Home Sports Indias Grand Victory In Ahmedabad Defeating New Zealand By 96 Runs To Win The T20 World Cup

INDIA IS CHAMPION! : અમદાવાદમાં ભારતનો ભવ્ય વિજય, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ત્રીજીવાર જીત્યો T20 World Cup

INDIA IS CHAMPION!
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 05:54 PM IST

T20 World Cup : આજે 8 માર્ચે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ભારતીય ટીમ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ટીમ બની ગઈ છે. ભારતે આપેલા 256 રનના વિશાળ લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં માત્ર 159 રનમાં સમેટાઈ ગઈ હતી.

ટોસ અને ભારતની વિસ્ફોટક શરૂઆત

ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતીય ઓપનર્સે તેને ખોટો સાબિત કર્યો હતો. સંજૂ સેમસન અને અભિષેક શર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી અને પાવરપ્લેમાં વગર વિકેટે 92 રન ફટકાર્યા. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ફાઇનલનો અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે.

ટોપ-3 બેટર્સની ઐતિહાસિક ફિફ્ટી

પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 255 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ મેચમાં એક નવો ઈતિહાસ રચાયો, જેમાં ભારતના ટોચના ત્રણેય બેટર્સે હાફ-સેન્ચુરી ફટકારી હોય.

  • સંજૂ સેમસન : 46 બોલમાં 89 રન (5 ચોગ્ગા, 8 છગ્ગા)

  • ઈશાન કિશન : 25 બોલમાં 54 રન

  • અભિષેક શર્મા : 21 બોલમાં 52 રન

સંજૂ સેમસને વર્લ્ડકપની સતત ત્રીજી મેચમાં હાફ-સેન્ચુરી ફટકારીને દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડની બરાબરી કરી હતી. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ શૂન્ય રને આઉટ થયો હતો, જ્યારે હાર્દિક પંડ્યાએ 18 રન બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડ પસ્ત

256 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી હતી. જસપ્રીત બુમરાહ અને સ્પિનર્સની ધારદાર બોલિંગ સામે કિવી બેટર્સ ટકી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે સૌથી વધુ 52 રન અને કેપ્ટન મિશેલ સેન્ટનરે 43 રન બનાવ્યા હતા. બુમરાહે શાનદાર પ્રદર્શન કરતા 4 મહત્વની વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્ડિયાએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ્સ

  • T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને પહેલીવાર હરાવવામાં સફળ રહી.

  • ભારત 2024 અને 2026 એમ સળંગ બે વખત T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતનારી ટીમ બની.

  • ભારત યજમાન દેશ તરીકે T20 વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ બન્યો છે.

  • સૌથી વધુ 3 વખત T20 વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ હવે ભારતના નામે છે.

ગૌતમ ગંભીરનો શાનદાર ફાઇનલ રેકોર્ડ

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરનો ફાઇનલ મેચનો રેકોર્ડ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે. તેઓ ખેલાડી તરીકે, IPL કેપ્ટન તરીકે, IPL મેન્ટર તરીકે અને હવે ભારતીય ટીમના હેડ કોચ તરીકે જ્યારે પણ ફાઇનલમાં પહોંચ્યા છે, ત્યારે તેમની ટીમે હંમેશા ફાઇનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરી છે.

એવોર્ડ્સ : બુમરાહ 'પ્લેયર ઓફ ધ મેચ' અને સેમસન 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'

આ ઐતિહાસિક ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની 4 મહત્વની વિકેટ ઝડપીને કમર તોડનાર જસપ્રીત બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ટૂર્નામેન્ટમાં અદભુત બેટિંગ કરનાર સંજૂ સેમસને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' નો ખિતાબ પોતાના નામે કર્યો છે. સંજૂએ આ વર્લ્ડ કપની સૌથી મહત્વની મેચોમાં સતત ત્રણ ફિફ્ટી ફટકારીને આ એવોર્ડ જીત્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ નોકઆઉટ મેચમાં, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 50 થી વધુ રનનો સ્કોર બનાવીને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મોટો ફાળો આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now