપાસ કરતાં તેમાં બેઠેલા લોકો પાસે એક નવજાત શિશુ મળી આવ્યું હતું, જેને તરત જ પોલીસ દ્વારા સુરક્ષિત રીતે કબજામાં લેવામાં આવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં વંદનાબેન જીગરાભાઈ પંચાલ (ઉંમર 34), રહે. મુકેશનગર સોસાયટી, ઓઢવ, અમદાવાદ (મૂળ અયોધ્યા, ઉત્તર પ્રદેશ), રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ (ઉંમર 42), રહે. હૈદરાબાદ, તેલંગાણા (મૂળ ઝુંઝુનુ, રાજસ્થાન) અને સુમિત બચ્ચનભાઈ યાદવ (ઉંમર 27), રહે. બીજલ હોમ્સ, વટવા, અમદાવાદ (મૂળ સુલતાનપુર, ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. જ્યારે વાહન ચલાવનાર મૌલિક ઉમિયાશંકર દવે (ઉંમર 32)ની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલુ છે.

મુન્નુ નામના વ્યક્તિ પાસે આરોપીઓ બાળક ખરીદ્યો હતો

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી ₹3,60,000માં ખરીદ્યો હતો અને તેને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા લઈ જઈ રહ્યા હતા. આ સમગ્ર વ્યવહાર ગેરકાયદેસર બાળ તસ્કરીના નેટવર્કનો ભાગ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹10,050 રોકડ, ચાર મોબાઇલ ફોન (Redmi, Vivo, Samsung અને Oppo) જેની અંદાજિત કિંમત ₹55,000 થાય છે, તેમજ તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી મારુતિ અર્ટિગા કાર જપ્ત કરી છે. આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 143(4), 137(2), 61(2)(a) અને જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ 2015ની કલમ 81 અને 87 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી તપાસ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ બાળ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા તેમજ ફરાર વચેટિયાઓ મુન્નુ અને નાગરાજને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now