Home Gujarat Insurance Controversy Before Kankaria Carnival In Ahmedabad

કાંકરિયા કાર્નિવલ પહેલાં 'વીમા વિવાદ'! : AMC એ ફ્રી રાખ્યું, વીમા કંપની 'ટિકિટ વિના વળતર નહી'!, જાણો સ્ટે. કમિટિના ચેરમેનએ શું કહ્યું

કાંકરિયા કાર્નિવલ પહેલાં 'વીમા વિવાદ'!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 11:24 AM IST

Ahmedabad Kankaria Carnival : અમદાવાદમાં આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા કાંકરિયા કાર્નિવલને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે કાર્નિવલ માટે લેવામાં આવેલા વીમાને લઈને વિવાદ ઊભો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાર્નિવલ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો નુકસાનની ભરપાઈ માટે વીમો લેવામાં આવ્યો છે, પરંતુ વીમા કંપનીના નિયમોને લઈને હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

AMC અને વીમા કંપની વચ્ચે મતભદે?

વીમા કંપનીના નિયમ મુજબ જો કોઈ મુલાકાતી કાયદેસરની ટિકિટ સાથે કાર્નિવલમાં પ્રવેશ કરશે તો જ તેને કોઈ ઘટના સમયે વળતર મળવાનું રહેશે. જોકે, બીજી તરફ AMC દ્વારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટા પ્રમાણમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો AMC જ ટિકિટ આપતું ન હોય તો કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે મુલાકાતીઓને વળતર કેવી રીતે મળી શકે, તે મુદ્દે મોટો વિવાદ ઉભો થયો છે.

5 હજાર કરોડથી વધુનો લીધો છે વીમો

મહત્વની વાત એ છે કે AMC દ્વારા કાર્નિવલ માટે 45 લાખ રૂપિયાથી વધુનું પ્રીમિયમ ચૂકવીને જુદા જુદા હેતુઓ માટે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો વીમો લેવામાં આવ્યો છે. આ વીમો આતંકવાદી હુમલો, ભૂકંપ, આગ સહિતની સંભવિત આપત્તિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ સમગ્ર વીમો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

'વીમા કંપનીનો ક્લોઝ દૂર કરવા અધિકારીને આદેશ આપ્યા છે'

વીમા કંપનીના ટિકિટ ફરજિયાત એવા ક્લોઝને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે 'ટિકિટ હોય તો જ વીમો ક્લેમ કરવા લાયક ગણાય એવો ક્લોઝ દૂર કરવામાં આવે, જેથી કાર્નિવલમાં આવતા દરેક નાગરિકને સુરક્ષા અને વળતરનો હક મળી શકે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now