મિડલ ઈસ્ટમાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારત સરકારે ઊર્જા સુરક્ષાને લઇને ઝડપી અને સક્રિય પગલાં લીધાં છે. LPG, PNG અને પેટ્રોલિયમ સપ્લાયમાં કોઈ ખલેલ ન પડે તે માટે સરકાર સતત મોનીટરીંગ કરી રહી છે. સાથે જ હોર્મુઝમાં ભારતીય જહાજો પર થયેલી ગોળીબારી બાદ ઇરાન સામે કડક રાજનૈતિક સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.
પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ભારત સરકારે દેશની ઊર્જા સપ્લાય ચેનને મજબૂત રાખવા માટે બહુસ્તરીય તૈયારી શરૂ કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી તાજી માહિતી મુજબ, LPG, PNG અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા દેશભરમાં સ્થિર રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિમાં ગભરાશથી ખરીદી કરવાની કોઈ જરૂર નથી અને નાગરિકોએ માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ.
LPG અને PNG સપ્લાય પર શું છે સ્થિતિ?
સરકારી અપડેટ મુજબ, ઘરેલુ LPG સિલિન્ડરોની સપ્લાય સામાન્ય રીતે ચાલુ છે. 18 એપ્રિલ 2026ના રોજ 53.5 લાખથી વધુ LPG સિલિન્ડરોની ડિલિવરી કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે સપ્લાય ચેઇન મજબૂત છે. આ ઉપરાંત, 39,000થી વધુ PNG વપરાશકર્તાઓએ MYPNGD પ્લેટફોર્મ મારફતે LPG કનેક્શન સરેન્ડર કરીને PNG તરફ વળવાનું પસંદ કર્યું છે. ડિજિટલ બુકિંગમાં પણ વધારો નોંધાયો છે, જ્યાં લગભગ 98% બુકિંગ હવે ઑનલાઇન થઈ રહી છે. ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ’ (DAC) આધારિત ડિલિવરી 93%થી વધુ પહોંચી ગઈ છે, જે ગેરવપરાશને રોકવામાં મદદરૂપ થઈ રહી છે.
હોર્મુઝ તણાવ અને ભારતની ચિંતા
તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં બનેલી ગોળીબારીની ઘટનાએ ભારતની ચિંતા વધારી છે. આ ઘટનામાં ભારતીય જહાજો સંકળાયેલા હોવાથી ભારતે ઇરાનના રાજદૂતને નવી દિલ્હીમાં તલબ કર્યા હતા.
ભારતે સ્પષ્ટ રીતે વ્યાપારી જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી કરી છે. આ વચ્ચે સકારાત્મક સમાચાર તરીકે ભારતીય ક્રૂડ ઓઇલ ટૅન્કર ‘દેશ ગરીમા’ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગયું છે અને તે 22 એપ્રિલે મુંબઈ પહોંચવાની અપેક્ષા છે.
સરકારના મહત્વપૂર્ણ પગલાં
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધાં છે:
પેટ્રોલ, ડીઝલ અને LPGની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રિફાઇનરીઓને સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવામાં આવી રહી છે
નાગરિકોને ગભરાટમાં ખરીદી ન કરવા અને ઊર્જા બચાવવા અપીલ
ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા LPG બુકિંગને પ્રોત્સાહન
PNG અને ઇલેક્ટ્રિક કુકટોપ જેવા વિકલ્પો તરફ પ્રોત્સાહન
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ LPG, PNG અને CNG સપ્લાય 100% જાળવી રાખવામાં આવશે.
કોમર્શિયલ સપ્લાય અને પ્રાથમિકતા
કોમર્શિયલ LPG માટે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે જ ફાર્મા, સ્ટીલ, ઓટોમોબાઇલ અને કૃષિ ક્ષેત્રોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રવાસી મજૂરો માટે 5 કિલોના FTL સિલિન્ડરોની સપ્લાય બમણી કરવામાં આવી છે, જે સરકારની સામાજિક જવાબદારી દર્શાવે છે.
વૈકલ્પિક ઊર્જા પર ભાર
LPGની માંગ ઘટાડવા માટે સરકાર દ્વારા કેરોસિન અને કોલસા જેવા વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કોલસા મંત્રાલયે રાજ્ય સરકારોને વધારાનો કોલસા પુરવઠો આપવાની સૂચના આપી છે. રાજ્યોને PNG કનેક્શન વધારવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેથી ગેસ આધારિત ઊર્જાનો ઉપયોગ વધે.
રાજ્ય સરકારો સાથે સંકલન
રાજ્યોને આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 હેઠળ સત્તા આપવામાં આવી છે કે તેઓ સપ્લાય પર નજર રાખે અને જમાખોરી તથા કાળાબજારી સામે કડક કાર્યવાહી કરે.
આથી સમગ્ર દેશવ્યાપી સ્તરે સંકલિત રીતે ઊર્જા વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે.





