logo-img
Indian Womens Teams Historic Victory In Australia India Won By 17 Runs

ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય! : ઓસ્ટ્રેલિયાના બોલર્સ અને બેટર્સ બંને થયા નિષ્ફળ, ભારત 17 રનથી જીત્યું

ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય!
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 12:32 PM IST

India won the series in Australia : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં ઇતિહાસ રચી દીધો છે. એડિલેડમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતે યજમાન ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને સિરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે જ ભારતે બતાવ્યું છે કે, તેઓ વિદેશી ધરતી પર પણ કોઈપણ ટીમને હરાવવાની તાકાત ધરાવે છે.

ભારતીય બેટર્સનો દબદબો

ત્રીજી T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગા ફટકારીને માત્ર 82 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. તેને જેમીમાહ રોડ્રિગ્સનો સાથ મળ્યો, જેને 59 રનનું મહત્વનું યોગદાન આપ્યું. આ બંનેની શાનદાર બેટિંગને કારણે ભારતે 20 ઓવરમાં 176 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો.

નિષ્ફળ રહી ઓસ્ટ્રેલિયન બોલિંગ યુનિટ

ઓસ્ટ્રેલિયાના બોલરો ભારતીય રન રેટ પર કંટ્રોલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. જોકે એનાબેલ સધરલેન્ડે 2 વિકેટ ઝડપી હતી અને સોફી મોલિન્યુ તથા કિમ ગાર્થે 1-1 વિકેટ લીધી હતી, પરંતુ કોઈ પણ બોલર મંધાના અને જેમીમાહની જોડીને રોકી શક્યા નહીં. કાંગારૂ ટીમનું બોલિંગ આક્રમણ ભારતીય બેટર્સ સામે લાચાર જણાતું હતું.

કાંગારૂ દિગ્ગજોનો ધબડકો

177 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ટીમની અનુભવી ખેલાડી બેથ મૂની માત્ર 6 રન બનાવી આઉટ થઈ હતી. જોતજોતામાં 32 રનમાં જ ઓસ્ટ્રેલિયાએ તેની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. એલિસ પેરી જેવી સ્ટાર ખેલાડી પણ માત્ર 1 રન બનાવી શકી હતી. એશ્લે ગાર્ડનરે 57 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જીત માટે પૂરતા ન હતા. અને ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 159 રન જ બનાવી શક્યું.

સિરીઝનો રોમાંચક પ્રવાસ

આ સિરીઝની શરૂઆત 15 ફેબ્રુઆરીએ થઈ હતી. પ્રથમ મેચ સિડનીમાં રમાઈ હતી, જેમાં ભારતે DLS પદ્ધતિથી 21 રનથી જીત મેળવી હતી. બીજી મેચ કેનબેરામાં રમાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ 19 રનથી જીત મેળવી સિરીઝ 1-1 થી બરાબર કરી હતી. જોકે, અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ફરી બાજી મારીને સિરીઝ પર કબજો જમાવ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now