T20 World Cup : ક્રિકેટ જગતની સૌથી મોટી રાઈવલરી ફરી એકવાર મેદાન પર જોવા મળવાની છે. 2026 T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને અત્યારથી જ માહોલ ગરમાયો છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને યુવા બેટ્સમેન અભિષેક શર્માના રમવા અંગે મોટી વાત કહી છે.
અભિષેક શર્મા પર સલમાનનું નિવેદન
ભારતીય સ્ટાર ઓપનર અભિષેક શર્મા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને દિલ્હીની હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા. આ અંગે પૂછવામાં આવતા પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ કહ્યું કે, "હું ઈચ્છું છું કે, અભિષેક શર્મા રવિવારની મેચમાં રમે. મને આશા છે કે, તે સ્વસ્થ થઈ રહ્યો હશે. અમે ભારતની સર્વશ્રેષ્ઠ ટીમ સામે રમવા માંગીએ છીએ અને તેમને હરાવવા માંગીએ છીએ." સલમાનના આ નિવેદનને ભારત માટે એક સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.
ઉસ્માન તારિકની એક્શનનો વિવાદ
પાકિસ્તાની બોલર ઉસ્માન તારિકની બોલિંગ એક્શન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા સલમાન આગાએ કહ્યું કે, ઉસ્માન આ બાબતોથી ટેવાયેલો છે. તેણે જણાવ્યું કે, ઉસ્માન બે વાર ICC નો ટેસ્ટ પાસ કરી ચૂક્યો છે, તેથી તેની એક્શન અંગે આટલો હોબાળો કરવાની જરૂર નથી. ઉસ્માન પોતાની રમત પર ધ્યાન આપી રહ્યો છે અને તે ભારત સામે મહત્વનો સાબિત થઈ શકે છે.
કોલંબોમાં ભારતનો દબદબો
આ હાઇ-વોલ્ટેજ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ઇતિહાસ પર નજર કરીએ તો આ મેદાન પર ભારતનું પલ્લું ભારે રહ્યું છે. ભારત અને પાકિસ્તાન આ પહેલા એક વાર આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાયા છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.
હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ભારત આગળ
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચો રમાઈ છે. જેમાંથી ભારતે 13 મેચમાં જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે પાકિસ્તાન માત્ર 3 મેચ જીતી શક્યું છે. આંકડા સ્પષ્ટપણે ભારતની તરફેણમાં છે, પરંતુ રવિવારની મેચમાં પાકિસ્તાન ઉલટફેર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.




















