Home International Indian Origin Middle Aged Man Vijay Kumar Shoots 4 Relatives Including Wife In Georgia Usa

અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય મૂળના આધેડનો આતંક : પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, કબાટમાં છુપાઈને ત્રણ બાળકોએ જીવ બચાવ્યો

અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય મૂળના આધેડનો આતંક
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 07:43 AM IST

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લોરેન્સવિલેમાં એક ભયાનક પારિવારિક હિંસાની ઘટના સામે આવી છે, જેમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ ક્રોધમાં આવીને પોતાની પત્ની સહિત પરિવારના ચાર સભ્યોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. શુક્રવારે વહેલી સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે જ્યારે ઘરમાં ગોળીઓ છૂટી રહી હતી, ત્યારે ત્રણ નિર્દોષ બાળકોએ કબાટમાં છુપાઈને માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. આ લોહિયાળ ખેલ બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ગણતરીની મિનિટોમાં તેની ધરપકડ કરી લીધી છે.

12 વર્ષના બાળકની હિંમત: કબાટમાંથી કર્યો 911 પર કોલ

ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે 51 વર્ષીય આરોપી વિજય કુમારે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો ત્યારે ઘરમાં 7, 10 અને 12 વર્ષની વયના ત્રણ બાળકો હાજર હતા. ડરના માર્યા આ બાળકો એક કબાટમાં ભરાઈ ગયા હતા. આ કપરી સ્થિતિમાં પણ 12 વર્ષના બાળકે અદ્ભુત હિંમત બતાવી અને ઇમરજન્સી સેવા 911 પર કોલ કરીને પોલીસને જાણ કરી. બાળકની આ સમયસૂચકતાને કારણે પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી, જેનાથી બાળકોના જીવ બચી શક્યા. હાલ ત્રણેય બાળકો સુરક્ષિત છે અને તેમને સંબંધીઓના સંરક્ષણમાં રાખવામાં આવ્યા છે.

શું હતી હત્યા પાછળની કડી?

તપાસમાં બહાર આવ્યું છે કે 51 વર્ષીય આરોપી વિજય કુમાર અને તેની 43 વર્ષીય પત્ની મીનુ ડોગરા વચ્ચે એટલાન્ટામાં ઉગ્ર દલીલ થઈ હતી. આ ઝઘડા બાદ તેઓ લોરેન્સવિલેમાં રહેતા તેમના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પણ વિવાદ શાંત થવાને બદલે વધુ વણસ્યો હતો. આવેશમાં આવીને વિજય કુમારે પત્ની મીનુ ડોગરા અને અન્ય ત્રણ સંબંધીઓ - ગૌરવ કુમાર (33), નિધિ ચંદર (37) અને હરીશ ચંદર (38) પર ગોળીબાર કરી તેમની હત્યા કરી દીધી હતી.

કે-9 સ્ક્વોડની મદદથી આરોપીની ધરપકડ

હત્યાકાંડને અંજામ આપીને આરોપી વિજય કુમાર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસે આધુનિક ટેકનોલોજી અને કે-9 (પોલીસ શ્વાન) ની મદદથી નજીકની ઝાડીઓમાં છુપાયેલા વિજયને શોધી કાઢ્યો હતો. આરોપી સામે અત્યારે હત્યાના ચાર ગુના અને બાળકો પ્રત્યે ક્રૂરતા દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભારતીય દૂતાવાસ એક્શનમાં: શોક વ્યક્ત કર્યો

એટલાન્ટા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું છે કે મૃતકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે અને પીડિત પરિવારને તમામ કાનૂની અને અન્ય જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. લોરેન્સવિલેના શાંત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ભારે આઘાતમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now