logo-img
India Vs Zimbabwe T20 World Cup Super 8 Match Report

T20 World Cupમાં ભારતનો ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય વિજય : 256 રનનો સ્કોર બનાવી રચ્યો નવો ઈતિહાસ, અર્શદીપ સિંહે તરખાટ મચાવતા 3 વિકેટો ઝડપી. વધી સેમિફાઈનલની આશા

T20 World Cupમાં ભારતનો ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય વિજય
Published by: Offbeat Team
| Last Updated: Feb 26, 2026, 05:20 PM IST

ટીમ ઈન્ડિયાએ T20 World Cupની Super 8 સ્ટેજની આઠમી મેચમાં ઝિમ્બાબ્વેને 72 રનના મોટા અંતરથી પરાસ્ત કરીને સેમિફાઈનલ તરફ મજબૂત કદમ વધાર્યા છે. ભારતે આપેલા 257 રનના તોતિંગ ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 184 રન કરી શકી હતી. ભારતીય બોલિંગ આક્રમણમાં અર્શદીપ સિંહે તરખાટ મચાવતા 3 વિકેટો ઝડપી હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં ઝિમ્બાબ્વેના ઓપનર બેટર બ્રાયન બેનેટે શાનદાર લડત આપતા 59 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યો હતો.

ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બેટર્સે આક્રમક વલણ અપનાવીને 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 256 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ T20 World Cupના ઈતિહાસનો બીજા ક્રમનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ 2007માં શ્રીલંકાએ કેન્યા વિરુદ્ધ 260 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર નોંધાવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ભારત તરફથી આ ઐતિહાસિક ઈનિંગમાં અભિષેક શર્માએ 55 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું જ્યારે હાર્દિક પંડ્યાએ અણનમ 50 રન અને તિલક વર્માએ અણનમ 44 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ મેચમાં ભારતે પોતાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. અગાઉ ભારતનો T20 World Cupમાં હાઈએસ્ટ સ્કોર 218 રનનો હતો જે વર્ષ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોંધાયો હતો. ડરબનમાં રમાયેલી તે મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વેના બોલિંગ વિભાગમાં 4 બોલરોને 1-1 સફળતા મળી હતી પરંતુ તેઓ ભારતીય બેટર્સને રોકવામાં નિષ્ફળ સાબિત થયા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now