logo-img
Ind W Vs Aus W Team Indias Poor Start In The Odi Series Against Australia

IND-W vs AUS-W; વર્લ્ડ કપ જીત્યા પછી ભારતની પ્રથમ હાર! : ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની નબળી શરૂઆત

IND-W vs AUS-W; વર્લ્ડ કપ જીત્યા પછી ભારતની પ્રથમ હાર!
Published by: Offbeat Team
| Last Updated: Feb 24, 2026, 11:51 AM IST

IND-W vs AUS-W : નવેમ્બર મહિનામાં પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી છે. T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી, વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું છે. બ્રિસ્બેનના એલન બોર્ડર ફિલ્ડ પર રમાયેલી આ મેચમાં યજમાન ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારતને હરાવ્યું.

ભારતીય ટોપ-ઓર્ડર નિષ્ફળ

મેચની શરૂઆત ભારત માટે ખૂબ જ ખરાબ રહી હતી. વર્લ્ડ કપમાં ઈજા બાદ કમબેક કરી રહેલી પ્રતિકા રાવલ બીજા જ બોલ પર 0 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્ટાર ઓપનર શેફાલી વર્મા (4) અને જેમીમા રોડ્રિગ્સ (8) પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. શરૂઆતની ઝટકાઓને કારણે ટીમ ઈન્ડિયા પ્રેશરમાં આવી ગઈ હતી. એક તરફ વિકેટો પડતી રહી, ત્યારે બીજી તરફ સ્મૃતિ મંધાનાએ એક એન્ડ સંભાળ્યો હતો. સ્મૃતિ મંધાનાએ આકર્ષક શોટ્સ ફટકારીને 58 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ તેને સાથ આપતા 53 રન ફટકાર્યા હતા, જોકે હરમનપ્રીત કૌરે આ રન બનાવવા માટે 84 બોલ લીધા હતા. આ બંનેની હાફ-સેન્ચુરી છતાં ભારત મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું.

કાશ્વી ગૌતમનું ફિનિશિંગ

જ્યારે એવું લાગતું હતું કે, ટીમ ઈન્ડિયા 200 રન પણ નહીં બનાવી શકે, ત્યારે યુવા ખેલાડી કાશ્વી ગૌતમે શાનદાર બેટિંગ કરી હતી. કાશ્વી ગૌતમે માત્ર 44 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. તેના આ પ્રદર્શનને કારણે ભારત 49મી ઓવરમાં 214 રન સુધી પહોંચી શક્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.


હીલી અને મૂનીની આક્રમક બેટિંગ

215 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. કેપ્ટન એલિસા હીલી (50) અને બેથ મૂની (76) એ હાફ-સેન્ચુરી ફટકારીને જીત સરળ બનાવી દીધી હતી. મધ્યક્રમમાં એનાબેલ સધરલેન્ડે 48 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી અને 39મી ઓવરમાં સિક્સ ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now