જો તમે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ અને ત્યાં જાતે ગાડી ચલાવવાનો પ્લાન હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. ઘણા લોકો એવું માને છે કે માત્ર ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સની મદદથી તેઓ વિદેશમાં પણ વાહન ચલાવી શકે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. મોટાભાગના દેશોમાં માત્ર ભારતીય લાયસન્સ માન્ય ગણાતું નથી. ત્યાં કાયદેસર રીતે ડ્રાઈવિંગ કરવા માટે તમારે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP) મેળવવી અનિવાર્ય છે.
ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP) શું છે?
ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ એ એક એવો સત્તાવાર દસ્તાવેજ છે જે તમારા ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સ્વરૂપ છે. આ પરમિટ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કન્વેન્શન હેઠળ અધિકૃત છે અને તે સાબિત કરે છે કે તમે ભારતમાં વાહન ચલાવવા માટે માન્ય લાયસન્સ ધરાવો છો. IDPમાં તમારો ફોટો, વ્યક્તિગત વિગતો અને તમે કયા પ્રકારના વાહનો ચલાવી શકો છો તેની સંપૂર્ણ માહિતી હોય છે.
આ વિગતો ઘણી બધી ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવે છે જેથી વિદેશી સત્તાવાળાઓ માટે તમારી ઓળખ અને લાયસન્સ સમજવામાં સરળતા રહે. હાલમાં વિશ્વના 150થી વધુ દેશોમાં IDP માન્ય છે. સામાન્ય રીતે આ પરમિટ ઇશ્યૂ થયાની તારીખથી 1 વર્ષ સુધી માન્ય રહે છે. વિદેશમાં ડ્રાઈવિંગ કરતી વખતે IDPની સાથે હંમેશા તમારો પાસપોર્ટ અને મૂળ ભારતીય લાયસન્સ રાખવું પણ ફરજિયાત છે. આ દસ્તાવેજ વગર ઘણા દેશોમાં કાર ભાડે મેળવવી કે ચલાવવી મુશ્કેલ બની શકે છે.
IDP માટે કેવી રીતે અરજી કરવી?
ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ મેળવવાની પ્રક્રિયા હવે ઘણી સરળ બની ગઈ છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના પરિવહન પોર્ટલ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. સૌથી પહેલા તમારે વેબસાઈટ પર જઈને ફોર્મ 4A ભરવાનું રહેશે. આ ફોર્મની સાથે તમારે તમારું માન્ય ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટની નકલ, માન્ય વિઝા અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા અપલોડ કરવાના રહેશે. કેટલાક કિસ્સાઓમાં મેડિકલ સર્ટિફિકેટની પણ જરૂર પડી શકે છે.
અરજી ફીની ચુકવણી તમે UPI, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો. કેટલીકવાર આધાર ઓથેન્ટિકેશન અથવા સ્થાનિક RTO માં વેરિફિકેશન માટે એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર પડે છે. અરજીની તપાસ પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે 3થી 7 કામકાજના દિવસોમાં IDP તમારા રજિસ્ટર્ડ સરનામા પર મોકલી આપવામાં આવે છે.




















