Home International India Iran Diplomatic Success Indian Sailors Released Hormuz Strait

આખરે જયશંકરની કૂટનીતિ કામ કરી ગઇ! : હોર્મુઝ સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, ઈરાને લીધું મોટું પગલું

India Iran Relations
Image Credit: Israel in India fb
Published by: Nirali Gohil
Last Updated: May 27, 2026, 07:50 AM IST

Iran Releases Indian Sailors: હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને પશ્ચિમ એશિયાની અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ઈરાને અટકાયતમાં રાખેલા 10 ભારતીય ખલાસીઓને આખરે મુક્ત કરી દીધા છે, જેના કારણે તેમના પરિવારજનો અને ભારત સરકારને મોટી રાહત મળી છે. માહિતી અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા કૂટનીતિક પ્રયાસો અને સતત વાટાઘાટો બાદ આ સફળતા મળી છે. ભારત સરકારે આ સમગ્ર મામલે શાંત પરંતુ અસરકારક રાજદ્વારી અભિગમ અપનાવ્યો હતો, જેના પરિણામે ખલાસીઓની સુરક્ષિત મુક્તિ શક્ય બની હોવાનું માનવામાં આવે છે.

કયા જહાજ સાથે જોડાયેલો હતો સમગ્ર મામલો?

ભારતીય શિપિંગ ઓથોરિટીના જણાવ્યા મુજબ, મુક્ત કરાયેલા ખલાસીઓ ‘એમવી હાર્બર ફોનિક્સ’ (MV Harbour Phoenix) નામના એક તેલ ટેન્કર પર ફરજ બજાવી રહ્યા હતા. આ સમગ્ર ઘટના જુલાઈ 2025 દરમિયાન બની હતી, જ્યારે ઈરાનના જાસ્ક પોર્ટ નજીક આ જહાજને રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ જહાજમાં હાજર ભારતીય ખલાસીઓને ઈરાની સત્તાવાળાઓએ કસ્ટડીમાં લીધા હતા. ત્યારે આ ઘટનાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ હવે લગભગ એક વર્ષ બાદ ખલાસીઓની મુક્તિ થતાં સમગ્ર મામલે સકારાત્મક વળાંક આવ્યો છે.

ભારત સરકારની શાંત કૂટનીતિ કામ લાગી

ભારત સરકારે આ મામલે શરૂઆતથી જ જાહેર નિવેદનો આપવાથી દૂર રહીને અત્યંત સાવધાની અને સંતુલિત રાજદ્વારી નીતિ અપનાવી હતી. મળતી માહિતી મુજબ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારતીય કૂટનીતિક તંત્ર દ્વારા ઈરાન સાથે સતત સંપર્ક જાળવવામાં આવ્યો હતો, જેના પરિણામે વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં સફળતા મળી. ડાયરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, બધા ખલાસીઓ હવે સુરક્ષિત છે અને તેમને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. જોકે, સમગ્ર કાર્યવાહી સંવેદનશીલ હોવાથી સરકાર તરફથી અત્યાર સુધી કોઈ વિશેષ જાહેર નિવેદન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: વૈશ્વિક તણાવ વચ્ચે ટ્રમ્પ અંગે આવ્યાં સૌથી મોટા સમાચાર: સતત 3 કલાક સુધી ચાલ્યું અમેરિકાના રાષ્ટ્રપતિનું હેલ્થ ચેકઅપ, વ્હાઇટ હાઉસે આપી જાણકારી

ભારત-ઈરાન સંબંધો ફરી બન્યા મદદગાર

ભારત અને ઈરાન વચ્ચે વર્ષોથી ઊર્જા, વેપાર અને કૂટનીતિક સંબંધો મજબૂત રહ્યા છે. ખાસ કરીને તેલ આયાત અને ચાબહાર પોર્ટ જેવા પ્રોજેક્ટ બંને દેશોને નજીક લાવતાં રહ્યા છે. જોકે ભારત અમેરિકા અને ઈઝરાયલ સાથે પણ મજબૂત સંબંધો ધરાવે છે, જેના કારણે આવા સંવેદનશીલ મામલાઓમાં નવી દિલ્હી સામાન્ય રીતે ખૂબ જ સંતુલિત અભિગમ અપનાવે છે. નિષ્ણાતો માને છે કે, ભારતે કોઈ આક્રમક જાહેર નિવેદન આપ્યા વગર શાંતિપૂર્ણ કૂટનીતિનો રસ્તો અપનાવ્યો, જે અંતે સફળ સાબિત થયો.

ધરપકડ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નહીં

ઈરાની સુરક્ષા દળો અગાઉથી એવો દાવો કરતા આવ્યા છે કે ગલ્ફ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઇંધણ પરિવહન કરતા જહાજો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય ખલાસીઓની અટકાયતનું ચોક્કસ કારણ અથવા જહાજ સંબંધિત સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. શિપ-ટ્રેકિંગ વેબસાઇટ્સ અનુસાર, MV Harbour Phoenix પલાઉ ધ્વજ ધરાવતું તેલ ટેન્કર છે, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર કામગીરી કરતું હતું.

હોર્મુઝ સ્ટ્રેટ પર કેમ વધ્યું છે સંકટ?

તાજેતરના સમયમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે, જેના પગલે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર વધુ કડક દેખરેખ શરૂ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ માનવામાં આવે છે, કારણ કે વિશ્વના કુલ તેલ અને LNG સપ્લાયનો લગભગ 20 ટકા હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે.

આ પણ વાંચો: Byju'sના સ્થાપકને મોટો ઝટકો!: સિંગાપુર કોર્ટે ફટકારી 6 મહિના જેલની સજા અને 70,500 ડોલરનો ભારે દંડ! જાણો શું છે આરોપો

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે હોર્મુઝ સ્ટ્રેટ?

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે અને દેશની લગભગ અડધી તેલ જરૂરિયાતો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે પૂરી થાય છે. આ જ કારણ છે કે પશ્ચિમ એશિયામાં કોઈપણ તણાવ ભારત માટે ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય બની જાય છે. જોકે, રાહતની વાત એ છે કે તાજેતરમાં ભારત માટે LNG લઈને આવતા બે જહાજો સુરક્ષિત રીતે આ માર્ગેથી પસાર થયા છે, જેના કારણે તાત્કાલિક ગેસ સપ્લાય સંકટનો ભય થોડો ઓછો થયો છે.

ખલાસીઓની વતન વાપસીની તૈયારી

મુક્ત કરાયેલા તમામ 10 ભારતીય ખલાસીઓને હવે ભારત પરત લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરિવારજનો લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની સુરક્ષિત વતન વાપસીની આશા મજબૂત બની છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે સંકટની સ્થિતિમાં ભારતની શાંત અને મજબૂત કૂટનીતિ આંતરરાષ્ટ્રીય સ્તરે અસરકારક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now