Foreign Jobs: ભારતમાં અત્યાર સુધી ડિગ્રી અને વ્હાઇટ-કોલર નોકરીઓને સફળતાનું પ્રતિક માનવામાં આવતું રહ્યું છે. પરંતુ વૈશ્વિક સ્તરે બદલાતા શ્રમબજારના સમીકરણો હવે એક નવી હકીકત તરફ ઈશારો કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે આગામી પાંચ વર્ષમાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશ્યન, સુથાર, મિકેનિક અને નર્સ જેવા સ્કિલ્ડ વર્કર્સની માંગ વિશ્વભરમાં એટલી ઝડપથી વધશે કે ભારતમાં પણ તેમની અછત અનુભવાઈ શકે છે. કેનેડાની માઇક્રો ટ્રેન્ડ્સ રિસર્ચ ફર્મ ‘પાઇન ટ્રી’ના સ્થાપક રિતેશ જૈનના જણાવ્યા અનુસાર વિકસિત દેશોમાં વૃદ્ધ વસ્તી સતત વધી રહી છે, જ્યારે જન્મદર ઘટી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે અનેક દેશોમાં શ્રમબળની મોટી ખોટ ઉભી થઈ રહી છે, જેને પૂરી કરવા માટે ભારત જેવા દેશોમાંથી કુશળ કામદારોની ભરતી વધશે.
વૃદ્ધ વસ્તી બનશે માંગ વધવાનું મુખ્ય કારણ
યુનાઇટેડ નેશન્સના આંકડા મુજબ 1970 પછી વિશ્વમાં 65 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ બમણી થઈ ચૂકી છે. આગામી દાયકાઓમાં આ સંખ્યા વધુ ઝડપે વધવાની સંભાવના છે. જન્મદર ઘટવાના કારણે અનેક દેશોમાં નવી પેઢીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. પરિણામે બાંધકામ, આરોગ્ય સેવા, મરામત અને અન્ય ટેક્નિકલ ક્ષેત્રોમાં જરૂરી માનવબળની અછત સર્જાઈ રહી છે.
યુરોપ અને અમેરિકા કારીગરોની શોધમાં
જર્મની, ફ્રાન્સ, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં હાલમાં જ ઇલેક્ટ્રિશ્યન, વેલ્ડર, મિકેનિક, પ્લમ્બર અને કેરગિવર જેવા વ્યવસાયોમાં કામદારોની ભારે માંગ છે. અહેવાલો અનુસાર, 2024 દરમિયાન જર્મનીના 80 ટકાથી વધુ નોકરીદાતાઓને જરૂરી સ્કિલ્ડ વર્કર્સ શોધવામાં મુશ્કેલી પડી હતી. યુરોપિયન યુનિયનના દેશોમાં પણ ઇલેક્ટ્રિશ્યન, વેલ્ડર અને મિકેનિક સૌથી વધુ અછત ધરાવતા વ્યવસાયોમાં સામેલ છે.
વ્હાઇટ-કોલર કરતાં બ્લુ-કોલર વર્કર્સની વધુ જરૂર
રિતેશ જૈનના મતે વિશ્વમાં આજે વ્હાઇટ-કોલર પ્રોફેશનલ્સની સંખ્યા પૂરતી છે, પરંતુ બ્લુ-કોલર વર્કર્સની અછત વધી રહી છે. આ વિશ્વના શ્રમબજારમાં સૌથી મોટું અસંતુલન માનવામાં આવે છે. ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ બની રહ્યા છે, પરંતુ ટેક્નિકલ અને હેન્ડ્સ-ઓન સ્કિલ ધરાવતા લોકોનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું છે. જેના કારણે ભવિષ્યમાં સ્થાનિક સ્તરે પણ કારીગરોની તંગી સર્જાઈ શકે છે.
ભારતીય યુવાનો માટે વિદેશમાં ખુલશે નવી તકો
પશ્ચિમી દેશોમાં સામાન્ય ઇમિગ્રેશન નીતિઓ કડક બની રહી છે, છતાં જરૂરી કામદારોની અછતને કારણે સરકારો ટાર્ગેટેડ ઇકોનોમિક માઇગ્રેશનને પ્રોત્સાહન આપી શકે છે. આ સ્થિતિ ભારતીય સ્કિલ્ડ વર્કર્સ માટે મોટી તક સાબિત થઈ શકે છે. પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ વર્ક, નર્સિંગ, મશીન મેન્ટેનન્સ અને કેરગિવિંગ જેવા ક્ષેત્રોમાં તાલીમ ધરાવતા યુવાનોને વિદેશમાં સારી આવક અને સ્થિર કારકિર્દીની તક મળી શકે છે.
ભારતમાં કેમ વધી શકે અછત?
ભારતમાં આવા વ્યવસાયોને હજુ પણ પૂરતું સામાજિક અને આર્થિક મહત્વ મળતું નથી. ઓછા વેતન, અનિશ્ચિત રોજગાર અને મર્યાદિત કારકિર્દી વૃદ્ધિના કારણે યુવાનો આ ક્ષેત્રોમાં આવવા માટે ઓછો રસ દાખવે છે. mજો વિદેશી ભરતી વધશે અને સ્થાનિક સ્તરે નવા કારીગરો તૈયાર નહીં થાય, તો આગામી વર્ષોમાં ભારતમાં પણ પ્લમ્બર, ઇલેક્ટ્રિશ્યન, સુથાર અને નર્સ જેવા વ્યવસાયોમાં ગંભીર અછત સર્જાઈ શકે છે.
નિષ્ણાતોની સલાહ
નિષ્ણાતોનું માનવું છે કે, ભારતે હવે સ્કિલ ડેવલપમેન્ટ પર વધુ ભાર મૂકવાની જરૂર છે. યુવાનોને માત્ર ડિગ્રી નહીં પરંતુ વ્યવસાયિક અને ટેક્નિકલ તાલીમ તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે તો જ ભવિષ્યની માંગને પહોંચી વળવું શક્ય બનશે.





