India Seafood Export Record: વૈશ્વિક સ્તરે ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે પણ ભારતના દરિયાઈ ખાદ્ય પદાર્થો (Sea-food) ની નિકાસે નવા શિખરો સર કર્યા છે. નાણાકીય વર્ષ 2025-26 ભારત માટે સી-ફૂડ એક્સપોર્ટના ક્ષેત્રમાં ઐતિહાસિક સાબિત થયું છે. ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ રેકોર્ડબ્રેક 72,325.82 કરોડ રૂપિયા ($8.28 અબજ) પર પહોંચી ગઈ છે. આ આંકડો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતના સૌથી મોટા બજાર અમેરિકાએ ટેરિફ સંબંધિત અવરોધો ઉભા કર્યા હતા. જોકે, ભારતે સમયસૂચકતા વાપરીને અન્ય દેશો તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નિકાસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં માંગ ઘટવા છતાં ચીન, યુરોપ અને જાપાન જેવા દેશોએ ભારતીય સી-ફૂડમાં ભારે રસ દાખવ્યો છે. ભારતની આ સફળતા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં પડકારો હોવા છતાં ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા અને સપ્લાય ચેઈન મજબૂત છે.
અમેરિકાનો ટેરિફ ફટકો અને ભારતની મજબૂત પકડ
અત્યાર સુધી અમેરિકા ભારતીય સી-ફૂડ માટે સૌથી મોટું બજાર રહ્યું છે, પરંતુ તાજેતરમાં ત્યાં 'રેસિપ્રોકલ ટેરિફ' (પરસ્પર ટેરિફ) અને એન્ટી-ડમ્પિંગ ડ્યુટી જેવા પડકારો ઉભા થયા છે.
નિકાસમાં ઘટાડો: અમેરિકામાં નિકાસના મૂલ્યમાં 14.5% અને જથ્થામાં અંદાજે 20% નો ઘટાડો નોંધાયો છે.
ગ્રોથ એન્જિન: આ પડકાર છતાં ભારતનું મુખ્ય હથિયાર 'ફ્રોઝન ઝીંગા' (Frozen Shrimp) સાબિત થયું છે. કુલ કમાણીમાં ઝીંગાનો હિસ્સો 47,973.13 કરોડ રૂપિયા રહ્યો છે, જે કુલ નિકાસ આવકના બે-તૃતીયાંશ ભાગ સમાન છે.
પ્લાન-B એક્ટિવ: ચીન અને યુરોપમાં નિકાસનો જંગી ઉછાળો
અમેરિકાના માર્કેટમાં જે ખાડો પડ્યો હતો, તેની ભરપાઈ ભારતે એશિયા અને યુરોપના બજારોમાં કરી દીધી છે. ભારતની વ્યૂહનીતિ બદલાતા ચીને મન મૂકીને ભારતીય દરિયાઈ ઉત્પાદનોની ખરીદી કરી છે.
ચીનનો ઉછાળો: ચીનમાં ભારતની સી-ફૂડ નિકાસમાં 22.7% નો જંગી વધારો થયો છે.
યુરોપિયન યુનિયન: યુરોપના દેશોમાં ભારતીય નિકાસમાં 37.9% ની તેજી જોવા મળી છે.
દક્ષિણ-પૂર્વ એશિયા: આ દેશોમાં પણ 36.1% થી વધુનો ગ્રોથ નોંધાયો છે, જ્યારે જાપાનમાં નિકાસ 6.55% વધી છે.
કયા ઉત્પાદનોએ તોડ્યા રેકોર્ડ?
માત્ર ઝીંગા જ નહીં, પરંતુ અન્ય અનેક દરિયાઈ ઉત્પાદનોએ પણ આ રેકોર્ડબ્રેક સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ફ્રોઝન ફિશ, સ્ક્વિડ (Squid), કટલફિશ (Cuttlefish) અને ફિશ ઓઇલ જેવી પ્રોડક્ટ્સની માંગ વિદેશી બજારોમાં સતત વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા જેવા પરંપરાગત બજારોમાં જ્યારે ટેરિફની સમસ્યા ઉભી થઈ, ત્યારે ભારતે નવા બજારો શોધવાની જે સ્માર્ટ રણનીતિ અપનાવી તે સફળ રહી છે. આ જ કારણ છે કે ભારતની સી-ફૂડ નિકાસ આજે તેના ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચી શકી છે.





