Home Sports India Vs West Indies T20 World Cup Match India Won

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત : સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે જંગ જામશે

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 06:49 PM IST

T20 વર્લ્ડ કપની અત્યંત પ્રેશરવાળી અને રોમાંચક સુપર 8 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી પરાજય આપીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. કેરેબિયન ટીમે આપેલા 196 રનના મજબૂત લક્ષ્યાંકને ભારતીય બેટ્સમેનોએ આક્રમક રીતે પાર પાડ્યો હતો. આ જીત સાથે જ હવે ભારતીય ટીમ આગામી 5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મુકાબલો રમશે.

સંજુ સેમસન અને તિલક વર્માનો પાવરપ્લે

ભારતની આ જીતનો અસલી હીરો સંજુ સેમસન રહ્યો છે. સેમસને શાનદાર ફોર્મ ચાલુ રાખતા માત્ર 50 બોલમાં અણનમ 97 રનની તોફાની ઇનિંગ રમી હતી. જોકે તે પોતાની સદી પૂરી કરવામાં માત્ર 3 રન દૂર રહ્યો હતો પરંતુ તેની આ ઇનિંગે ભારતને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. તેને સાથ આપતા યુવા બેટ્સમેન તિલક વર્માએ પણ અંતિમ ક્ષણોમાં આક્રમક અભિગમ અપનાવ્યો હતો. તિલકે માત્ર 15 બોલમાં 27 રનનું મહત્વનું યોગદાન આપીને ટીમ પરથી દબાણ હળવું કર્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ અને ભારતની બોલિંગ

આ અગાઉ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રનનો સ્કોર ઊભો કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ 40 રનનું યોગદાન આપ્યું હતું. ઇનિંગના અંત ભાગમાં જેસન હોલ્ડર અને રોવમેન પોવેલે ભારતીય બોલરો પર પ્રહાર કર્યા હતા. હોલ્ડરે અણનમ 37 રન અને પોવેલે અણનમ 34 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ વચ્ચે પાંચમી વિકેટ માટે માત્ર 35 બોલમાં 76 રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી જેણે વિન્ડીઝને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી શિસ્તબદ્ધ બોલિંગ કરતા જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.

આ કરો યા મરો સમાન મેચમાં મળેલી જીત બાદ હવે ભારતીય ચાહકોની નજર હોમ ગ્રાઉન્ડ પર રમાનારી સેમિફાઈનલ પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now