ભારતના ઓપરેશન સિંદૂરની કાર્યવાહી વચ્ચે તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન આપ્યા, મિસાઇલ્સ આપી અને યુદ્ધજહાજ પણ પાકિસ્તાનના બંદર પર લાંગરી ભારત વિરુદ્ધ ખુલીને સામે આવ્યું. જેને લઇને હવે ભારતના વેપારીઓએ જ તુર્કી સામે આર્થિક સ્ટ્રાઇકની જાહેરાત કરી દીધી છે. હવે ભારતના શહેરોમાં વેપારીઓએ તુર્કી સામે વેપાર બહિષ્કાર શરૂ કર્યો છે. ઉદયપુર અને પુણેમાં કેન્દ્રિત આ વેપારીઓ અને યુનિઅન્સ દ્વારા તુર્કીનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા તુર્કીના પ્લાન કેન્સલ કરાયા બાદ ઉદયપુર અને મહારાષ્ટ્રના આર્થિક એકમોએ તુર્કી સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઉદયપુરનો માર્બલ વેપારીઓએ લીધું સ્ટેન્ડ:
ઉદયપુર, જેને એશિયાની માર્બલ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, ઉદયપુરનો ઉચ્ચ ગુણવત્તાવાળો માર્બલ અને ગ્રેનાઈટની 70 ટકા નિકાસ તુર્કીમાં થાય છે. જેનું વાર્ષિક ટર્નઓવર અબજો રૂપિયામાં આંકવામાં આવે છે. જો કે હવે માર્બલ વેપારીઓએ તુર્કી સામે બોયકોટ જાહેર કરી વિશ્વમાં અન્ય દેશોમાં માર્બલ એક્સપોર્ટ કરવાનું અને નવા ટ્રેડ પાર્ટનર્સ બનાવવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં બીજી બાજુ ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીએ તુર્કીથી થતી તમામ માર્બલ આયાત પર સંપૂર્ણ રોક લગાવવાની જાહેરાત કરી.
ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીના સભ્ય સુરાનાએ આ નિર્ણય અંગે જણાવ્યું કે ‘‘જ્યારે રાષ્ટ્રના ગૌરવ અને સુરક્ષાની વાત આવે છે, ત્યારે વ્યાપારિક સંબંધો પાછળ રહી જાય છે. પાકિસ્તાનને તુર્કીનો ટેકો, ખાસ કરીને એવા સમયે આપ્યો જ્યારે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તે અસ્વીકાર્ય છે." ઉદયપુરના વેપારીઓનો આ નિર્ણય તુર્કીના માર્બલ ઉદ્યોગને ગંભીર ફટકો પહોંચાડશે.તુર્કી ભારતીય માર્બલ બજાર પર મોટા પ્રમાણે નિર્ભર છે. ઉદ્યોગ નિષ્ણાતોનો અંદાજ છે કે બહિષ્કાર તુર્કીની સપ્લાય ચેઇનને વેરવિખેર કરી શકે છે. અને આગામી મહિનાઓમાં તુર્કીના નિકાસકારોને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે.
ટર્કીશ સફરજનની આયાત બંધ કરશે પુણે:
મહારાષ્ટ્રના મુખ્ય વ્યાપારી કેન્દ્ર ગણાતાં પુણેના વેપારીઓએ ટર્કીશ સફરજનનો બહિષ્કાર કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ટર્કીશ સફરજન પોતાની ગુણવત્તા અને સ્વાદ માટે જાણીતા છે. જે ભારતીય બજારોમાં લોકપ્રિયછે. જોકે, પહેલગામ ઘટના પછી તુર્કી દ્વારા ભારતની કાર્યવાહીની નિંદા બાદ, પુણેના ફળ વિક્રેતાઓ અને જથ્થાબંધ વેપારીઓએ તેમના સ્ટોકમાંથી ટર્કિશ સફરજનને સંપૂર્ણપણે દૂર કરી દીધાં છે.
પુણેમાં સ્વયંભૂ બહિષ્કાર વેપારીઓમાં દેશદાઝની ચળવળને પ્રતિબિંબિત કરે છે જેઓ તુર્કીના કથિત દુશ્મનાવટનો વેપારથી જવાબ આપી રહ્યાં છે. સ્થાનિક બજાર સંગઠનોએ પણ આ ચળવળને સમર્થન આપ્યું છે. ઘણા વિક્રેતાઓએ જાહેરમાં યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોમાંથી સફરજન મેળવવા અથવા હિમાચલ પ્રદેશ અને કાશ્મીર જેવા પ્રદેશોમાંથી સ્થાનિક પ્રજાતિના સફરજનને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. પુણે ફ્રૂટ વેન્ડર્સ એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "જ્યારે તુર્કી ખુલ્લેઆમ આપણા વિરોધીઓનો પક્ષ લે છે ત્યારે આપણે હંમેશાની જેમ વ્યવસાય ચાલુ રાખી ન રાખી શકીએ"
આર્થિક અને વ્યૂહાત્મક અસરો:
બહિષ્કારનો બંને દેશો પર નોંધપાત્ર અસર જોવા મળશે. તુર્કી માટે, માર્બલ અને સફરજનની નિકાસ બંધ થાય તો ભારતીય બજારનું નુકસાન તેની અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે. જે પહેલાથી જ ફુગાવા અને કરન્સીના અવમૂલ્યનથી લડી રહી છે. ભારત, ટર્કિશ માર્બલના સૌથી મોટા આયાતકારોમાંથી એક છે. તેવામાં ભારતીય વેપારીઓનો નિર્ણય તુર્કી માટે ઘાતક સાબિત થઇ શકે છે. હાલ તુર્કી માટે અન્ય ટ્રેડ પાર્ટનર્સ શોધવું ખુબ જ મોંઘું સાબિત થઇ શકે છે. જે લાંબાગાળા માટે તુર્કીની અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક સાબિત થશે. આતંકવાદનો સાથ આપનાર તુર્કી સામે ભારતમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. તેવામાં આવનારા સમયમાં તુર્કી દ્વીપક્ષીય વાટાઘાટો માટે ભારતને આમંત્રણ આપે તો નવાઇ નહીં.






