Home International Indian Army Displays Turkish Drone Pakistan Nefarious Act Jalandhar Operation Sindoor

પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ નિષ્ફળ : ઑપરેશન સિંદૂરમાં ઝડપેલા તુર્કિયેના ડ્રોનની પ્રદર્શની

પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ નિષ્ફળ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 06:59 PM IST

ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું છે અને દેશની સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તેનો પુરાવો આપ્યો છે. વિજય દિવસની પૂર્વ સંધ્યાએ સેના દ્વારા એક ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં તુર્કી બનાવટના એક ડ્રોનને રજૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાન દ્વારા જલંધર પર હુમલો કરવાના ઈરાદે મોકલવામાં આવ્યું હતું જેને ભારતીય જાંબાઝોએ હવામાં જ ઉડાવી દીધું હતું. આ ઘટના 10 મેના રોજ બની હતી જ્યારે 'ઓપરેશન સિંદૂર' ચાલી રહ્યું હતું અને પાકિસ્તાન તરફથી સતત સીમા પારથી હુમલાના પ્રયાસો થઈ રહ્યા હતા.

લાહોરથી લોન્ચ થયું હતું ડ્રોન

સેનાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામિકાઝે ડ્રોન પાકિસ્તાનના લાહોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાડવામાં આવ્યું હતું. આ ડ્રોનનો મુખ્ય ટાર્ગેટ પંજાબનું જલંધર શહેર હતું. ડ્રોન આશરે 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું ત્યારે જ ભારતીય સેનાની એર ડિફેન્સ યુનિટની નજર તેના પર પડી હતી. સતર્ક જવાનોએ તુરંત જ કાર્યવાહી કરીને આ ઘાતક હથિયારને તોડી પાડ્યું હતું અને મોટી જાનહાનિ થતા અટકાવી હતી. આ ડ્રોન ટકરાતાની સાથે જ વિસ્ફોટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું.

ડ્રોનની ખાસિયત અને ક્ષમતા

પ્રાપ્ત માહિતી અનુસાર આ ડ્રોન તુર્કી બનાવટનું 'Yiiha' શ્રેણીનું માનવરહિત લડાકુ વિમાન (UCAV) હતું. તેમાં અંદાજે 10 કિલો જેટલું વિસ્ફોટક ભરેલું હતું જે ભારે તબાહી મચાવી શકે તેમ હતું. આ ડ્રોનની પાંખોનો ફેલાવો લગભગ બે મીટર જેટલો હતો અને તેમાં 170 સીસીનું પાવરફુલ એન્જિન લગાવેલું હતું. આ ડ્રોનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. સેનાએ આ ડ્રોનના અવશેષોને ફરીથી જોડીને લોકો સમક્ષ પ્રદર્શિત કર્યા છે.

ઓપરેશન સિંદૂર શું હતું

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનની અંદર રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ સંઘર્ષ ચાર દિવસ સુધી ચાલ્યો હતો જેમાં પાકિસ્તાને અનેક વખત ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. છેવટે પાકિસ્તાને ઘૂંટણ ટેકવીને સંઘર્ષ વિરામની અપીલ કરવી પડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now