Home International India Developing New Anti Drone Radar System By Gen Z Operation Sindoor

પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ઉડાવી દેશે ભારતની નવી સિસ્ટમ : 22થી 30 વર્ષના યુવાનોએ તૈયાર કર્યું ખાસ કવચ

પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ઉડાવી દેશે ભારતની નવી સિસ્ટમ
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 04:45 PM IST

ઓપરેશન સિંદૂર દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાને પોતાની નાપાક હરકત બતાવતા સેંકડો ડ્રોન વડે ભારતીય સીમા પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાએ પોતાની બહાદુરીથી આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું પરંતુ આ ઘટનાએ ડ્રોન વોરફેરની ગંભીરતા છતી કરી હતી. વર્તમાન સમયમાં જે રડાર સિસ્ટમ ઉપલબ્ધ છે તે નાના ડ્રોનને સમયસર પકડવામાં ક્યારેક થાપ ખાઈ જાય છે. આ પડકારને પહોંચી વળવા માટે હવે ભારતમાં જ એક એવી અત્યાધુનિક રડાર સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે દુશ્મનના ડ્રોનને દૂરથી જ ઓળખીને તેનો ખાતમો બોલાવી દેશે. આ નવી ટેકનોલોજી દુશ્મનોની ઊંઘ હરામ કરી દેશે.

દેશની યુવા પેઢી એટલે કે જેન ઝી કરી રહી છે કમાલ ભારતીય નૌસેનાના સ્વાવલંબન 2025 કાર્યક્રમમાં સ્વદેશી બનાવટના અનેક શસ્ત્રો અને ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બધામાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર એક એવું રડાર બન્યું છે જે સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ સિસ્ટમ તૈયાર કરનારા કોઈ અનુભવી વૈજ્ઞાનિકો નહીં પરંતુ 22થી 30 વર્ષની વયજૂથના યુવા ઈજનેરો છે. સી14 ઓટોનોમસ ડિફેન્સ નામની સ્વદેશી કંપનીના આ હોનહાર યુવાનોએ શ્રી કેમેરા રડાર વિકસાવ્યું છે. આ યુવાનો ભારતની જેન ઝી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે હવે દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં યોગદાન આપી રહ્યા છે.

લદ્દાખની કાતિલ ઠંડીમાં થશે અગ્નિપરીક્ષા કંપનીના પ્રતિનિધિ યોગેશના જણાવ્યા અનુસાર નૌસેનાની જરૂરિયાતો મુજબ આ ખાસ રડાર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ડ્રોન ડિટેક્શન સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં હજુ અંદાજે એક વર્ષનો સમય લાગી શકે છે. સેનાના નિયમો મુજબ કોઈપણ હથિયારને સામેલ કરતા પહેલા તેનું દરેક પરિસ્થિતિમાં પરીક્ષણ કરવું અનિવાર્ય હોય છે. રાજસ્થાનના રણમાં તેનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને હવે સેનાની નોર્ધન કમાન્ડ દ્વારા લદ્દાખના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં તેનું ટ્રાયલ લેવામાં આવશે. હાલમાં આ ડ્રોન ડિટેક્શન રડાર સિસ્ટમ 70 ટકા જેટલી તૈયાર થઈ ચૂકી છે.

વજનમાં હલકું પણ કામમાં છે વજનદાર આ રડારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર ડ્રોનને શોધતું નથી પરંતુ તેમાં દારૂગોળો પણ હોય છે જે ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે. આ આખી સિસ્ટમનું વજન માત્ર 75 કિલોગ્રામ છે જેને કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ખૂબ જ સરળ છે. રાજસ્થાન અથવા મેદાની વિસ્તારોમાં તે 2 કિલોમીટર દૂરથી ડ્રોનને પકડી શકે છે અને તેને 500 મીટર દૂરથી પણ ઓપરેટ કરી શકાય છે. હાલમાં તેની બેટરી ક્ષમતા 4 થી 5 કલાકની છે પરંતુ તેને વધારીને 24 કલાક સુધી લઈ જવાની કામગીરી ચાલી રહી છે જેથી તે ચોવીસ કલાક સરહદ પર પહેરો આપી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now