Home Sports Ind Vs Nz After Victory In Vadodara Both Teams In Rajkot Fan Cries After Not Getting Virats Autograph

IND vs NZ; ભારતની જીત પછી બંને ટીમો રાજકોટ રવાના : કોટંબી સ્ટેડિયમમાં 15 વર્ષ પછી ક્રિકેટનો જશ્ન, Virat નો ઓટોગ્રાફ ન મળતા ફેન રડી પડી!

IND vs NZ; ભારતની જીત પછી બંને ટીમો રાજકોટ રવાના
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 01:17 PM IST

Cricket enthusiasm in Vadodara: વડોદરાના આંગણે 15 વર્ષના લાંબા અંતરાલ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટનો પુનરાગમન થયું છે. ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ વડોદરાવાસીઓમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે, પરંતુ મેચ પછી ખેલાડીઓની વિદાય ટાઇમે કેટલીક ભાવુક ક્ષણો પણ જોવા મળી હતી.

મેચનું પરિણામ અને સિરીઝની સ્થિતિ

ગઈકાલે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. આ ઐતિહાસિક મેચ પછી વડોદરાના ક્રિકેટપ્રેમીઓમાં એક નવી આશા જાગી છે કે, આગામી સમયમાં શહેરમાં વધુ ઇન્ટરનેશનલ મેચોનું આયોજન થશે.

એરપોર્ટ પર પ્રશંસકોનો જમાવડો

જીત મેળવ્યા પછી આજે સવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ આગામી મેચ માટે રાજકોટ જવા રવાના થઈ હતી. ખેલાડીઓ હોટેલથી એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં અને એરપોર્ટ પર હજારોની સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ ખેલાડીની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જોઈને ઊભા રહ્યા હતા.

વિરાટની નાની ફેન થઈ ભાવુક

આ ભીડમાં 12 વર્ષની સિમોની રેડ્ડી નામની બાળકી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિમોની છેલ્લા બે દિવસથી વિરાટ કોહલીનો ઓટોગ્રાફ લેવા માટે મથામણ કરી રહી હતી. હાથમાં બેનર લઈને ઉભેલી સિમોનીએ જણાવ્યું હતું કે, “વિરાટ સરની સહી મળી જાય તો એ મારા જીવનની સૌથી મોટી ખુશી હશે.” પરંતુ કડક સુરક્ષા અને સમયના અભાવે વિરાટ ઓટોગ્રાફ આપી શક્યો નહીં, જેના કારણે સિમોનીની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ખેલાડીઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટ અને હોટેલની આસપાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ વગર બંને ટીમોને સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચાડવામાં આવી હતી, જ્યાંથી તેઓ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા રાજકોટ જવા રવાના થયા હતા.

હવે આગામી મેચ રાજકોટમાં

હવે ક્રિકેટનો આ રોમાંચ વડોદરાથી રાજકોટ તરફ આગળ વધ્યો છે. સિરીઝની બીજી વનડે મેચ 14 જાન્યુઆરી એટલે કે, ઉત્તરાયણના પવિત્ર દિવસે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. રાજકોટના ક્રિકેટ રસિકો પણ હવે ઉત્તરાયણની પતંગબાજીની સાથે ક્રિકેટના જંગને માણવા માટે આતુર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now